PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમમાં સ્ત્રીની ઓવરી, થોડી માત્રામાં રહેલા પુરુષ હૉર્મોન્સ એન્ડ્રોજનનું ઉત્પાદન વધારી દે છે જેને કારણે ઓવરીમાં નાની-નાની ગાંઠ ઉત્પન્ન થાય છે.
જીવનભર ઍક્ટિવ લાઇફસ્ટાઇલ અને એક્સરસાઇઝને મહત્ત્વ આપીને હેલ્ધી લાઇફસ્ટાઇલ કેળવવી મસ્ટ છે.
વર્ક ફ્રૉમ હોમ કે સ્ટડી ફ્રૉમ હોમને લીધે ઘણી છોકરીઓ છેલ્લા એક-દોઢ વર્ષથી સતત બેઠાડુ જીવન જીવી રહી છે; જેને કારણે તેમનું વજન વધી ગયું છે, મેટાબોલિઝમ ચેન્જ થઈ ગયું છે અને એને કારણે PCOSના કેસિસમાં વધારો નોંધાયો છે. પીસીઓએસ અવેરનેસ મન્થ ચાલી રહ્યો છે ત્યારે જાણીએ કેટલીક મહત્ત્વની બાબતો
PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમમાં સ્ત્રીની ઓવરી, થોડી માત્રામાં રહેલા પુરુષ હૉર્મોન્સ એન્ડ્રોજનનું ઉત્પાદન વધારી દે છે જેને કારણે ઓવરીમાં નાની-નાની ગાંઠ ઉત્પન્ન થાય છે. એને કારણે અનિયમિત માસિક, હેવી પિરિયડ્સ, શરીર પર છાતી, પેટ, પીઠ અને મૂછ-દાઢીની જગ્યાએ ઊગતા વધુપડતા વાળ, વજન ખૂબ વધવું, એમાં પણ ખાસ કરીને પેટ વધવું, ખીલ અને ખૂબ ઑઇલી સ્કિન, વાળ ખૂબ ખરવા, ઇન્ફર્ટિલિટી જેવા ઘણા પ્રશ્નો સામે આવે છે. ખારઘરનાં ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. સુરભી સિદ્ધાર્થ પાસેથી સમજીએ આ રોગને.
ADVERTISEMENT
જવાબદાર કારણો | નાની ઉંમરમાં વધતું સ્ટ્રેસ, જલદી આવતી મૅચ્યોરિટી, ભણવાને કારણે સ્પોર્ટ્સમાં કે ફિઝિકલ ઍક્ટિવિટીમાં અપાતું ઓછું ધ્યાન, ટ્રાન્સફૅટ્સયુક્ત ખોરાક અને બેઠાડુ જીવન કારણભૂત પરિબળો છે. મોટા ભાગે ખોટી લાઇફસ્ટાઇલ જ જવાબદાર હોય છે જે કોવિડકાળમાં ઘણી છોકરીઓએ અપનાવી છે, જેને લીધે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઇલાજ | ૧૫-૨૨ વર્ષ સુધીમાં છોકરીઓને જ્યારે આ પ્રૉબ્લેમ નડે છે ત્યારે તેને કોઈ દવા કે હૉર્મોન્સ આપવાની જરૂર હોતી નથી. જો તે તેની લાઇફસ્ટાઇલમાં સુધારા કરે, વજન ઘટાડે, યોગ્ય ડાયટ લે અને ફિઝિકલ એક્સરસાઇઝ ચાલુ રાખે તો આ પ્રૉબ્લેમ એની મેળે દૂર થઈ જાય છે. એ માટે કશું ખાસ કરવાની જરૂર પડતી નથી. જો આ પ્રૉબ્લેમ વગર કોઈ ઇલાજે ફક્ત લાઇફસ્ટાઇલ બદલાવવાથી નાની ઉંમરે દૂર થઈ જતો હોય તો એને આગળ ન વધવા દેવામાં જ સમજદારી છે. બાકી જ્યારે ઇન્ફર્ટિલિટીના પ્રશ્નો સરજાય ત્યારે ઇલાજ કરવો જરૂરી બની જાય છે.
મેડિસિનની જરૂર ક્યારે? | જો તમારી ઓવરીની સાઇઝ ૧૨ CCથી વધુ હોય, તમે પ્રેગ્નન્સી પ્લાન કરતાં હો, તમને ખીલ અને ફેશ્યલ હેરનો પ્રૉબ્લેમ ખૂબ વધી ગયો હોય, ઘણા પ્રયત્નો છતાં વજન ઓછું જ ન થતું હોય તો ડૉક્ટર ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે હૉર્મોનલ થેરપી શરૂ કરી શકે છે. મહત્ત્વનું છે કે દવાઓ સાથે લાઇફસ્ટાઇલ ચેન્જ તો લાવવો જ પડે છે.
શું આ જાણો છો?
પાતળી છોકરીઓને પણ આ સમસ્યા થઈ શકે છે. એટલે જો તમે દૂબળાં હો છતાં તમને પિરિયડ્સને લગતી કોઈ તકલીફ શરૂ થઈ ગઈ હોય તો એક વખત ડૉક્ટરને ચોક્કસ મળો. એવી ભ્રમણામાં ન રાચો કે અમે તો પાતળાં છીએ એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલની જરૂર નથી.
જો તમને પીસીઓએસ છે તો તમારે આ રોગનું ધ્યાન લગભગ આખી જિંદગી જ રાખવાનું છે, કારણ કે એક વખત રોગ ગયો એનો અર્થ એ નથી કે એ પાછો નહીં આવે. તમારી લાઇફસ્ટાઇલ થોડી બગડી કે તકલીફ પાછી આવી જશે. પીસીઓએસ ધરાવતી છોકરીઓને ભવિષ્યમાં જેસ્ટેશનલ ડાયાબિટીઝ, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ આવવાની શક્યતા ઘણી વધારે છે, કારણ કે મેટાબોલિઝમ બરાબર નથી.
આ સમસ્યા ધરાવતી યુવતીઓએ બાળકનું પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.
જીવનભર ઍક્ટિવ લાઇફસ્ટાઇલ અને એક્સરસાઇઝને મહત્ત્વ આપીને હેલ્ધી લાઇફસ્ટાઇલ કેળવવી મસ્ટ છે.


