Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ છે કડવું મોં જરૂર કરજો

ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ છે કડવું મોં જરૂર કરજો

09 April, 2024 06:52 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

લીમડો ભલે સ્વાદમાં કડવો હોય, પણ એના ગુણ બહુ મીઠા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુઢી પાડવા અને વાસંતિક નવરાત્રિમાં પરંપરાગત રીતે પ્રસાદ તરીકે ચપટીક ગોળને લીમડાના પાનમાં વીંટાળીને આપવાની પરંપરા હતી. આયુર્વેદમાં કહેવાતું આવ્યું છે કે ચૈત્રમાં ૧૧ દિવસ માટે જે લીમડાનું સેવન કરે તે બારેમાસ સ્વસ્થ રહે છે. બીજી પણ અનેક રીતે જીવનોપયોગી હોવાથી નીમ રિસર્ચ ઍન્ડ ટેક્નૉલૉજી ડેવલપમેન્ટ સેન્ટરે ગુઢી પાડવાને નીમ ડે તરીકે જાહેર કર્યો છે ત્યારે જાણીએ ચૈત્રમાં શા માટે લીમડાનું સેવન જરૂરી છે અને કઈ રીતે લેવાય તો બેસ્ટ રિઝલ્ટ મળે

ભારતના કોઈ પણ ખૂણે જાઓ, લીમડાનું વૃક્ષ અચૂક જોવા મળશે. આવનારી બળબળતી ગરમીમાં લોહી, ત્વચા અને કફદોષને કારણે થતા રોગોના નિવારણ માટે ચૈત્રમાં જો ૧૧ દિવસ માટે લીમડાનાં પાનનું સેવન કરેલું હશે તો બારેમાસ સ્વાસ્થ્ય મળશે એવું આયુર્વેદનાં શાસ્ત્રોમાં કહેવાયું છે. ચૈત્ર નવરાત્રિ દરમ્યાન કેટલીક પરંપરાઓમાં પ્રસાદ તરીકે લીમડો અને ગોળ અપાય છે તો કેટલીક પરંપરાઓમાં લીમડાના રસનું આચમન. આ બધા ધાર્મિક રીતરિવાજો પાછળ આયુર્વેદની ઊંડી સમજ છે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય, પણ એના ગુણ બહુ મીઠા છે. આયુર્વેદશાસ્ત્રી શંકર દાજી પદે દ્વારા લિખિત આર્યભિષક ગ્રંથમાં લખ્યું છે કે ચૈત્ર મહિનામાં લીમડાનાં દસ કુમળાં પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને ખાવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. 

લગભગ પચાસ ટકા દરદીઓને લીમડો અથવા લીમડામાંથી બનતી દવાઓથી જ સાજા કરવાનો અનુભવ ધરાવતા બોરીવલીના આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય પ્રબોધ ગોસ્વામી માને છે કે લીમડાનાં પાન કે લીમડાનો રસ ચૈત્ર મહિનો અને આ ઋતુનું સૌથી ઉત્તમ અને ગુણકારી ઔષધ બની શકે છે. આ સીઝનમાં અચૂક લીમડો કેમ લેવો જોઈએ એનું કારણ સમજાવતાં તેઓ કહે છે, ‘વસંત ઋતુમાં કફપ્રકોપ થયો હોય અને ગ્રીષ્મ ઋતુમાં પિત્ત વધતાં કફ પીગળે. ચૈત્રમાં ગરમીની શરૂઆત થાય છે. ગરમીમાં જો તમે ઠંડી અને ગળી ચીજોનું સેવન કરો છો તો એનાથી પણ કફ જમા થાય છે. કફ અને પિત્તનો પ્રકોપ થાય તો એનાથી રસધાતુ ખરાબ થાય છે અને ચામડીના રોગો પેદા થાય છે. આ સીઝન એવી છે જેમાં ખાનપાનનું ધ્યાન ન રાખવાથી ચામડીના વિવિધ રોગોનાં મૂળ શરીરમાં પેદા થાય છે. એનું મારણ કડવો લીમડો બની શકે છે. ચામડીના રોગો પેદા થવાના સમયમાં જ જો કડવા રસનું સેવન કરવામાં આવે તો ચામડીના તેમ જ પિત્તને કારણે થતા પેટના અનેક રોગો પેદા થવાની સંભાવનાઓ ઘટી જાય છે. એટલે જ ભલે થોડીક અતિશયોક્તિ લાગે, પણ આયુર્વેદમાં કહેવાયું છે કે ચૈત્ર નવરાત્રિમાં લીમડો ખાઓ તો એનાથી આખું વરસ સાજા રહેવાય.’જોકે કડવો રસ તો પિત્ત વધારનારો ન હોય? એક તરફ ગરમીને કારણે પિત્ત ચડે અને ઉપરથી લીમડાની કડવાશ? આનાથી ફાયદો કઈ રીતે થાય? તો એનો જવાબ આપતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘એ વાત સાચી કે કફપ્રકોપ ન થાય એ માટે તિક્ત એટલે કે કડવો રસ વાપરવો જોઈએ. જોકે કડવો રસ પણ ગરમ ગુણ ધરાવે છે. ચૈત્ર મહિનામાં ગરમી પડતી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો કડવો રસ લો તો એ શરીરને વધુ ગરમ પડી શકે છે. એટલે આ સીઝનમાં એવો કડવો રસ લેવો જે ગરમી ન કરતો હોય પણ શીતળતા બક્ષતો હોય. લીમડામાં આ બન્નેનું સંયોજન બહુ સરસ છે. ધારો કે કોઈકને લીમડાનો રસ પીવાથી ઊલટી જેવું થાય છે તો એ સારી નિશાની છે. તેમણે અચૂક લીમડાનો રસ પીવો જોઈએ જેથી સહજતાથી વમન થઈ જાય અને સંચિત કફ નીકળી જાય.’

લીમડાના ગુણ 

લીમડો એવો જંતુનાશક છે જે જંતુઓનો નાશ કરવાની સાથે પર્યાવરણને પણ સુધારે છે. નીમ રિસર્ચ ઍન્ડ ટેક્નૉલૉજી ડેવલપમેન્ટ સેન્ટરે લીમડાનાં પાન, છાલ અને લીંબોળી પર અઢળક અભ્યાસો કરીને એમાં ઍન્ટિ-ફંગલ, ઍન્ટિબાયોટિક અને ઍન્ટિ-વાઇરલ પ્રૉપર્ટીઝ હોવાનું તારવ્યું છે. લીમડાની અંદરની છાલમાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઇરસ અને ફૂગનો નાશ કરવાનો ગુણ ધરાવે છે. લીમડો શીતળ, હલકો, કડવો, તીખો, પૌષ્ટિક, ઘા રુઝાવનાર, સોજો ઉતારનાર, ગૂમડું પકવનાર છે તેમ જ કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુ મટાડે છે. એના ગુણ એટલા જબરદસ્ત છે કે એને અવગણી શકાય એમ નથી એમ જણાવતાં ડૉ. પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આયુર્વેદમાં બહુ ઓછાં ઔષધો છે જે બહુપ્રચલિત હોય. લીમડાની અસરકારકતા અનેક વાર અનેકવિધ રીતે પુરવાર થઈ હોવાથી ઍલોપથી અને આયુર્વેદ બન્નેએ એનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ત્વચા અને લોહીના રોગો માટેની અનેક દવાઓમાં લીમડો વપરાય છે. આયુર્વેદમાં અસંખ્ય દવાઓમાં એનાં પાંચેય અંગો ફૂલ, પાન, છાલ, મૂળ અને લીંબોળીનો ઉપયોગ થયો છે.’

લીમડો લેવો કઈ રીતે?

શરીરના કફ અને પિત્ત દોષોને શમાવવા માટે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ લીમડો અચૂક લેવો જોઈએ એમ જણાવતાં વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આવનારા દિવસોમાં હજી વધુ ગરમી વધશે. એવામાં ત્વચાની સમસ્યાઓ જેમ કે ફોડલી, ફોડલા, ગૂમડાં, ઘા પાકવો, ગરમીનો તાવ, અપચો, પિત્ત ચડવું જેવી તકલીફો થશે. એનાથી બચવું હોય તો ચૈત્ર નવરાત્રિ દરમ્યાન લીમડાનાં પાન અને એના મોરનું સેવન કરવું. ચૈત્રમાં જ લીમડાના ઝાડ પર કૂમળાં ફૂલ, જેને આપણે મોર કહીએ છીએ એ બેસે છે. એ ફૂલ અને એની આસપાસનાં કુમળાં અને પાકટ લીલો રંગ ધારણ ન કર્યો હોય એવાં પોપટી રંગના લીમડાંનાં પાન લેવાં. નરણા કોઠે આ પાન લેવાં. આઇડિયલી ચાવીને જ ખાવાં જોઈએ, પણ બધાથી કડવાશ સહન થાય એવું જરૂરી નથી. એટલે અમે એનો રસ કાઢીને લેવાનું કહીએ છીએ. દસથી પંદર પાન અને મુઠ્ઠીભર તાજો મોર મિક્સ કરીને એનો રસ કાઢવામાં આવે તો મોરની સોડમને કારણે કડવાશ થોડીક હળવી બને છે.’

પાણી વધુ જરૂરી 

કડવાશ સહ્ય બનાવવા શું થઈ શકે એની વાત કરતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘લીમડાની સાથે ચપટીક ગોળ લઈ શકાય અથવા તો થોડુંક લીંબુ નાખી શકાય. ગોળ યોગવાહી હોવાથી એની સાથે જે ઔષધ હોય એના ગુણ વધારે છે અને સરળતાથી શરીરમાં શોષાય છે. ભલે તમને ચાવવાનું ન ગમતું હોય, પણ હું કહીશ કે રસ પીવા કરતાં પાન ચાવવાં વધુ ફાયદાકારક છે. એનાથી ફાઇબર પણ પેટમાં જાય છે જે ગટ હેલ્થ સુધારે છે. આ નવ દિવસ દરમ્યાન પણ બને તો અડધા કપથી વધુ રસ ન લેવો. મારે ત્યાં ઘણા દરદીઓ ફરિયાદ લઈને આવે છે કે લીમડાનો રસ પીવાથી કે પાન ચાવવાથી કબજિયાત થાય છે. એવું ત્યારે થાય જ્યારે તમે લીમડાના સેવનની સાથે પાણી ઓછું પીતાં હો. આ સીઝન આમેય ડીહાઇડ્રેશનની છે. તમે જોયું હોય તો જ્યાં લીમડો ઊગ્યો હોય એની આજુબાજુના વિસ્તારમાં વધુ ફળદ્રુપ વૃક્ષો નથી થતાં. લીમડાનાં મૂળ ઊંડે જઈને વધુ પાણી શોષી લે છે. એટલે લીમડાનો પ્રયોગ કરતી વખતે રોજ કરતાં વધુ પાણી પીવું જોઈએ. એનાથી કડવાશને કારણે ટૉક્સિન્સ બહાર ફેંકાવાની પ્રક્રિયામાં ફાયદો થશે.’

ક્યારે ન લેવાય?
લીમડો તો બહુ સારો એવું માનીને એને આંખ બંધ કરીને બારેમાસ ન લેવાય. એનું કારણ સમજાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ચૈત્ર મહિનામાં લીમડો ફાયદાકારક છે કેમ કે ઋતુ સાથે એનું જરૂરી ગુણ અનુસંધાન છે, પરંતુ એ આખું વર્ષ લેવાની ભૂલ ન કરવી. ખાસ કરીને પુરુષોએ. લીમડો ખૂબ ઠંડો હોવાથી અતિ માત્રામાં લેવાથી એ ધાતુઓનો ક્ષય કરે છે અને પુરુષોને ઇરેક્શનમાં તકલીફ થઈ શકે છે. અલબત્ત, આ તકલીફ ટેમ્પરરી છે. તમે જેવું લીમડાનું સેવન બંધ કરો એટલે એની આડઅસર પણ ઘટી જાય છે.’ આ વાતમાં ઉમેરો કરતાં પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘અન્ય સીઝનમાં લીમડો ત્યારે જ લેવો જ્યારે તમારા દોષોમાં ચોક્કસ અસંતુલન હોય નહીંતર વાયુનો પ્રકોપ થઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2024 06:52 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK