શરીરને સુંદર અને રોગમુક્ત રાખવા માટે ગટ બૅક્ટેરિયા એટલે કે પેટ, આંતરડાં અને કોલોનમાં રહેતા આપણા ફ્રેન્ડ્લી બૅક્ટેરિયાનું મહત્ત્વ ‘દિન દોગુના અને રાત ચૌગુના’ વધી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
‘ગટ હેલ્થને સારી રાખો અને ચહેરો ચમકાવો’ના નારા આપતા સોશ્યલ મીડિયા પર પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સથી ગટ હેલ્થને સારી રાખવાની ફૅશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વારંવાર જે ગટ શબ્દનો ઉપયોગ થાય છે એ ગટ છે શું એ પહેલાં સમજી લો. ગટ એટલે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટનલ ટ્રૅક્ટ. પેટ, આંતરડાં અને કોલોન આ ત્રણ અવયવોનો સમાવેશ ગટમાં થાય; જેનું મુખ્ય કામ છે ખાવાનું પાચન કરવાનું, પોષક તત્ત્વોનું શોષણ કરવાનું અને વેસ્ટ પ્રોડક્ટને બહાર ફેંકવાનાં. આપણા પાચનતંત્રના આ અવયવોમાં કેટલાક ખાસ પ્રકારના બૅક્ટેરિયા જન્મતા હોય છે જે શરીરને મદદ કરનારા હોય છે. જોકે આજની બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે ગટમાં કુદરતી રીતે જન્મતા બૅક્ટેરિયાનો જીવ જોખમમાં છે. એની સંખ્યા ઘટી રહી છે એટલે જ આજકાલ પ્રીબાયોટિક્સ એટલે કે આ બૅક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરનારો આહાર અને પ્રોબાયોટિક્સ એટલે કે આ બૅક્ટેરિયા જેમાં હોય એ આહાર, એ બન્નેની બોલબાલા વધી છે. જોકે એમાં જ એનો ઓવરડોઝ કરનારાઓની સંખ્યા વધી રહી છે.


