જીવનમાં રંગ જરૂરી છે એ વાત સાચી, પરંતુ આજકાલ હેલ્થ અને વેલનેસ ઇન્ડસ્ટ્રી પાણીને રંગીન બનાવી રહી છે. કાળા પાણી પછી હવે લીલું પાણી માર્કેટમાં આવ્યું છે જેને ઘણું હેલ્ધી માનવામાં આવી રહ્યું છે.
લીલું પાણી
આજકાલ સાદું પાણી પૂરતું નથી. હેલ્થ માટે પાણીના રંગો બદલાઈ રહ્યા છે. જીવનમાં રંગ અનિવાર્ય છે એ સમજાય, પરંતુ આજકાલ વેલનેસ ઇન્ડસ્ટ્રી પાણીને રંગીન બનાવી રહી છે. કાળું પાણી પીવાનો ટ્રેન્ડ હજી તો શરૂ થયો છે એની સાથે-સાથે લીલું પાણી પીવાનો ટ્રેન્ડ પણ ઊપડ્યો છે. શાકભાજી લીલી હોય એ બરાબર અને એને લઈને બનાવવામાં આવેલો આપણો ખોરાક લીલો હોય એ પણ બરાબર, પણ લીલું પાણી? શું હોય છે આ પાણીમાં અને ખરેખર એનો શું ઉપયોગ છે એ સમજવાની આજે કોશિશ કરીએ. આપણને વૃક્ષ કે એનાં પાંદડાં કે ઘાસ હંમેશાં લીલા રંગનાં દેખાય છે અને આ લીલા રંગ પાછળ જે દ્રવ્ય મહત્ત્વનું છે એનું નામ છે હરિત દ્રવ્ય કે ક્લોરોફિલ. પાંદડાંઓને ઝાડનું રસોડું કહેવામાં આવે છે, એનું કારણ એ છે કે પાંદડાંમાં રહેલું આ હરિત દ્રવ્ય ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ-સંશ્લેષણનું કામ કરે છે. સૂર્યપ્રકાશની મદદથી એ ઝાડ માટે પોષણ તૈયાર કરે છે. જે દ્રવ્ય ઝાડને પોષણ આપે છે એ દ્રવ્ય આજકાલ વેલનેસ અને
હેલ્થ-ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું પ્રખ્યાત થઈ રહ્યું છે. ખાસ કરીને ક્લોરોફિલના પાણીનો ઉપયોગ ખાસ્સો પ્રખ્યાત થઈ રહ્યો છે.




