વધતી ઉંમરમાં ભૂલવાની સમસ્યા સામાન્ય થઈ જતી હોય છે. એવામાં ટંગ-ટ્વિસ્ટર્સનો અભ્યાસ કરવાથી મગજને સક્રિય રાખવામાં મદદ મળે છે
ફિલ્મ ‘યારાના’નો અમિતાભ બચ્ચનનો ‘કચ્ચા પાપડ પક્કા પાપડ’વાળો યાદગાર સીન.
બાળપણમાં આપણે બધાએ કચ્ચા પાપડ, પક્કા પાપડ જેવા જીભના લોચા વાળી નાખતા શબ્દો એટલે કે ટંગ-ટ્વિસ્ટર્સ બોલવાની કોશિશ કરી જ હશે. એ બોલવામાં મજા આવતી એટલે આપણે આ ફન-ઍક્ટિવિટી કરતા. જોકે ટંગ-ટ્વિસ્ટર્સ ફક્ત મજા માટે નથી, યાદશક્તિને મજબૂત કરવાની એક રીત છે
ભૂતકાળમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ટંગ-ટ્વિસ્ટર્સ ખૂબ પસંદ છે. તેણે અંગ્રેજી અને હિન્દીમાં બે-ત્રણ ટંગ-ટ્વિસ્ટર્સ પણ બોલીને સંભળાવ્યાં હતાં. પહેલી નજરે ટંગ-ટ્વિસ્ટર્સ આપણને ફન-ગેમ ભલે લાગે, પણ વાસ્તવમાં એ અનેક રીતે આપણને ફાયદો પહોંચાડે છે.
ADVERTISEMENT
ટંગ-ટ્વિસ્ટર્સ યાદશક્તિ વધારવાનું કામ કરે છે. એ આપણા બ્રેઇનની એક્સરસાઇઝ છે. ટંગ-ટ્વિસ્ટર્સમાં શબ્દોનો ક્રમ અઘરો હોય છે. એટલે દિમાગને વધુ મહેનત કરવી પડે છે. આ મહેનતથી મસ્તિષ્ક સક્રિય રહે છે અને યાદ રાખવાની ક્ષમતામાં સુધારો થાય છે. ટંગ-ટ્વિસ્ટર્સની પ્રૅક્ટિસથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે, કારણ કે એને સાચી રીતે અને ઝડપી રીતે બોલવા માટે પૂરું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. એટલે એ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને પણ સારી બનાવે છે.
ટંગ-ટ્વિસ્ટર્સ આપણી સ્પીચના મસલ્સને મજબૂત કરવાનું કામ કરે છે. એનાથી ફાયદો એ થાય છે કે આપણે શબ્દોના ઉચ્ચાર વધુ સારી સ્પષ્ટતા સાથે કરી શકીએ. જ્યારે આપણે કોઈ ટંગ-ટ્વિસ્ટર્સને સાંભળીએ છીએ અને ફરી-ફરી એને બોલવાની પ્રૅક્ટિસ કરીએ છીએ ત્યારે એનાથી આપણી સાંભળીને યાદ રખવાની ક્ષમતા સુધરે છે.
ટંગ-ટ્વિસ્ટર્સના સતત અભ્યાસથી આપણામાં આત્મવિશ્વાસ વધે છે. એનાથી સ્ટેજ પર આવીને લોકો સામે બોલવાનો જે ભય હોય એ ઓછો થાય છે. બાળકોની ભાષા અને બોલવાની ક્ષમતામાં સુધાર લાવવા માટે આ એક સારો વિકલ્પ છે.
વધતી ઉંમરમાં ભૂલવાની સમસ્યા સામાન્ય થઈ જતી હોય છે. એવામાં ટંગ-ટ્વિસ્ટર્સનો અભ્યાસ કરવાથી મગજને સક્રિય રાખવામાં મદદ મળે છે, જેનાથી યાદશક્તિ સુધરે છે અને ડિમેન્શિયા જેવી બીમારીનું જોખમ ઘટી જાય છે. વધતી ઉંમર સાથે બોલવાની ઝડપ અને સ્પષ્ટતા પણ નબળી પડી જાય છે. ટંગ-ટ્વિસ્ટર્સ બોલવાથી મોઢું, ગળાની માંસપેશીઓનો વ્યાયામ થઈ જાય છે, જેનાથી બોલવાની ક્ષમતા સુધરે છે.
તમે પણ આ ટ્રાય કરો
કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા કહ્યું
પાંચ પાપડ કાચા કાકા પાંચ પાપડ પાકા, પાકા પાકા ખાઓ કાકા કાચા કાચા મૂકો પાછા
સૂંઠ ઉપર ઊંટ બેઠું ઊઠ ઊંટ સૂંઠ ખા
સમઝ સમઝ કે સમઝ કો સમઝો, સમઝ સમઝ કે સમઝો કે સમઝના હી સમઝ હૈ, જો સમઝ કો સમઝકર ભી ના સમઝે મેરી સમઝ મેં વો નાસમઝ હૈ

