Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શરીરના કોઈ પણ અંગની માફક સ્ત્રીની ઓવરી પણ ફેલ થઈ શકે છે

શરીરના કોઈ પણ અંગની માફક સ્ત્રીની ઓવરી પણ ફેલ થઈ શકે છે

Published : 08 September, 2026 01:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૦ વર્ષની ઉંમર પહેલાં ઓવરી કામ કરવાનું બંધ કરે ત્યારે તેને પ્રાઇમરી ઓવરિયન ઇનસફિશ્યન્સી અથવા પ્રી-મૅચ્યોર ઓવરિયન ફેલ્યર કહેવાય છે. તેના કારણો, ઇન્ફર્ટિલિટી અને શરીર પર થતી અસરો વિશે જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


મોટા ભાગે આપણે હાર્ટ, કિડની અને લિવરને જ ફેલ થતાં સાંભળ્યા છે; પરંતુ હકીકત એ છે કે શરીરનું કોઈ પણ અંગ ફેલ થઈ શકે છે. અંગનું ફેલ થવું એટલે શું એ સમજીએ તો અંગ જે કામ કરે છે એ કામ કરતું એ બંધ થઈ જાય અને ફરીથી કોઈ પણ ઇલાજ દ્વારા એને કામ કરતું ન કરી શકાય એ અવસ્થા. સ્ત્રીની ઓવરી પણ ફેલ થઈ શકે છે. સ્ત્રીના શરીરમાં ઓવરી બે મહત્ત્વનાં કામ કરે છે. એક તો સ્ત્રી માટે જરૂરી હૉર્મોન્સ જેમ કે ઇસ્ટ્રોજનનું નિર્માણ કરે છે અને એગ્સ એટલે કે અંડકોષને પુખ્ત બનાવવાનું કામ કરે છે. જ્યારે અમુક કારણોસર આ ઓવરી કામ કરવાનું છોડે ત્યારે આ બન્ને કામ ધીમે-ધીમે અટકી જાય છે અને છેલ્લે સાવ બંધ પડી જાય છે. 
આ રોગને પ્રાઇમરી ઓવરિયન ઇનસફિશ્યન્સી પણ કહે છે. જ્યારે કોઈ સ્ત્રીની ઓવરી ૪૦ વર્ષની ઉંમર પહેલાં જ કામ કરવાનું બંધ કરી દે એને પ્રી-મૅચ્યોર ઓવરિયન ફેલ્યર કહે છે. મોટા ભાગે આ પરિસ્થિતિ ૩૫ વર્ષથી ૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘણા લોકો આ પરિસ્થિતિને અર્લી મેનોપૉઝ સમજી લે છે; પરંતુ આ પરિસ્થિતિ અર્લી મેનોપૉઝ નથી, એની શરૂઆત છે. એટલે કે જે સ્ત્રીને પ્રી-મૅચ્યોર ઓવરિયન ફેલ્યર આવે તેને બે-ત્રણ વર્ષની અંદર અર્લી મેનોપૉઝ આવી જ જાય, કારણ કે ત્યાં સુધીમાં તેની ઓવરી કામ કરતી બંધ જ થઈ જાય એટલે એગ્સ બને જ નહીં અને મેનોપૉઝ આવી જાય.
આ તકલીફ ક્રોમોઝોમલ ઇફેક્ટ તરીકે સામે આવી શકે છે. સ્ત્રીના શરીરમાં બેને બદલે એક જ X ક્રોમોઝોમ હોય ત્યારે આવું થઈ શકે છે. આ સિવાય ઘણી વખત આ એક ઑટોઇમ્યુન ડિસીઝ તરીકે પણ સામે આવે છે. એમાં શરીર ઓવરી વિરુદ્ધ કે જુદી-જુદી હૉર્મોન્સ બનાવતી ગ્રંથિઓ વિરુદ્ધ ઍન્ટિ-બૉડીઝ બનાવે છે અને એના પરિણામસ્વરૂપ આ રોગ આવી શકે છે. આ સિવાય જે સ્ત્રીને કૅન્સર છે એની સર્જરીને કારણે, કીમોથેરપી કે રેડિયેશનની અસરરૂપે આ રોગ થઈ શકે છે. આ સિવાય વધુ પડતા સ્મોકિંગને કારણે, વાતાવરણમાં રહેલાં કેમિકલ્સ અને રસાયણયુક્ત ખાતરના પ્રયોગને કારણે પણ આ સમસ્યા જન્મી શકે છે.
પ્રી-મૅચ્યોર ઓવરિયન ફેલ્યર જે સ્ત્રીને હોય તેને માસિક આવે નહીં એટલે ઇન્ફર્ટિલિટી તેની સૌથી મોટી સમસ્યા બની રહે છે, ખાસ કરીને ત્યારે જ્યારે નાની ઉંમરે આ રોગ આવ્યો હોય. આવી સ્ત્રીઓમાં IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા ડોનર એગની મદદથી પ્રેગ્નન્સી શક્ય બનાવી શકાય છે. એ સિવાયના પ્રૉબ્લેમ્સ જેમ કે હાડકાં નબળાં થઈ જાય, કાર્ડિઍક રિસ્ક વધી જાય, મગજને લગતી ઘણી સ્કિલ્સ અને મેમરી પર અસર પડે, સ્કિન લૂઝ થઈ જાય, વજાઇનામાં ડ્રાયનેસ આવી જાય તો આ બધી જ સમસ્યાઓનો જુદો-જુદો ઇલાજ જરૂરી છે.

-ડૉ. સુરુચિ દેસાઈ 


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK