જો માસિકમાં અનિયમિતતા, એ દરમિયાન થતો ઓછો કે ભારે રક્તસ્રાવ, એમાં આવતા ક્લૉટ્સ, બે માસિક વચ્ચે થતા રક્તસ્રાવ જેવાં ચિહ્નો હોય તો એમાં ક્યારે ચિંતા કરવી અને ક્યારે નહીં એ સમજવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
માસિક ધર્મ. આ શબ્દ જ સૂચવે છે કે માસિક જેવી અતિ મહત્ત્વની બાબતને આપણી ભાષામાં ધર્મ કહેવામાં આવે છે, કારણ કે એ સ્ત્રીના અસ્તિત્વનું પરમ તત્ત્વ છે. જેના થકી તે સ્ત્રી બને છે એ તત્ત્વની અસર સ્ત્રી પર સૌથી વધુ હોય એ સમજી શકાય એમ છે. સ્ત્રીના સ્વાસ્થ્યમાં તેનું માસિક ચક્ર અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો સ્ત્રીના પિરિયડ્સ રેગ્યુલર હોય તો એ માસિક ચક્ર એને અઢળક માંદગીઓનાં ચક્કરોથી બચાવતું હોય છે અને બીજી બાજુ સ્ત્રીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સીધી અસર તેના માસિક પર પડે છે. એ સ્વાસ્થ્ય જોખમાય કે માસિકને લગતી ઘણી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. જેમ દરેક સ્ત્રી અલગ છે એમ તેનું માસિક ચક્ર પણ વત્તે-ઓછે અંશે અલગ રહેવાનું. તમારું માસિક પણ તમારી હેલ્થ વિશે ઘણું કહી જાય છે. માસિકમાં આવતા જુદા-જુદા પ્રૉબ્લેમ્સ શું સૂચવે છે અને એ માટે ડૉક્ટર પાસે જવું જોઈએ કે નહીં એ બાબતને સમજવાની કોશિશ કરીએ.



