Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઉંમર ભલે વધુ હોય પણ લિવરને જવાન રાખી જ શકાય છે

ઉંમર ભલે વધુ હોય પણ લિવરને જવાન રાખી જ શકાય છે

19 April, 2023 01:25 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ઉંમરની સાથે દરેક અંગની ઉંમર વધે એ વાત સાચી, પરંતુ લિવર એક એવું અંગ છે કે જો તમે ધારો તો એને સદાબહાર યુવાન રાખી શકો છો. એટલે જ આજની તારીખે ઘણા લોકો ૬૦ વર્ષની ઉંમર પછી પણ એટલું હેલ્ધી લિવર ધરાવે છે કે એનું દાન પણ કરતા જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ લિવર ડે

પ્રતીકાત્મક તસવીર


ઉંમરની સાથે દરેક અંગની ઉંમર વધે એ વાત સાચી, પરંતુ લિવર એક એવું અંગ છે કે જો તમે ધારો તો એને સદાબહાર યુવાન રાખી શકો છો. એટલે જ આજની તારીખે ઘણા લોકો ૬૦ વર્ષની ઉંમર પછી પણ એટલું હેલ્ધી લિવર ધરાવે છે કે એનું દાન પણ કરતા જોવા મળે છે. આજે જાણીએ ઉંમરની લિવર પર અસર અને એને ટાળવાના ઉપાયો


ગ્રીક માઇથોલૉજીમાં એક કિસ્સો છે જેમાં પ્રોમેથસ અગ્નિને માણસજાતના ભલા માટે ચોરે છે જે માટે ઝ્યુસ એને સજા આપે છે.. કોકેસસ પર્વત સાથે એને સાંકળોથી બાંધી દેવામાં આવે છે જ્યાં દરરોજ બાજ આવીને એના લિવરનો એક ભાગ ખાઈ જાય છે. પણ દર રાત્રે એ લિવર ફરી ઊગી જાય છે કે ઠીક થઈ જાય છે, જેનો અર્થ એ થયો કે એને આ સજા અનંતકાળ સુધી ભોગવવી પડશે. એટલે વર્ષો પહેલાં પણ આપણે જાણતા હતા કે લિવર એક એવું અંગ છે જે પોતાની મેળે વધી શકે છે. જો એનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો તો એટલો જ ભાગ થોડા સમયમાં પાછો ડેવલપ થઈ જાય છે, કારણ કે એના કોષો એ રીતે વધે છે. આ ચમત્કારિક શક્તિ બીજાં અંગો પાસે નથી. આ શક્તિનો જે સદુપયોગ કરતાં જાણે છે તે પોતાના લિવરને જીવનપર્યંત સ્વસ્થ રાખી શકવા સમર્થ છે.ઉંમરને કારણે


વ્યક્તિ જેમ વૃદ્ધ થાય એમ તેના શરીર પર ઉંમરની અસર દેખાય એ સહજ છે. ઉંમર વધે એમ શરીર નબળું પડતું જાય. અંગ જે પહેલાં જેવાં કામ કરતાં હોય એ પછી કામ ન કરે. ઘસારો લાગે. નબળાં પડે અને એને કારણે કોઈ ને કોઈ રોગ પણ એમાં ઘર કરે એવું બનતું હોય છે. લિવર પર ઉંમરનો ઘસારો તો લાગે જ છે. ઉંમરને કારણે લિવર પર લાગતા આ ઘસારા વિશે વાત કરતાં મેડિકવર હૉસ્પિટલ, ખારઘરના લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉ. વિક્રમ રાઉત કહે છે, ‘૨૦ વર્ષે લિવર જેવું કામ કરે એવું ૬૦ વર્ષે નથી જ કરવાનું એ હકીકત છે. લિવરનો જે મુખ્ય ગુણ છે એ છે રીજનરેશન એટલે કે એના કોષો ખુદ વધીને આખું અંગ પૂર્ણ કરી શકવાનો ગુણ. એ કૅપેસિટી ૪૦ વર્ષે જેવી હોય એ ૭૦ વર્ષે હોતી નથી. છતાં રીજનરેશન સંપૂર્ણપણે બંધ થઈ જાય એવું તો શક્ય જ નથી. બસ, એની ઝડપ ઓછી થતી હોય છે, જેને લીધે જો તમને લિવરનો કોઈ રોગ પહેલેથી છે તો એના હીલિંગમાં ફરક પડે છે.’

અસર કેવી થાય?


ઉંમરના કારણે લિવર પર થતી બીજી અસરો વિશે વાત કરતાં ડૉ. વિક્રમ રાઉત કહે છે, ‘ઉંમર સાથે શરીરનું લોહીનું પરિભ્રમણ અસરગ્રસ્ત થાય છે, જેને કારણે શરીરના દરેક અંગને જેટલું લોહી જરૂરી છે એનાથી થોડું ઘટતું ચાલે છે. આ અસર આમ તો દરેક અંગ પર થાય જ છે, જેને લીધે કોઈ પણ અંગ યુવાન વયે જેવું કામ કરતું હતું એવું વૃદ્ધ અવસ્થામાં કરતું નથી. આ સિવાય જ્યારે લિવર ડૅમેજ થાય છે તો એને રિપેર થતી વખતે કોષો પર જે સ્કેર આવે એ ફાઇબ્રોસિસનું રૂપ લે છે. આ ફાઇબ્રોસિસ જેમ ઉંમર વધે એમ વધે છે અને આગળ જતાં એ લિવર સિરૉસિસ જેવી બીમારીના કારક બને છે.’

મોટી ઉંમરે ટ્રાન્સપ્લાન્ટ

લિવર જ્યારે ડૅમેજ થાય છે ત્યારે દવાઓ થકી ઠીક કરવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ સંપૂર્ણપણે એ ફેલ થાય એટલે ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર ઉપાય બચે છે. એક સમય હતો જ્યારે વ્યક્તિ ૬૫ વર્ષની થાય પછી લિવર ખરાબ થાય તો હવે કેટલું જીવવાના એમ વિચારીને ટ્રાન્સપ્લાન્ટ જેવું રિસ્ક અને ખર્ચો કરવા તૈયાર થતી નહીં. પરંતુ હવે એવું રહ્યું નથી. એમ જણાવતાં ગ્લોબલ હૉસ્પિટલના હેપેટોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સમીર શાહ કહે છે, ‘ગયા વર્ષે અમારી પાસે પાંચ દરદીઓ એવા હતા જેમની ઉંમર ૭૦ વર્ષથી પણ વધુ હતી. તેમણે લિવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કરાવ્યું કે આગળનાં ૧૫-૨૦ વર્ષ એ લોકો સુખેથી જીવી શકે. પહેલી વ્યક્તિ જેમણે આજથી ૨૫ વર્ષ પહેલાં મારી હેઠળ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું એ આજે ૯૦ વર્ષના છે અને હેલ્ધી લાઇફ જીવે છે. આમ ઉંમર ફક્ત એક આંકડો છે એ વાત ૧૦૦ ટકા ખરી છે. મોટી ઉંમરે પણ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને હેલ્ધી લાઇફ જીવી શકાય છે.’

ડોનેટ કરી શકાય? 

લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ડોનર તો જોઈએ જ. જો કોઈ મૃત વ્યક્તિનું લિવર મળી ગયું તો સારું નહીંતર જીવિત સગાંસંબંધી દરદીને લિવર ડોનેટ કરતા હોય છે. એ વિશે વાત કરતાં ડૉ સમીર શાહ કહે છે, ‘અંગદાન માટે સહજ રીતે જો યુવાન વ્યક્તિ હોય તો ખૂબ સારું એમ માની શકાય. પરંતુ આજની તારીખે વિભક્ત કુટુંબો થઈ ગયાં અને પરિવારોમાં લિવર દાન કરી શકે એટલી માયા એકબીજા માટે રહી નથી ત્યારે ડોનર્સ લિમિટેડ હોય એ સમજાય એવી વાત છે. આ પરિસ્થિતિમાં જો ડોનર ૬૦ કે તેથી વધુ ઉંમરના પણ હોય અને લિવર આપવા ઇચ્છતા હોય તો અમે તેમને પણ ચકાસીએ છીએ.’

આ પણ વાંચો : આજના જટિલ રોગો પર અસરદાર છે હોમિયોપથી

એક નહીં, બે જીવન

એ વાત સાથે સહમત થતાં ડૉ. વિક્રમ રાઉત કહે છે, ‘આજની તારીખે એવા ઘણા પેશન્ટ છે જેમના ડોનર્સ ૬૦ વર્ષથી ઉપરના હોય. એનો અર્થ એ થયો કે ૬૦ વર્ષની ઉંમરે પણ વ્યક્તિ લિવર દાન કરીને હેલ્ધી લાઇફ જીવી શકે છે. જે ભાગ તેનો દાનમાં જશે એટલો ભાગ ફરીથી ડેવલપ થઈ જશે અને એ લિવર સાથે એ સંપૂર્ણ હેલ્ધી લાઇફ જીવી શકશે. આમ તેણે આપેલા લિવર થકી એક બીજી વ્યક્તિને નવજીવન મળશે, કારણ કે એ ભાગ પણ એ વ્યક્તિની અંદર ગ્રો થશે અને લિવરનું કામ કરશે અને બચેલા લિવરના ભાગથી એ પોતે જીવશે. એનો અર્થ એ થયો કે ૬૦ વર્ષે પણ હેલ્ધી જીવન જીવતી વ્યક્તિના શરીરનું લિવર એ બે વ્યક્તિને પૂરતું થાય એટલું હોય છે. આ એક મોટી વાત છે.’

કઈ રીતે રાખશો લિવર હેલ્ધી?

ઉંમર હોવા છતાં લિવરને હેલ્ધી રાખવા માટે અમુક મૂળભૂત બાબતો જરૂરી છે. એના વિશે જાણીએ ડૉ. સમીર શાહ પાસેથી.

આજકાલ જે લિવર ડિસીઝ સામે આવે છે એની પાછળનું કારણ નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝ છે. એક સમય હતો કે દારૂ એક મુખ્ય કારણ હતું લિવર ખરાબ થવાનું. આજની તારીખે ઓબેસિટી, ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન જેવી તકલીફો સામાન્ય બનતી જાય છે, જેને લીધે લિવર પર ફૅટ જમા થતી જાય છે. આ પરિસ્થિતિને કાબૂમાં રાખવી જરૂરી છે. ઉંમર ગમે તે હોય જો તમે તમારું વજન ઠીક રાખી શકો, ડાયાબિટીઝ થયો પણ હોય તો એને કાબૂમાં રાખી શકો અને હાઇપરટેન્શનની રેગ્યુલર મેડિસિન લો તો લિવરને હેલ્ધી રાખી શકાય છે. જોકે એનો અર્થ એ નથી કે આલ્કોહૉલ લઈ શકાય.

૬૦ વર્ષથી ઉપરની વ્યક્તિને જો ડાયાબિટીઝ કે હાઇપરટેન્શન હોય અને એની સાથે જો તે આલ્કોહૉલ પણ લે તો પછી લિવરને ડૅમેજ થતું રોકવું અશક્ય બની જાય. એટલે આલ્કોહૉલથી તો દૂર જ રહેવું.

હેલ્ધી ડાયટ અને રેગ્યુલર એક્સરસાઇઝ ન છોડવાં.

દર વર્ષે બેઝિક લિવર ફંક્શનિંગ ટેસ્ટ કરાવવી અને એનું જે પણ પરિણામ હોય એ તમારા ફિઝિશ્યનને જણાવવું. ઘણી વખત લોકો ટેસ્ટ કરાવે છે, પણ ડૉક્ટર પાસે જતા નથી. આ બાબતે સજાગ રહેવું.

 એ કૅપેસિટી ૪૦ વર્ષે જેવી હોય એ ૭૦ વર્ષે હોતી નથી. છતાં રીજનરેશન સંપૂર્ણપણે બંધ થઈ જાય એવું તો શક્ય જ નથી. બસ, એની ઝડપ ઓછી થતી હોય છે. લિવરની પહેલેથી તકલીફ હોય તાે જ હીલિંગમાં ફરક પડે છે - ડૉ. વિક્રમ રાઉત

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 01:25 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK