વિટામિન D કે B12ની ઊણપ હોય છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી દીકરી ૧૦ વર્ષની છે અને તેને અચાનક મોઢા પર આછાપાતળા સફેદ ડાઘ થઈ ગયા છે. હું નાની હતી ત્યારે મને પણ થયા હતા, જેને કરોળિયા કહેવાય. મારા ડાઘ તો જતા પણ રહ્યા. એ ડાઘ માટે મને કોઈ ડૉક્ટર પાસે પણ નહોતા લઈ ગયેલા. શું ખરેખર કરોળિયાને ઇલાજની જરૂર હોતી નથી? એ શેને કારણે થાય? મોઢા પર એ એકદમ દેખાય છે. મને એ જતા રહ્યા હતા, પરંતુ દીકરીને એ કાયમી તો નહીં રહી જાયને?
પહેલી વાત તો એ કે કોઈ પણ સફેદ ડાઘ એ સામાન્ય નથી હોતો. એની મેળે ઠીક થઈ જશે એવું માનવાને બદલે કોઈ ડર્મેટોલૉજિસ્ટને દેખાડશો. સામાન્ય દેખાતો સફેદ ડાઘ પણ કોઢ નીકળી શકે છે. આ તમને ડરાવવા માટે નથી, પરંતુ એક વખત નિદાન ચોક્કસ કરાવો એ જરૂરી છે. રહી વાત કરોળિયાની તો આ એક અત્યંત સામાન્ય સ્કિન પ્રૉબ્લેમ છે. સામાન્ય રીતે જો તમે કોઈ નૉર્મલ ડૉક્ટર પાસે જશો તો તે કહેશે કે કોઈ પ્રકારની ઊણપને કારણે આ તકલીફ થઈ છે. વિટામિન D કે B12ની ઊણપ હોય છે. આમ પણ આ બન્ને વિટામિન્સની ઊણપ શરીરમાં જોવા મળે જ છે. તમે આ માટે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનના સપ્લીમેન્ટ લઈ લો તો સારું પડશે.
ADVERTISEMENT
મોટા ભાગે કરોળિયા પાછળ જે કારણ જોવા મળે છે એ છે સૂર્યપ્રકાશનું કોઈ પ્રકારનું રિઍક્શન. તડકામાં આવું થાય છે. ખાસ કરીને જેમની ત્વચા સૂકી હોય તેમને આ થવાની શક્યતા વધુ રહે છે. આ તકલીફ મોટા ભાગે બાળકોમાં એટલે જોવા મળે છે, કારણ કે તેઓ તડકામાં વધુ રમે છે અને આમ પણ તેમની ત્વચા ખૂબ નાજુક હોય છે, પરંતુ એવું નથી કે વયસ્ક લોકોમાં એ જોવા ન મળે. આ તકલીફ એવી છે કે એને જાતા ૩ મહિના તો લાગે જ છે. એ ધીમે-ધીમે જશે. જો તમારા બાળકને કરોળિયા વધુ થતા હોય તો બાળકોનું સેન્સિટિવ સ્કિનવાળું સનસ્ક્રીન લગાવી શકાય. બાળક બે વર્ષથી મોટું હોય તો સનસ્ક્રીન લગાડી શકાય. જો તમને એ ન લગાડવાની ઇચ્છા હોય તો પણ જો ૨-૪ કલાક પિકનિકમાં ગયા હોય કે ખુલ્લી જગ્યાએ ગયા હોય ત્યારે લગાવી શકાય. બાળકની સ્કિન પર મૉઇશ્ચરાઇઝર લગાડો એ પણ ભવિષ્યમાં થતા કરોળિયાને રોકશે.


