જો દવા દર્દીની તાસીરને બંધબેસતી ન હોય એટલે નૅચરલી આડઅસર થાય અને એમાં ઇમર્જન્સી આવી શકે
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક વડીલ મિત્રને ઇમર્જન્સીમાં દાખલ કર્યા એટલે તેમને મળવા માટે હૉસ્પિટલ ગયો. બ્લડપ્રેશર અચાનક વધી જવાના કારણે તકલીફો ઊભી થઈ હતી. હૉસ્પિટલે એ વડીલ મિત્રનાં સંતાનો, તેમની પુત્રવધૂ અને તેમનાં વાઇફ મળ્યાં અને પછી ડૉક્ટર મળ્યા. એક જ પ્રોફેશનમાં હોવાના કારણે સહજ રીતે જ ઓળખાણ નીકળી ગઈ અને હું ડૉક્ટરની સાથે તેમની ચેમ્બરમાં ગયો. ત્યાં જે વાતની ખબર પડી એ ખરેખર શૉકિંગ હતી. ટ્રીટમેન્ટ કરતા ડૉક્ટરે મને કહ્યું કે એ વડીલ વાયેગ્રા લેતા હતા. શૉકની વાત આ નથી, શૉકની વાત એ છે કે તે વાયેગ્રા ઉપરાંત બીજી પણ કેટલીક એવી મેડિસિન લેતા હતા જે ઇન્ટિમેટ રિલેશનમાં એનર્જી વધારે. આ દવાઓ તેમની તાસીરને બંધબેસતી નહોતી એટલે નૅચરલી આડઅસર થઈ અને એમાં ઇમર્જન્સી આવી ગઈ.
મને એ મેડિસિન જાણવામાં વધારે રસ પડ્યો એટલે થોડી ખણખોદ કરી તો એ વડીલ મિત્રના વૉટ્સઍપમાંથી એક પ્રિસ્ક્રિપ્શન મળ્યું, જેમાં એ તમામ દવાઓ મેન્શન થયેલી હતી. નૅચરલી, ધ્યાન પ્રિસ્ક્રિપ્શન પર લખેલા પેશન્ટના નામ પર ગયું. એ પ્રિસ્ક્રિપ્શન કોઈ અન્ય પેશન્ટનું હતું. હવે પેલા વડીલ મિત્રને ડાયરેક્ટ પૂછ્યું. અફકોર્સ, એકાંતમાં. તેમણે કહ્યું કે એ પ્રિસ્ક્રિપ્શન તેમના મિત્રનું છે. મિત્રને એ દવાઓથી ફાયદો થયો એટલે આ વડીલ મિત્રએ પણ સીધી એ જ દવા લેવાનું શરૂ કરી દીધું હતું.
ADVERTISEMENT
વાત આગળ વધારતાં પહેલાં એક વાત કહું, સેક્સ-પાવર માટે મેડિસિન લેવામાં આવે એમાં કોઈ વાંધો હોઈ જ ન શકે અને જો એક ચોક્કસ ઉંમર પછી સેક્સમાં રુચિ હોય તો બેશક એ લેવી પણ જોઈએ જ, પણ વાત અહીં દવાની નહીં પણ બીજાની મેડિસિન લેવાની છે. આ વાત બિલકુલ અયોગ્ય છે. સેક્સ-પાવર માટે આવતી દવા એ કંઈ ઍનાસિન કે મેટાસિન નથી કે કોઈ પણ લઈ લે તો ચાલે, એની આડઅસર ન હોય. કામોત્તેજના વધારતી દવા પૈકીની મોટા ભાગની મેડિસિન બ્લડપ્રેશર પર અસર કરનારી હોય છે એટલે પર્સનલી ડૉક્ટરને મળીને જ એ દવા લેવી જોઈએ. દરેકને તેના શરીરની સમસ્યા મુજબ દવા સજેસ્ટ કરવામાં આવે છે. માત્ર યારીદોસ્તીમાં પ્રિસ્ક્રિપ્શન મળી જાય તો એનો અર્થ એવો નથી થતો કે એ મેડિસિન લેવાનું શરૂ કરી દેવું. પૈસા બચાવવાના પર્પઝથી પણ એ ન કરવું જોઈએ અને શરમને ધ્યાનમાં રાખીને પણ ન ટાળવું જોઈએ. ઇમર્જન્સી ઊભી થાય અને હેરાન થવું પડે એના કરતાં બહેતર છે કે તમારી તાસીર મુજબ તમને દવા આપવામાં આવે એ રસ્તે ચાલવું.
(ડૉ. મુકુલ ચોકસી સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને કવિ છે.)

