કરન્ટ લોકેશનને શૅર કરવાની સાથે પાર્કિંગ અને નવા લોકેશનને લિસ્ટ કરવા સુધીનાં ઘણાં ફીચર આપ્યાં છે અને સાથે જ લોકેશન હિસ્ટરી અને ટાઇમલાઇનમાં પણ બદલાવ કર્યો છે
ટેક ટોક
પ્રતીકાત્મક તસવીર
ગૂગલ દ્વારા એની દરેક પ્રોડક્ટ પર ખૂબ જ ફોકસ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ સર્ચની સાથે ગૂગલ મેલ અને ગૂગલ મૅપ્સનો પણ સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ મૅપ્સને લઈને ઘણી વાર એવા સમાચાર આવે છે કે એને ખોટી જગ્યા દેખાડીને ખોટી જગ્યાએ પહોંચાડી દીધા. જોકે આવું એટલા માટે થાય છે કે કોઈને સમજ ન પડી હોય એવી વ્યક્તિએ લોકેશન ત્યાં સેટ કર્યું હોય. આથી ગૂગલ દ્વારા એકસાથે ઘણી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. લોકેશનને ઍક્યુરેટ બનાવવાની સાથે લોકેશન હિસ્ટરી અને લોકેશનના ટાઇમલાઇન ફીચરને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ અપગ્રેડની મદદથી યુઝર્સને ઘણી સરળતા રહેશે અને લોકેશન સેવ કરવાની સાથે સ્ટોરેજનો વધુ ઉપયોગ ન થાય એની પણ દેખરેખ રાખવામાં આવી છે. પ્રાઇવસીનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આ વિશે માહિતી જોઈએ.
બ્લુ ડૉટ | ગૂગલ મૅપ્સને શરૂ કરતાંની સાથે જ સ્ક્રીન પર એક બ્લુ ડૉટ જોવા મળે છે. આ બ્લુ ડૉટ યુઝરનું કરન્ટ લોકેશન બતાવે છે. અત્યાર સુધી આ બ્લુ ડૉટનો ઉપયોગ યુઝરને પોતાનું કરન્ટ લોકેશન જાણવા માટે થતો હતો. જોકે હવે આ બ્લુ ડૉટને પણ થોડું સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. ભલે કહેવામાં એ ડૉટ છે, પરંતુ એ પણ હવે સ્માર્ટ થઈ ગયું છે. આ બ્લુ ડૉટ પર ક્લિક કરતાં એક નવી વિન્ડો ઓપન થશે. આ વિન્ડો પર ત્રણ ઑપ્શન આપવામાં આવ્યા છે. પહેલો ઑપ્શન લોકેશન શૅર કરવું. યુઝરે જો કોઈ વ્યક્તિને કરન્ટ લોકેશન સૅન્ડ કરવું હોય તો એ હવે સરળતાથી કરી શકશે. આ લોકેશન પર યુઝરે પોતાની કાર અથવા તો બાઇક પાર્ક કરી હોય અને એ લોકેશન એવું હોય જેને શોધતાં મુશ્કેલી પડે તો એ માટે આ બ્લુ ડૉટ પર ક્લિક કરી સેવ પાર્કિંગ લોકેશન કરી શકાય છે. આ સાથે જ ત્રીજો ઓપ્શન છે લોકેશન સેવ. યુઝર જે-તે જગ્યાએ ગયો હોય અને એ લોકેશનને ગૂગલ મૅપ્સ પર લિસ્ટેડ ન કર્યું હોય અથવા તો ખોટું કર્યું હોય તો એ માટે આ ફીચર કામ આવશે. આથી લોકેશનને વધુ ઍક્યુરેટ બનાવી શકાય.
ADVERTISEMENT
લોકેશન હિસ્ટરી અને ટાઇમલાઇન | ગૂગલ દ્વારા લોકેશન હિસ્ટરી અને ટાઇમલાઇનમાં બદલાવ કરવામાં આવ્યો છે. જો યુઝર દ્વારા લોકેશન હિસ્ટરી ચાલુ રાખવામાં આવી હોય તો તમામ ડેટા અત્યાર સુધી ક્લાઉડ પર સ્ટોર થતો હતો. જોકે હવે એની ચૉઇઝ યુઝરને આપવામાં આવી છે. યુઝરે તેના ડિવાઇસમાં ડેટા સ્ટોર કરવો હશે તો કરી શકશે અને ક્લાઉડ પર સ્ટોર કરવો હશે તો એ પણ કરી શકશે. લોકેશન ફોનમાં સ્ટોર કરવાથી એ ડેટા કોઈને નહીં મળી શકે, પરંતુ ક્લાઉડ પર સ્ટોર કરવામાં આવ્યો તો એને ઇનક્રિપ્ટેડ રાખવામાં આવ્યો છે. આથી હવે યુઝરની પ્રાઇવસી ક્લાઉડ પર પણ સેફ છે. આ ડેટા દ્વારા યુઝરે ક્યારે ગૂગલ મૅપ્સનો ઉપયોગ કઈ જગ્યાએ કરવા માટે કર્યો એ જોવા માટે કરી શકાય છે તેમ જ તેણે કયા રૂટનો ઉપયોગ કર્યો હતો વગેરે માહિતી મળી શકે છે. આ માહિતી પહેલાં અઢાર મહિના સુધી સ્ટોર રહેતી હતી. જોકે હવે એને મિનિમમ ૯૦ દિવસ સુધી સ્ટોર કરવાની ચૉઇસ આપવામાં આવી છે. આ ડેટાને વધુ સમય સુધી પણ સ્ટોર કરી શકાય છે અને એને ડિલીટ ન કરવો હોય તો પણ એની ચૉઇસ આપવામાં આવી છે.
ચોક્કસ ઍક્ટિવિટીને ડિલીટ કરવી | ગૂગલ મૅપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને લોકેશન હિસ્ટરી ઑન હોય તો યુઝર ચોક્કસ ઍક્ટિવિટીને ડિલીટ કરી શકે છે. ઉદાહરણ તરીકે બાંદરા સ્ટેશન પરથી ‘મિડ-ડે’ની ઑફિસમાં જવા માટે ગૂગલ મૅપ્સનો ઉપયોગ કર્યો હોય તો એ માહિતી સેવ હશે. જોકે વિવિધ ડેટામાંથી જો ચોક્કસ આ ડેટાને ડિલીટ કરવો હશે તો પણ યુઝર એ ડેટાને ડિલીટ કરી શકશે. જોકે ગૂગલ મૅપ્સનો જે–જે ડિવાઇસમાં ઉપયોગ કરવામાં આવતો હશે એ દરેકમાં લોકેશન સેવ હશે. આથી દરેક લોકેશનને એકસાથે ડિલીટ કરવા માટે ગૂગલ હજી કામ કરી રહ્યું છે. ડિલીટ ઑલ ડેટા માટે ગૂગલે આગામી વર્ષમાં નવું અપડેટ આપવાની જાહેરાત કરી છે અને યુઝર્સને જલદી એ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.