શરદી એક સામાન્ય તકલીફ છે. ૯૦ ટકા લોકોને શરદી-ઉધરસ-તાવ આવે તો એ વાઇરલ ઇન્ફેક્શન જ હોય છે. એટલે કે કોઈ વાઇરસને કારણે તમને ઇન્ફેક્શન થયું છે.
પ્રતીકાત્મક તસવીર
પત્નીને શરદી-ઉધરસ થાય એટલે તે ઍન્ટિબાયોટિકનો એક કોર્સ કરી લે છે. પાંચ દિવસ પછી તેને શરદીમાં રાહત થાય છે. હાલમાં તેના ડાયાબિટીઝના ડૉક્ટરે એ ખાવાની ના પાડી. કહ્યું કે ડૉક્ટર પાસે જ જવાનું અને ડૉક્ટર જે આપે એ જ દવા લેવાની. બાકી શરદી તો અઠવાડિયું રહે જ. હમણાં તેને ગયા અઠવાડિયે શરદી થઈ હતી. અઠવાડિયું બિચારીએ સહન કર્યું અને પછી ડૉક્ટર પાસે ગઈ તો તેમણે પણ ઍન્ટિબાયોટિકનો કોર્સ જ આપ્યો. એના કરતાં તો પહેલેથી જ એ લઈ લીધો હોત તો તે ઠીક થઈ ગઈ હોતને! ખરા અર્થમાં શું કરવું જોઈએ?
શરદી એક સામાન્ય તકલીફ છે. ૯૦ ટકા લોકોને શરદી-ઉધરસ-તાવ આવે તો એ વાઇરલ ઇન્ફેક્શન જ હોય છે. એટલે કે કોઈ વાઇરસને કારણે તમને ઇન્ફેક્શન થયું છે. ઍન્ટિબાયોટિક દવાઓ એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનમાં કામ લાગતી દવા છે એટલે કે કોઈ બૅક્ટેરિયાને કારણે જો તમે માંદા પડો તો જ તમારા શરીર પર ઍન્ટિબાયોટિક કામ કરે, બાકી એ કામ ન કરે. બિનજરૂરી ઍન્ટિબાયોટિક ખાવાથી આ દવાઓની આદત પડી જાય છે અને ખરેખર જ્યારે એની જરૂર હોય ત્યારે એ કામ કરતી નથી. માટે બિનજરૂરી ઍન્ટિબાયોટિક ખાવી ન જ જોઈએ.
મોટા ભાગે લોકોને લાગે છે કે શરદી થઈ એમાં ડૉક્ટરને શું બતાવવું. સામાન્ય પૅરાસિટામૉલ દવા, કફ સીરપ, ગરમ પાણીના કોગળા, વરાળ લેવાથી ઘણો આરામ થઈ જતો હોય છે. આ બધું લેતા-કરતા પણ ૨-૪ દિવસની તકલીફ તો રહેવાની જ છે એટલે આદર્શ રીતે સહન કરવી જોઈએ. વાઇરસ કોઈ પણ વ્યક્તિના શરીરમાં ૭ દિવસ રહે છે એટલે એનાં લક્ષણો ૭ દિવસ રહે, પરંતુ થાય છે એવું કે આ દરમ્યાન બનતા મ્યુક્સ જેને આપણે કફ પણ કહીએ છીએ એમાં બીજું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જવાની શક્યતા ઘણી વધુ રહે છે, જેની ઓળખ માટે મ્યુક્સ એટલે કે કફનો રંગ ખાસ જુઓ. જો તમારો કફ સફેદ રંગનો જ હોય તો એ વાઇરલ ઇન્ફેક્શન છે. જો એ સમય જતાં પીળો કે લીલા રંગનો થઈ જાય તો સમજવું કે એમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું છે. આ સંજોગોમાં ડૉક્ટર તમને ઍન્ટિબાયોટિક આપી શકે. જો તમારી શરદી સાત દિવસથી વધુ હેરાન કરે કે ચોથા દિવસ પછી વધી ગયેલી જણાય તો તમને ઍન્ટિબાયોટિક ખાવાની જરૂર પડે છે, બાકી નહીં. આમ, જો શરદી લાંબી ટકે તો ડૉક્ટરને એક વાર મળવું અને તેમની સલાહ મુજબ જ ગોળીઓ લેવી.


