ગળાના સામાન્ય દુખાવાને અવગણો નહીં
(હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન)
ગળામાં થતો દુખાવો અને ઇરિટેશન આમ તો ખૂબ સામાન્ય જણાતી તકલીફ છે, જે લગભગ બધાને થતી હોય છે. મોટા ભાગે આ તકલીફમાં દવાઓ કે મેડિકલ હેલ્પની જરૂર પડે જ એવું હોતું નથી, પરંતુ આ સામાન્ય દેખાતા લક્ષણને સાવ ન ગણકારવાનું પણ યોગ્ય નથી. ઘણી વાર આ સામાન્ય લક્ષણ ઘણા ગંભીર રોગોની તાકીદ કરતું હોય છે અને એને અવગણવાથી રોગ વધી જઈ શકે છે. ઘણી વાર ગળામાં દુખાવાની સાથે-સાથે ગળું સૂકું થઈ જવું કે ગળામાં સોજો આવવો, અવાજ ભારે થઈ જવો જેવાં લક્ષણો પણ એમાં ભળે છે. ગળામાં દુખાવો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ઘણા લોકોમાં આ રિસ્ક વધારે પણ હોય છે. તમારા ગળાના દુખાવા પાછળ કયાં કારણો છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે જો કારણ જાણીએ તો જ એનો યોગ્ય ઇલાજ શક્ય બને છે. ખાસ કરીને જો દુખાવો વારંવાર થતો હોય અથવા ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી થતો હોય તો ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.
ઇન્ફેક્શન
ખાસ કરીને ગળામાં દુખાવાનું જે મુખ્ય કારણ છે એ છે ઇન્ફેક્શન. બહારથી કોઈ પણ પ્રકારના કીટાણુઓ; પછી એ વાઇરસ હોય, બૅક્ટેરિયા હોય કે ફૂગ; ગળા પર અટૅક કરે ત્યારે ગળામાં ઇન્ફેક્શન થઈ જાય છે અને એ ઇન્ફેક્શનને કારણે ગળું દુખતું હોય છે. આ ઇન્ફેક્શનના ત્રણ પ્રકાર છે અને ત્રણેયની જુદી-જુદી વિશેષતા છે. બૉમ્બે હૉસ્પિટલનાં ચેસ્ટ-ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘મોટા ભાગે ગળાનું જે ઇન્ફેક્શન લોકોમાં જોવા મળે છે એ છે વાઇરલ ઇન્ફેક્શન. એમાં સ્વરપેટી પર સોજો આવી જાય છે, દુખાવો વધી જાય છે. આ પ્રકારના ઇન્ફેક્શનમાં જો ઍન્ટિબાયોટિક આપવામાં આવે તો પણ વ્યક્તિને દુખાવામાં ફરક નથી પડતો, કારણ કે દુખાવાનું કારણ બૅક્ટેરિયા નહીં પરંતુ વાઇરસ છે. અમુક પ્રકારના બૅક્ટેરિયા જ્યારે ગળાને અસર કરે ત્યારે આ દવાઓ કામ કરે છે. આ સિવાય ગળામાં ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે જે ખાસ કરીને અસ્થમાના દરદીઓમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને તેઓ જ્યારે ઇન્હેલર લે છે ત્યારે એ લીધા પછી જો કોગળા ન કરે તો ગળામાં ફંગલ ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધી જાય છે.’
નાક બંધ અથવા સાઇનસાઇટિસ
જ્યારે વ્યક્તિને શરદી થાય ત્યારે પણ ગળું ખરાબ થઈ જાય છે. છોલાઈ જાય અથવા અંદરથી ખરડાઈ જાય છે, જેને કારણે સતત દુખાવો રહે છે. કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની ઍલર્જી હોય તો એને લીધે પણ ગળાનો દુખાવો થઈ શકે છે; જેમ કે પરાગરજ કે ધૂળ વગેરે. આ પ્રકારનાં તત્વોથી થતી ઍલર્જીને કારણે પોસ્ટ નોઝલ ડ્રિપ સર્જાય છે. આ શું છે અને એ ગળાને કઈ રીતે અસર કરે છે એ સમજાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘જ્યારે નાકમાં કફ ભરાઈ જાય છે ત્યારે એ નાકમાંથી બહાર નીકળે છે, પરંતુ આ ઇન્ફેક્શનવાળો કફ ખૂબ વધી જાય અથવા નાક બંધ થઈ જવાને કારણે એ નાકમાંથી બહાર ન નીકળી શકે તો એ બીજો રસ્તો શોધે છે, જેમાં એ નાકની પાછળથી નીચે ગળા તરફ આવે છે. આ નીચે તરફ આવતો કફ ગળાને ઇરિટેટ કરે છે અને ગળું ખરડાય છે, જેને કારણે ગળામાં દુખાવો થાય છે અને સોજો પણ આવી શકે છે.’
ઍસિડિટી
જે વ્યક્તિને ઍસિડિટીની વધુપડતી તકલીફ હોય એવા લોકોનું પણ ગળું હંમેશાં લાલ રહેતું હોય છે. આની પાછળનું કારણ સમજાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘જે લોકોને વધુપડતી ઍસિડિટી રહેતી હોય તેમને ઍસિડ રિફ્લક્સ થાય છે જેને આપણે સાદી ભાષામાં ઘચરકો અથવા ખાટા ઓડકાર કહીએ છીએ. આ ઍસિડ ગળાને અસર કરે છે, જેને લીધે એ લાલ દેખાય છે. અંદરથી ખરડાઈ ગયું હોય એવી અનુભૂતિ થાય છે અને દુખાવો શરૂ થઈ જાય છે. જો ગળાના દુખાવા પાછળ આ કારણ હોય તો એની સાથે-સાથે છાતીમાં બળતરાનું લક્ષણ પણ જણાય છે.’
ટીબી અને કાકડા
ગળામાં દુખાવાનું લક્ષણ ફક્ત સામાન્ય ઇન્ફેક્શનનું જ હોતું નથી, પરંતુ એની પાછળ ટીબી જેવા રોગો પણ હોઈ શકે છે; જેમાં સ્વરપેટીનો ટીબી સામાન્ય રોગ છે, જે ઘણા લોકોમાં જોવા મળે છે. આ ટીબીનું મહત્વનું લક્ષણ ગળામાં દુખાવો હોય છે.
જો આ લક્ષણને અવગણીએ તો બને કે ટીબી ખૂબ ફેલાઈ જાય. આ સિવાય જયારે ટૉન્સિલ એટલે કે કાકડા પર ઇન્ફેક્શન આવે છે ત્યારે પણ ગળામાં દુખાવો થાય છે. કાકડાના ઇન્ફેક્શન વિશે સમજાવતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘કાકડા પર મોટા ભાગે જે ઇન્ફેક્શન થાય છે એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે. જ્યારે આ ઇન્ફેક્શન પર ઍન્ટિબાયોટિક કામ ન કરે ત્યારે કાકડાની સર્જરી કરવી પડે છે અને સર્જરી દ્વારા એને દૂર કરવામાં આવે છે.’
સ્મોકિંગ અને બીજાં કારણો
જે લોકો ખૂબ પૉલ્યુશનવાળા એરિયામાં રહે છે એવા લોકોને સતત ગળાનો દુખાવો રહી શકે છે. આ ઉપરાંત અમુક કેમિકલની ફૅક્ટરીમાં કામ કરતા લોકોને પણ આ તકલીફ કાયમ હેરાન કરી શકે છે. જે જગ્યાએ ખૂબ જ સૂકું વાતાવરણ હોય એ લોકોનું ગળું પણ હવામાનને કારણે ખરડાઈ જતું હોય છે. જે લોકો ખૂબ બરાડા પાડીને વાતો કરતા હોય અથવા જેમનો પ્રોફેશન એવો હોય જેમાં ખૂબ મોટા અવાજે બોલવું પડતું હોય તો આવા લોકોને આ પ્રકારની તકલીફ સતત રહેતી જોવા મળે છે. જેમ કે શિક્ષકો. આ ઉપરાંત જે લોકો સ્મોકર્સ છે તેમને ગળાનો દુખાવો રહે જ છે. સ્મોકિંગની અસર ગળા પર થાય જ છે. આ વાત પર પ્રકાશ પાડતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘જે સ્મોકિંગ કરે છે તેને એક જુદા પ્રકારનો કફ થાય છે જેને સ્મોકર્સ કફ કહે છે. આ સ્મોકર્સ કફ ગાળામાં દુખાવાની તકલીફ આપી શકે છે. આ પ્રકારની તકલીફ જે ઈ-સિગારેટ પીએ છે એ લોકોને વધુ થાય છે.’

