સ્કૅમ અને ફ્રૉડ ચારેકોર થઈ રહ્યા છે અને સોશ્યલ મીડિયા સૌથી સરળ પ્રલોભનનું માધ્યમ બની શકે એમ છે.
ટેક ટૉક
પ્રતીકાત્મક તસવીર
સ્કૅમ અને ફ્રૉડ ચારેકોર થઈ રહ્યા છે અને સોશ્યલ મીડિયા સૌથી સરળ પ્રલોભનનું માધ્યમ બની શકે એમ છે. પર્સનલ લાઇફ મોમેન્ટ શૅરિંગ માટે શરૂ થયેલું ઇન્સ્ટા હવે બિઝનેસ પ્લૅટફૉર્મ તરીકે ઊભરી રહ્યું છે ત્યારે પહેલેથી જાણી લો કેવાં-કેવાં સ્કૅમ્સ તમને લપેટામાં લઈ શકે એમ છે અને એનાથી દૂર કઈ રીતે રહી શકાય
ટેક્નૉલૉજી અને ડિવાઇસ જેટલાં સ્માર્ટ બની રહ્યાં છે એટલા જ સ્માર્ટ હવે સ્કૅમર્સ પણ બની રહ્યા છે. આજે વારંવાર સાંભળવા મળે છે કે આ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ, પેલી વ્યક્તિના ખાતામાંથી આટલા રૂપિયા જતા રહ્યા વગેરે. આ સ્કૅમ દરેક જગ્યા પર થાય છે અને એમાં ઇન્સ્ટાગ્રામ પણ બાકાત નથી. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ આજે ફક્ત ફોટો શૅરિંગ એપ્લિકેશન પૂરતો સિમિત નથી રહ્યો. લોકો પર્સનલ લાઇફની સ્પેશ્યલ મોમેન્ટ શૅર કરવાની સાથે એનો ઉપયોગ હવે બિઝનેસ પ્લૅટફૉર્મ માટે પણ કરે છે. ઇન્સ્ટાગ્રામ ઘણા લોકો માટે વરદાનરૂપ બન્યું છે જેઓ ઘરે બેઠાં-બેઠાં સ્મૉલ બિઝનેસ ચલાવી રહ્યા છે. જોકે કેટલાક લોકો જ્યારે ખૂબ જ ઈમાનદારીથી કામ કરતા હોય ત્યારે તેમની ઈમાનદારીનો ફાયદો આ સ્કૅમર્સ ઉઠાવતા હોય છે. લોકોને છેતરવાના હેતુથી ઇન્સ્ટાગ્રામ પર ઘણાં સ્કૅમ આવે છે. તો એવા જ કેટલાંક સ્કૅમ વિશે જોઈએ જેથી યુઝર્સ આવાં સ્કૅમથી દૂર રહી શકે.
ADVERTISEMENT
ફેક પ્રોફાઇલ | સેલિબ્રિટીની પ્રોફાઇલ બનાવી લોકોને છેતરવા હવે સહેલું નથી. આથી સ્કૅમર્સ હવે સામાન્ય વ્યક્તિની જ પ્રોફાઇલ બનાવે છે. તે જે વ્યક્તિની પ્રોફાઇલ બનાવે છે એ જ વ્યક્તિની પ્રોફાઇલમાં જઈને તેના ફ્રેન્ડ્સને મેસેજ કરે છે અને પૈસાની જરૂર છે એમ કહે છે. એક ખોટો માહોલ બનાવે છે કે પૈસાની જરૂર છે અને ફ્રેન્ડસને અન્ય નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે. આ પ્રકારનાં સ્કૅમ ખૂબ જ વધી રહ્યાં છે. આથી આ માટે જે વ્યક્તિ પૈસા માગે એને સૌથી પહેલાં તો ફોન કરીને પૂછવું. ફક્ત મેસેજ પર ક્યારેય વાત ન કરવી. ઇન્સ્ટાગ્રામ પર વિડિયો કૉલ કરી પહેલાં માહિતી લેવી. જો કૉલ કાપી નાખવામાં આવે તો સમજી લેવું ૯૦ ટકા ચાન્સ છેતરપિંડી હોવાના છે. આથી ક્યારેય પણ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ દ્વારા પૈસાની મદદ માગવામાં આવે તો એ ન કરવી. પર્સનલી મળીને અથવા તો તમારી પાસે જે નંબર સેવ્ડ હોય એના પર ફોન કરીને પહેલાં એ વ્યક્તિ સાથે વાત કરવી.
ફેક પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ | ઇન્સ્ટાગ્રામ એટલે બિઝનેસ પ્લૅટફૉર્મ પણ કહેવું ખોટું નથી. ઇન્સ્ટાગ્રામ ઍડ્વર્ટાઇઝમેન્ટ પર ચાલે છે. આથી ફેક પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટથી બચીને રહેવું. ઇન્ફ્લુઅન્સરને ઍડ કરવા માટે પૈસા મળતા હોય છે અને એથી તે કોઈ પણ પ્રોડક્ટનું એન્ડોર્સમેન્ટ કરી શકે છે. આથી ખાસ કરીને એનાથી બચીને રહેવું. કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા પહેલાં એ વિશે રિસર્ચ કરવું. તેમ જ એ વિશેના રિવ્યુ જાણવા. ઘણી વાર પેઇડ રિવ્યુ પણ હોય છે. આથી જે-તે રિવ્યુ વાંચીને અનુમાન લગાવવું કે એ સાચા છે કે ખોટા. ઇન્ફ્લુઅન્સર દ્વારા ઘણી વાર પ્રોડક્ટ ખરીદ્યા બાદ આટલા રૂપિયા મળશે એવું પણ કહેવામાં આવે છે. આ એક પિરામિડ સ્કીમ હોય છે કે એક વ્યક્તિએ ખરીદ્યા બાદ બીજી વ્યક્તિ પાસે ખરીદવું. પિરામિડ અથવા તો ચેઇન સ્કીમ કહો કે ગમે તે, પરંતુ એનાથી પણ બચીને રહેવું.
ફેક ગિવઅવે | સ્મૉલ બિઝનેસ કરનારા યુઝર્સ તેમના બિઝનેસને બૂસ્ટ આપવા માટે અને ઇન્સ્ટાગ્રામને વધુ એન્ગેજિંગ બનાવવા માટે ગિવઅવે અથવા તો કૉન્ટેસ્ટ કરતા હોય છે. આ ગિવઅવે એટલે એમાં યુઝરે ફોટોને લાઇક અથવા કમેન્ટ કરવાની હોય છે અથવા તો અન્ય યુઝરને ટૅગ કરવાના હોય છે. આ રીતની અમુક શરત હોય છે અને એ જેમણે પણ પૂરી કરી હોય એમાંના એકને રૅન્ડમ પસંદ કરી એ યુઝરને વિનર જાહેર કરી પ્રાઇઝ આપવામાં આવે છે. આ ટેક્નિકનો લાભ હવે સ્કૅમર્સ ઉઠાવી રહ્યા છે. તેઓ આવી ખોટી કૉન્ટેસ્ટ રાખે છે અને પોટેન્શિયલ વ્યક્તિને પસંદ કરે છે જે સરળતાથી ઉલ્લુ બની શકે. એ વ્યક્તિને પસંદ કર્યા બાદ તેમની પાસેથી પર્સનલ ડીટેલ્સ અને બૅન્ક ડીટેલ્સ પડાવી લે છે જેથીને તેઓ યુઝરના ખાતામાંથી પૈસા કઢાવી શકે. આ માટે હંમેશાં ગિવઅવે કેવી પ્રોફાઇલ દ્વારા કરવામાં આવ્યું છે એ ધ્યાન રાખવું. તેમ જ જે-તે પ્રોફાઇલની એક વાર સર્ચ કરી લેવી, કારણ કે એ ઑથેન્ટિક હશે તો જોઈને ખબર પડી જશે અને કંઈ પણ શંકાસ્પદ દેખાય કે તરત જ પ્રોફાઇલને રિપોર્ટ કરવું. તેમ જ જે પણ પ્રોફાઇલ ગિવઅવે આપે ત્યારે તેઓ બૅન્ક ડીટેલ્સ ક્યારેય નથી માગતા. આ સાથે જ તેઓ ક્યારેય પણ કૅશ નથી આપતા. છેલ્લે વાઉચર આપી શકે, પરંતુ કોઈ પણ કંપની કે સ્મૉલ બિઝનેસ કૅશ પેમેન્ટમાં ડીલ નથી કરતા.
ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમ અને ટિપ્સ | ઇન્સ્ટાગ્રામ પર હાલમાં ઇનવેસ્ટમેન્ટ ટિપ્સનાં સ્કૅમ પણ ખૂબ જ ચાલી રહ્યાં છે. યુઝરને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું એની ટિપ આપવામાં આવે છે અને ખૂબ જ સારું રિટર્ન મળશે એ પણ કહેવામાં આવે છે. આ માટે એક લિન્ક પરથી જ ઇન્વેસ્ટ કરવું એવું પણ કહેવામાં આવે છે. આ લિન્કનો ઉપયોગ કરતાં એ ઇન્વેસ્ટમેન્ટમાં જવા કરતાં સીધું સ્કૅમર્સના ખાતામાં જાય છે. આથી ક્યારેય ઇન્વેસ્મેન્ટની ટિપ્સનો શિકાર ન બનવું. તેમ જ કમેન્ટ, કૅપ્શન, સ્ટોરી અથવા તો મેસેજમાં જ્યારે પણ લિન્ક આપવામાં આવે છે તો એના પર ક્લિક ન કરવું. આ લિન્ક જોઈને લેજિટ હોય એવું લાગે છે, પરંતુ એના પર ક્લિક કરતાં એ સીધું રીડાયરેક્ટ થાય છે અને અન્ય યુઆરએલ ઓપન થશે અને યુઝર તેના પૈસાથી હાથ ધોઈ બેસશે. તેમ જ બની શકે કે ઇન્વેસ્ટમેન્ટ કરાવનાર સાચો વ્યક્તિ હોય, પરંતુ એમ છતાં જ્યાં સુધી પોતાને જે-તે સ્કીમમાં વિશ્વાસ ન હોય તો એ સ્કીમમાં પૈસા રોકવા નહીં.
આ તમામ સ્કૅમથી બચવા માટે તમામ સિક્યૉરિટી ઑન રાખવી તેમ જ ક્યારેય બૅન્ક ડીટેલ્સ ન આપવી અને વન-ટાઇમ પાસવર્ડ પણ નહીં. હંમેશાં ઍપ્લિકેશનને અપડેટેડ રાખવી અને જ્યારે પણ આવાં સ્કૅમ દેખાય કે તરત જ રિપોર્ટ કરવું.