પુણેની ડૉ. દીનાનાથ મંગેશકર હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. ધનંજય કેળકરે ગયા જુલાઈમાં દાવો કર્યો હતો કે જલનેતિ એટલે કે નેઝલ એરિયાને અંદરથી સાફ કરવાની યોગિક પદ્ધતિને કારણે તેઓ કોરોનાથી પોતાનું રક્ષણ કરી શક્યા છે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ જર્નલ લંગ ઇન્ડિયામાં એક રિપોર્ટ પબ્લિશ થયો હતો કે મીઠાના પાણીના કોગળા કરો અને નાસિકાને અંદરથી વૉશ કરો. જોકે નિયમિત ધોરણે તો કોવિડના આરંભિક તબક્કામાં રહેતા દરદીઓને એનાથી ખૂબ ફાયદો થતો જોવા મળ્યો છે. જયપુરની એસએમએસ મેડિકલ કૉલેજના ડૉ. શિતુ સિંહે એક અભ્યાસ દ્વારા કહ્યું હતું કે જેમ હૅન્ડ વૉશથી હેલ્પ થાય છે એમ નેઝલ વૉશ અને થ્રોટ વૉશથી પણ મદદ થાય છે. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે નેઝલ વૉશ અને મીઠાના પાણીના કોગળાથી બીમારીનાં ડ્યુરેશન અને તીવ્રતા ઘટે છે અને એનું સ્પ્રેડિંગ પણ ઘટે છે.
યોગશાસ્ત્રમાં ષટકર્મની ચર્ચા છે જેના વિશે આપણે ભૂતકાળમાં પણ વાત કરી છે. હઠયોગ પ્રદીપિકા અને ઘેરંડ સંહિતા આ બે મુખ્ય ગ્રંથમાં ષટ્ કર્મ એટલે કે છ પ્રકારની શુદ્ધિક્રિયાનું વિસ્તારપૂર્વક વર્ણન છે. યોગસાધનામાં સ્થિર રહેવા માટે શરીરના શુદ્ધિકરણને આ હઠયોગીઓએ પ્રથમ સ્થાન આપ્યું છે. છ પ્રકારની શુદ્ધિક્રિયામાંથી શ્વસન માર્ગ અને નેઝલ પૅસેજને શુદ્ધ કરી શકે એવી ક્રિયા એટલે નેતિ. નેતિના બે પ્રકાર છે જલનેતિ અને સૂત્રનેતિ. આ બન્નેનો અત્યારના કોવિડના ફરી એક વાર વધતા પ્રકોપ વચ્ચે તમે કઈ રીતે ઉપયોગ કરી શકો? આ ક્રિયાઓ કરતી વખતે તકેદારી શું રાખવી અને શુદ્ધિક્રિયાની સાચી રીત શું જેવા પ્રશ્નોના જવાબ અત્યાર સુધીમાં હજારો લોકોને જલનેતિ, સૂત્રનેતિ, ધૌતિ જેવી ક્રિયાઓ શીખવનારા અને છેલ્લાં પચીસ વર્ષથી યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલાં અને અત્યારે મહિલા પતંજલિ યોગની કાંદિવલી શાખાનાં કાર્યપ્રભારી વર્ષા શર્મા સાથે વાત કરીએ.
ADVERTISEMENT
જલનેતિ શું છે?
જલનેતિ માટે નેતિ પૉટમાં મીઠાનું નવશેકું પાણી લઈને એક નાસિકામાંથી બીજી નાસિકા દ્વારા પાણી બહાર કાઢવાનું હોય છે. માથાની પોઝિશન એ રીતે રાખવાની હોય છે કે પાણી એક નાકમાંથી બીજા નાક વાટે બહાર જાય અને બીજે ક્યાંય માથાની તરફ નહીં. વર્ષા શર્મા કહે છે, ‘મેં મારા પરિવારમાં અને મારી આસપાસના ઘણા લોકોને યોગથી સાજા થતા જોયા છે. હું પોતે પણ યોગાભ્યાસને કારણે સંપૂર્ણ સ્વસ્થ છું. જલનેતિ દેખાવમાં અઘરી છે, પણ કરીએ તો ખૂબ જ સરળ અને ઇફેક્ટિવ પ્રૅક્ટિસ છે. જે લોકો યોગ સાથે સંકળાયેલા નથી તેમને આ શુદ્ધિક્રિયાઓ પહેલાં-પહેલાં ખૂબ જ અજીબ લાગતી હોય છે. જોકે કર્યા પછી જ્યારે સારું લાગે ત્યારે એના પ્રત્યેનો ડર અને છોછ નીકળી જતો હોય છે. સાઇનસની તકલીફ હોય, બહુ જ કફ રહેતો હોય, ઇન્ફેક્શનથી બચવું હોય તેમના માટે મહત્ત્વનો અભ્યાસ છે.’
કેવી રીતે થાય?
એક લિટર નવશેકા પાણીમાં લગભગ નવ ગ્રામ જેટલું સેંધા મીઠું નાખવાનું હોય છે. સામાન્ય રીતે આંખનાં આંસુ જેવું પાણી ગરમ અને ખારું હોવું જોઈએ. એક વ્યવસ્થિત સ્ટરિલાઇઝ કરેલો નેતિ પૉટના નાળચાને ધારો કે ડાબી બાજુ નાસિકા તરફ લગાવીને મોઢાને જમણી બાજુ આડું રાખવાનું. આ કરતી વખતે મો ખુલ્લું રાખીને મોં વાટે શ્વાસ લેવાનો. અમુક ઍન્ગલમાં મોઢું રાખશો એટલે ડાબી બાજુથી નાખવામાં આવેલું પાણી જમણી બાજુથી સરળતાથી નીકળી જશે. ૯૦ ટકા લોકોને આ અભ્યાસ કરવામાં પ્રૉબ્લેમ નથી આવતો.
શું સાવધાની રાખવી?
જલનેતિ કરતી વખતે તમારું પેટ સાફ હોય એ જરૂરી છે એમ જણાવીને વર્ષા શર્મા કહે છે, ‘ઘણા લોકોને આ સાંભળીને નવાઈ લાગે છે, પરંતુ કબજિયાત ન હોય તો જલનેતિ સહજતાથી થાય છે. બીજું, નાક જો બંધ હોય તો બન્ને નાસિકાથી વન બાય વન ભસ્ત્રિકા અને કપાલભાતિ પ્રાણાયામ કરી લેવા. ત્રીજી વાત, આગલા દિવસે રાતે નાકમાં ઘીનાં બે ડ્રૉપ્સ નાખી દો તો પણ બીજા દિવસે વહેલી સવારે જલનેતિ અને સૂત્રનેતિ સહજ રીતે થઈ જશે. સિવિયર સાઇનસ, નેઝલ ઇન્જરી, નાકમાં મસા હોય તેમણે આ અભ્યાસ ન કરવો. હાઈ બીપીવાળા પોતે કૉન્ફિડન્ટ હોય અને તેમને મનમાં ડર ન હોય તો આ અભ્યાસ કરી શકે છે. જનરલી આ પ્રકારની ક્રિયાનો અભ્યાસ પહેલાં કોઈ અનુભવી યોગશિક્ષકની નિગરાણીમાં જ કરવો હિતાવહ છે.’
એક બાજુથી જલનેતિ કર્યા પછી માથાને જુદી-જુદી પોઝિશનમાં રાખીને કપાલભાતિ પ્રાણાયામ કરી લેવા જેથી નાકમાં સહેજ પણ પાણી ન બચે અને નાક બરાબર ડ્રાય થઈ જાય. પછી જ બીજી બાજુ કરી શકાય. બીજી બાજુ કર્યા પછી પણ પાછું નાકમાંથી પાણી બહાર કાઢવું જરૂરી છે. અન્યથા માથાનો દુખાવો થઈ શકે છે.
સૂત્રનેતિ શું છે?
સૂત્રનેતિમાં પહેલાંના જમાનામાં કૉટનની દોરીની મીણથી કોટિંગ કરેલી સૂતરની દોરીને એક નાકથી નાખીને મોઢાથી બહાર કાઢવામાં આવતી.
હવે જોકે રબરની કૅથેટર વાપરવામાં આવે છે. યોગનિષ્ણાત વર્ષા શર્મા કહે છે, ‘ઊકળતા ગરમ પાણીમાં રબરની કૅથેટર નાખીને એને સ્ટરિલાઇઝ્ડ કરીને એક નાસિકાથી ધીમે-ધીમે નાખતા જવું. કૅથેટરનો છેડો ગળામાં આવે એટલે અંગૂઠા અને તર્જનીની મદદથી બહાર કાઢીને ત્રણેક વાર ઘર્ષણ કરવું. ગળાથી નાકના પૅસેજને ક્લીન કરવામાં આ અદ્ભુત પરિણામ આપે છે. સૂત્રનેતિમાં કૅથેટરને ધીમે-ધીમે નાક વાટે ગોળ-ગોળ ફેરવતા અંદર નાખવી. શરૂઆતમાં ત્રણ નંબરની કૅથેટર આપી શકાય. નાકમાં પહેલી વાર નાખશો ત્યારે છીંક આવી શકે, અરેરાટી જેવું લાગે. એવા સમયે કાઢીને ફરીથી નાખી શકાય.’
શું ધ્યાન રાખવું?
- નખ બન્ને હાથના કાપેલા હોવા જોઈએ, કારણ કે જ્યારે કૅથેટર ગળા સુધી પહોંચે પછી તમે અંગૂઠા અને આંગળીને ચીપિયાની જેમ મોઢામાં નાખીને બહાર કાઢશો એ સમયે નખ વાગી ન જાય એનું ધ્યાન રાખવું.
- નાક બ્લૉક્ડ હોય તો પ્રાણાયામ કરીને આ અભ્યાસ કરવો.
- કૅથેટરને પણ તમે ઑઇલિંગ કરી લેશો તો એ સરળતાથી નાકમાં જશે.
- સૂત્રનેતિ કર્યા પછી પણ જો તમે ઘીનાં ટીપાં નાકમાંથી નાખીને થોડોક આરામ કરી લેશો તો એનો લાભ થશે.
જલનેતિ અને સૂત્રનેતિના લાભ અનેક
- શ્વાસનળીના ક્લેન્ઝિંગનું કામ કરે છે નેતિ ક્રિયા. આ કર્યા પછી શ્વાસ લેવાની ક્ષમતા વધે છે.
- વારંવાર વાઇરલ અને ઍલર્જી ઇન્ફેક્શન થતાં નથી. માઇગ્રેન અને માથાનો દુખાવો દૂર થાય છે.
- ચશ્માંના નંબર ઘટે છે, મેમરી શાર્પ થાય છે, શ્રવણશક્તિ વધે છે.
- નિયમિત અભ્યાસથી ચીડિયાપણું અને ગુસ્સો ઘટે એવો સાઇકોલૉજિકલ લાભ થાય છે.
- માથાથી ગળાના જેટલા પણ અવયવો છે એમાં ફાયદો થાય છે.
- ચેતાતંત્રને રિલૅક્સ કરે છે, પાચનશક્તિ વધે છે.

