શિયાળામાં વકરતો ચર્મરોગ સૉરાયસિસ
જિગીષા જૈન
શિયાળામાં કેટલાક એવા રોગો છે જે વકરે છે, જેમ કે શ્વાસના રોગો કે ચામડીના રોગો. આજે આપણે એક એવા રોગ વિશે વાત કરીશું જેની શરૂઆત મોટા ભાગે આ જ સીઝનમાં થાય છે. એટલે કે કોઈ વ્યક્તિને પહેલી વખત જ્યારે ચિહ્નો સામે આવે ત્યારે મોટા ભાગે શિયાળો હોય એવું જોવા મળ્યું છે, પરંતુ આ રોગ થવા પાછળ આ ઋતુ જવાબદાર નથી. આ રોગનું નામ છે સૉરાયસિસ. સૉરાયસિસ એક ક્રૉનિક ઇન્ફ્લૅમૅટરી ડિસીઝ છે એટલે કે આ રોગ લાંબા ગાળાનો છે જે વર્ષો સુધી વ્યક્તિની અંદર રહે છે. એનાં લક્ષણો ઘટતાં-વધતાં દેખાય છે, પરંતુ આ રોગ ક્યારેય જડમૂળથી દૂર થતો નથી. સૉરાયસિસમાં ચામડીના અમુક નિશ્ચિત એરિયા પર એક જાડું લેયર આવે જે ખૂબ જ રફ હોય. એવું લાગે કે એનું એક પડ બની ગયું છે. આ પરિસ્થિતિ ધારીએ એટલી સહેલી નથી, કારણ કે આ રોગને કારણે વ્યક્તિના સામાજિક જીવન પર ખૂબ અસર પડે છે. ઘણી વાર એવું બને છે કે એ ખૂબ જ વધારે ફેલાયેલું હોય અથવા એવા ભાગ પર ફેલાયેલું હોય કે એને છુપાવવું અઘરું થઈ પડે અને એને લીધે વ્યક્તિ શરમ અનુભવે છે. લઘુતાની ભાવના ધીમે-ધીમે તેની અંદર ઘર કરતી જાય છે.
પ્રકાર
સોરાયસિસના આમ તો ૧૭-૧૮ પ્રકાર છે, પરંતુ મોટા ભાગે બે પ્રકાર વધુ જોવા મળે છે. એ વિશે સમજાવતાં બાંદરા અને કેમ્પ્સ કૉર્નરમાં ક્યુટીસ સ્કિન સ્ટુડિયોના ડર્મેટોલૉજિસ્ટ અને લેસર સજ્ર્યન ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘સૉરાયસિસના એક પ્રકારમાં કોણી, ઘૂંટણ, માથાનું તાળવું એટલે કે સ્કૅલ્પ અને કમરની નીચેની સ્કિન પર અસર થયેલી જણાય છે જેમાં આ જગ્યાએ સ્કિન પર એક જાડું પડ બની જાય છે; જ્યારે બીજા પ્રકારમાં હથેળી અને પગના તળિયા પર આ પ્રકારની અસર થાય છે. શરીરના કયા ભાગ પર કેવી અસર થઈ છે એ મુજબ સૉરાયસિસનો પ્રકાર નક્કી કરી શકાય. મોટા ભાગે જે લોકોમાં જોવા મળે છે એ આ બન્ને પ્રકાર છે.’
કઈ રીતે થાય?
સૉરાયસિસમાં શરીરમાં એવું શું થાય છે કે ચામડી ઊપસી આવે છે? શરીરની એવી કઈ અવસ્થા છે જે આ રોગમાં સરજાય છે એ સમજાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘આપણા શરીરની બનાવટ એવી છે કે એમાં નવા કોષો બનતા જાય છે અને જૂના કોષોનો નાશ થતો જાય છે. આ જૂના કોષોની જગ્યા નવા કોષો લે છે. આ એક સાઇકલ છે જે ચાલતી રહે છે, પરંતુ જ્યારે કોઈ પણ કારણસર આ સાઇકલમાં ભંગાણ પડે ત્યારે પ્રૉબ્લેમ થાય છે. સૉરાયસિસમાં નવા કોષો બનવાની પ્રક્રિયા બમણી ઝડપથી વધે છે, જ્યારે જૂના કોષો નાશ પામવાની પ્રક્રિયા નૉર્મલ સ્પીડથી ચાલે છે. આવું શરીરના જે ભાગમાં થાય ત્યાં નવા કોષોનો ભરાવો થઈ જાય છે, જે સૉરાયસિસ છે.’
કૅન્સર જેવો
એક રીતે જોવા જઈએ તો નવા કોષો વધુ પ્રમાણમાં બનવાથી થતા ભરાવાને લીધે જે પ્રૉબ્લેમ થાય છે એને તો કૅન્સર કહે છે. કૅન્સરમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે કે એમાં જરૂરિયાત ન હોવા છતાં કોષો વધતા જ જાય છે અને ગાંઠ બનાવે છે તો પછી સૉરાયસિસ કૅન્સર કરતાં અલગ કઈ રીતે પડે છે? આ પ્રfનનો જવાબ આપતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘કૅન્સરમાં જે કોષો બમણા થાય છે એ જીવિત કોષો હોય છે, જ્યારે સૉરાયસિસમાં જે કોષોનો ભરાવો થાય છે એ મૃત કોષો હોય છે. આથી જ એ કૅન્સર જેવો ખતરનાક રોગ નથી, જે વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જાય. પરંતુ બન્નેની કૅટેગરી સરખી હોવાથી ઘણી કૅન્સરની દવાઓ સૉરાયસિસમાં પણ કામ લાગે છે.’
ઓળખ
આમ તો આ રોગ બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ પણને થઈ શકે છે, પણ મોટા ભાગે વ્યક્તિ વયસ્ક થાય એની શરૂઆતનાં વર્ષોમાં જ આ રોગ તેની સામે આવે છે. ઘણી વાર લોકો એને ઓળખી શકતા નથી. જેમ કે જે વ્યક્તિને માથાના તાળવા પર એટલે કે સ્કૅલ્પ પર આ રોગનાં લક્ષણ દેખાય તો તેમને લાગે કે આ તો ખોડો છે, જતો રહેશે. પરંતુ હકીકતમાં એ ખોડો નહીં, સૉરાયસિસ છે એ જાણવું હોય તો એમાં એક મુખ્ય તફાવત એ છે કે ખોડો આખા સ્કૅલ્પ પર ફેલાયેલો હોય, સૉરાયસિસમાં એના પૅચ હોય જે અલગ તરી આવે છે. આમ એની ઓળખ થવી જરૂરી છે. એ જ રીતે જ્યારે શરૂઆતમાં લાલ પૅચ થઈ જાય છે ત્યારે લોકોને લાગે છે કે આ ધાધર જેવું ફંગલ ઇન્ફેક્શન છે. પરંતુ ધાધરમાં વ્યક્તિને એ ભાગ પર ખંજવાળ આવે છે, સૉરાયસિસમાં ખંજવાળ આવતી નથી.
ઇલાજ
આ એક એવી બીમારી છે જે જીવનપર્યંત વ્યક્તિની સાથે રહે છે, પરંતુ ઘણી સારી દવાઓ અને ટ્રીટમેન્ટ આપણે ત્યાં છે જેનાથી વ્યક્તિ એનાં લક્ષણોને કાબૂમાં લઈને એક સારું જીવન વ્યતીત કરી શકે છે. મોટા ભાગે આ રોગના ઇલાજ માટે હોમિયોપથીને અકસીર માનવામાં આવે છે. પહેલાં ઍલોપથીમાં સ્ટેરૉઇડ્સ વગેરે દવા તરીકે વાપરતા હતા જે શરીરને નુકસાનકારક હતા. પરંતુ હવે એનો ઉપયોગ બંધ થયો છે અને ઘણી સારી નવી દવાઓ પણ આવી છે જેનાથી ઇચ્છનીય પરિણામ મેળવી શકાય છે. જો એનો યોગ્ય ઇલાજ ન થાય અને એ વકરે તો એ સાંધા અને કિડની પર પણ અસર કરી શકે છે. સૉરાયસિસ જ્યારે સાંધાને અસર કરે ત્યારે એને સૉરાયટિક આર્થ્રાઇટિસ કહે છે. જે લોકો મેદસ્વી છે અને તેમને સૉરાયસિસ હોય તો તેમને ડાયાબિટીઝ અને હાર્ટ પ્રૉબ્લેમ થવાની શક્યતા વધુ રહે છે.
જિનેટિક
સૉરાયસિસ રોગ ચેપી નથી એટલે કે કોઈને થયો હોય અને તમે તેને અડી જાઓ તો એ તમને થાય એવું નથી, પરંતુ એ જિનેટિક છે એટલે જો એ પરિવારમાં હોય તો તમને આવી શકે છે. વળી કયા પ્રકારના વાતાવરણમાં આ જીન્સ ઍક્ટિવ બને છે એના વિશે પણ કોઈ ખાસ તથ્યો મળ્યાં નથી. આ રોગમાં ધ્યાન રાખવા જેવી બાબત સમજાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘અમુક રોગોમાં લગ્ન કરતી વખતે મેડિકલ હિસ્ટરી તપાસવી જરૂરી બને છે. આ એ પ્રકારનો રોગ છે. જો પતિ-પત્ની બન્નેને આ રોગ હોય અથવા તો બન્નેના પરિવારમાં આ રોગ હોય તો બાળકને જિનેટિકલી સૉરાયસિસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ વિશે ખાસ જાગૃતિ લોકોમાં જોવા મળતી નથી, પરંતુ એ વિશે જાગૃત થવાની જરૂર છે.’

