ફુલ બોડી ચેક-અપમાં મારું ટ્રાયગ્લિસરાઇડ ૧૯૦ mg/dL આવ્યું. આ ટ્રાયગ્લિસરાઇડ છે શું? શું મારે એને ગંભીરતાથી લેવું જોઈએ? એનાથી મને ભવિષ્યમાં શું નુકસાન થશે?
મિડ-ડે લોગો
હું ૨૯ વર્ષનો છું. મારું વજન ૬૮ કિલો છે. મને ઓબીસ ન કહી શકાય. બે વર્ષ પહેલાં મેં ફુલ બોડી ચેક-અપ કરાવ્યું હતું, જેમાં મારા ટ્રાયગ્લિસરાઇડ લેવલ ૧૭૦ mg/dL જેટલા હતા. મારા ડૉક્ટરે મને એક્સરસાઇઝની સલાહ આપી જે હું પાળી શક્યો નથી. ફુલ બોડી ચેક-અપમાં મારું ટ્રાયગ્લિસરાઇડ ૧૯૦ mg/dL આવ્યું. આ ટ્રાયગ્લિસરાઇડ છે શું? શું મારે એને ગંભીરતાથી લેવું જોઈએ? એનાથી મને ભવિષ્યમાં શું નુકસાન થશે?
ટ્રાયગ્લિસરાઇડ એ લોહીમાં રહેલા ફેટ્સનો એક ભાગ છે. આપણા ઘી-તેલ-બટર જેવા ફેટ્સમાંથી એ મળે છે અને આપણે ખોરાકમાં જે સિમ્પલ કાર્બ્સ ખાઈએ છીએ - જેમકે કૅક, પૅસ્ટ્રી, મેંદાની બનાવટ, કૅન્ડી, શુગર, આલ્કોહોલ વગેરેમાં ઘણી એક્સ્ટ્રા કૅલરીઝ હોય છે જે બચી જાય છે. આ કૅલરીને શરીર ટ્રાયગ્લિસરાઇડમાં ફેરવી નાખે છે. આ ફેટ કોષો યોગ્ય માત્રામાં હોય તો એ જરૂરી અને ઉપયોગી છે, પરંતુ જો એની માત્રા વધી જાય તો તકલીફ ઊભી થાય છે.
સામાન્ય રીતે ટ્રાયગ્લિસરાઇડ લેવલ ૧૫૦ mg/dLથી નીચે હોવું જોઈએ. જો એનાથી વધુ અને ૨૦૦ mg/dLથી નીચે હોય તો એ બોર્ડર-લાઇન ગણાય છે અને જો ૨૦૦ mg/dLથી લઈને ૫૦૦ mg/dLની વચ્ચેનું પ્રમાણ હાઈ ટ્રાયગ્લિસરાઇડ ગણાય, પરંતુ જો ૫૦૦ mg/dLથી પણ એનું પ્રમાણ વધે તો તો ખૂબ ગંભીર પરિસ્થિતિ ગણાય. ટ્રાયગ્લિસરાઇડની માત્રા એ જાડી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે એમ લોકો માને છે. હકીકતે વ્યક્તિના જાડા હોવાનું કારણ જ ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. ક્યારેક પાતળી દેખાતી વ્યક્તિનુંં ટ્રાયગ્લિસરાઇડ લેવલ પણ વધુ હોય. તમે ઓબીસ હો તો ચોક્કસ અને ન હો તો પણ લીપિડ પ્રોફાઈલ ચેક કરાવવી જરૂરી છે. ખાસ કરીને ૩૦-૩૫ વર્ષની ઉંમર પછી. ટ્રાયગ્લિસરાઇડ આપણા એશિયન અને ખાસ કરીને ભારતીય લોકોમાં વધુ જોવા મળે છે. એ પણ શક્ય છે કે વ્યક્તિને કૉલેસ્ટરોલની તકલીફ ન હોય પરંતુ ટ્રાયગ્લિસરાઇડ વધુ હોય એમ બને. જો ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ પણ વધુ હોય તો તમને કાર્ડિયો વેસ્ક્યુલર પ્રોબ્લેમ થવાની શક્યતા વધે છે. એમ પણ ટ્રાયગ્લિસરાઇડની વધુ માત્રા હાર્ટ માટે હાનિકારક છે. તમારી ઉંમર ઓછી છે એટલે ડાયટ-એક્સરસાઈઝ પર ધ્યાન આપીને આ લેવલ ઠીક કરી શકો છો.

