મેટાબૉલિક ટ્રીટમેન્ટ દ્વારા મેટાબોલિઝમ સુધારો અને રોગોથી બચો

હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
ગઈ કાલે આપણે જોયું કે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા શું છે. ઘણા લોકોનું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ હોય તો ઘણાનું નબળું. વ્યક્તિનું વજન વ્યવસ્થિત ક્યારે રહે એ સમજવું હોય તો કહી શકાય કે જ્યારે વ્યક્તિ જેટલી એનર્જી પેદા કરે છે એટલી જ એ ખર્ચ કરે તો એનું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ છે એમ કહી શકાય, પરંતુ જ્યારે વ્યક્તિ જેટલી એનર્જી પેદા કરે એના કરતાં ઓછી ખર્ચે અથવા જેટલી ખર્ચ કરતી હોય એના કરતાં વધુ પેદા કરે ત્યારે તકલીફ ઊભી થાય છે અને આ તકલીફ મેટાબોલિઝમની તકલીફ છે જે ધીમે-ધીમે વ્યક્તિને મેટાબૉલિક ડિસીઝ તરફ દોરી જાય છે. વળી આપણે એ પણ જોયું કે મેટાબૉલિક ડિસીઝ પાછળ ફક્ત લાઇફ-સ્ટાઇલ જ જવાબદાર નથી. આજે સમજીએ મેટાબૉલિક ડિસીઝ સામે લડવા માટે કામ આવતી મેટાબૉલિક ટ્રીટમેન્ટ કેટલી ઉપયોગી છે અને એની જરૂર કોને પડે છે.
મેટાબૉલિક ટ્રીટમેન્ટ વિશે સમજતાં પહેલાં એક વસ્તુ સમજવાલાયક એ છે કે જો મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ હોય તો વ્યક્તિને ઓબેસિટી, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ જેવા મેટાબૉલિક ડિસીઝ થાય નહીં. આ મેટાબોલિઝમને એક નૉર્મલ વ્યક્તિ કઈ રીતે સ્ટ્રૉન્ગ રાખી શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં હીરાનંદાની હૉસ્પિટલ-પવઈનાં મેટાબૉલિક અને બૅરિયાટ્રિક સજ્ર્યન ડૉ. જયશ્રી તોડકર કહે છે, ‘મેટાબોલિઝમને સ્ટ્રૉન્ગ બનાવવા માટે વ્યક્તિ પોતાની લાઇફ-સ્ટાઇલ યોગ્ય રાખે એ જરૂરી છે. યોગ્ય ભોજન જેમાં એક મહત્વનું પરિબળ છે જેમાં ખોરાકની પસંદગી યોગ્ય કરવી ખૂબ જરૂરી બાબત છે. એમાં એક સરળ નિયમ છે. જે ખોરાક તમને સંતોષ આપે એ ખોરાક યોગ્ય ખોરાક છે. જ્યારે જે ખોરાક તમને ક્રેવિંગ જગાડે એ ખોરાક યોગ્ય ખોરાક નથી. તમને રોટલી-દાળ-ભાત-શાક ખાવાથી સંતોષ મળે છે જ્યારે સમોસા, ચૉકલેટ, આઇસક્રીમ જેવી વસ્તુઓ ક્રેવિંગ જગાડે છે. આ વસ્તુઓ એવી છે કે તમને ભૂખ લાગી ન હોય તો પણ ખાવાની ઇચ્છા થાય છે જે જતાવે છે કે એ અનહેલ્ધી ખોરાક છે. એ જ રીતે જે કૅલરી શરીરમાં જમા થઈ રહી છે એને યોગ્ય રીતે વાપરવા માટે એક્સરસાઇઝ પણ જરૂરી છે. આ સિવાય પૂરતી ઊંઘ, સ્ટ્રેસનું યોગ્ય મૅનેજમેન્ટ વગેરે બાબતોથી મેટાબોલિઝમને હેલ્ધી રાખી શકાય છે.’
ટ્રીટમેન્ટ કોને જરૂરી?
પરંતુ એક વખત મેટાબોલિઝમ બગડે પછી શું? મેટાબોલિઝમ બગડે એટલે જરૂરી નથી કે તરત જ કોઈ ચિહ્નો સાથે રોગ સામે આવે. ધીમે-ધીમે આ વસ્તુઓ શરીર પર અસર કરતી થાય છે. જે લોકો મેદસ્વી છે એ લોકોને મેટાબૉલિક પ્રૉબ્લેમ છે જ એ સમજી શકાય છે અને ઓબેસિટીને લીધે જે લોકોને મેટાબૉલિક ડિસીઝ છે તેમને પણ મેટાબોલિઝમનો પ્રૉબ્લેમ છે જ. આવા લોકોને મેટાબૉલિક ટ્રીટમેન્ટની જરૂર રહે છે. જોકે આ ટ્રીટમેન્ટ કોને ઉપયોગી થઈ શકે છે એ સમજાવતાં ડૉ. જયશ્રી તોડકર કહે છે, ‘ઓબેસિટી માપવાનો જે એકમ છે એ બૉડી માસ ઇન્ડેક્સ (BMI) છે જે વ્યક્તિની ઉંમર, હાઇટ અને જાતિ એટલે કે સ્ત્રી છે કે પુરુષ એ મુજબ માપવામાં આવતી હોય છે. જો BMI પચીસથી નીચે હોય તો એ વ્યક્તિને હેલ્ધી માનવામાં આવે છે. આ જ આંકડો પચીસથી ૨૯.૯ સુધી લંબાય ત્યારે વ્યક્તિને ઓવરવેઇટ માનવામાં આવે છે. ૩૦ની ઉપર આંક જાય તો એ ગ્રેડ ૧ અને ૩૫થી ઉપર આ આંક જાય તો એ ગ્રેડ ૨ ઓબેસિટી અને ૪૦થી ઉપર આંક જાય તો એને ગ્રેડ ૩ ઓબેસિટી તરીકે ઓળખાય છે. ઓબેસિટીનું આ દરેક સ્ટેજ જુદું છે. દરેક સ્ટેજનો ઇલાજ પણ જુદો છે. જે લોકો ઓવરવેઇટ છે અને જે લોકોને ટાઇપ-૧ ઓબેસિટી છે એ બન્નેને મેટાબૉલિક ટ્રીટમેન્ટ ચોક્કસ કામ લાગી શકે છે. જે લોકોને ટાઇપ-૨ પ્રકારની ઓબેસિટી છે એ લોકોમાં ફક્ત ઓબેસિટી જ હોય અને ડાયાબિટીઝ કે હાર્ટ-ડિસીઝ પ્રકારનાં બીજાં કોઈ કૉમ્પ્લીકેશન્સ ન હોય તો તેમને પણ મેટાબૉલિક ટ્રીટમેન્ટ કામ લાગી શકે છે, પરંતુ જેમને રોગ છે એવા અને ટાઇપ-૩ ઓબેસિટીના દરદીઓને આ ટ્રીટમેન્ટથી જરૂરી રિઝલ્ટ નથી મળતાં. તેમને બૅરિયાટ્રિક સર્જરી કરાવવી જ પડે છે.’
શું છે આ ટ્રીટમેન્ટ?
હવે સમજો કે તમારો BMI વધારે છે અને તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તે તમને મેટાબૉલિક ટ્રીટમેન્ટ ચાલુ કરે તો આ ટ્રીટમેન્ટ અંતર્ગત શું-શું ધ્યાન રાખવામાં આવે છે એ સમજાવતાં ડૉ. જયશ્રી તોડકર કહે છે, ‘પહેલાં તો એ જોવામાં આવે છે કે વ્યક્તિના શરીરની પ્રકૃતિ કેવી છે, એના શરીરની જરૂરત શું છે, એનું રૂટીન કેવું છે અને એ પ્રમાણે એની લાઇફ-સ્ટાઇલ કેવી છે એ બધું જ ચકાસ્યા પછી જરૂરી ટેસ્ટ કરાવી એ પણ જાણવામાં આવે છે કે એનામાં કોઈ વિટામિનની ખામી તો નથી, એના શરીરમાં બીજા કોઈ છૂપા રોગો તો નથી. એના મેટાબોલિઝમમાં કયાં કારણોસર પ્રૉબ્લેમ્સ દેખાઈ રહ્યા છે એ પણ જોવામાં આવે છે. આ બધું જોઈને એને અનુકૂળ હોય એવી ડાયટ આપવામાં આવે છે. એનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સુધરે અને મસલ્સ સારા બને એ માટે અમુક પ્રકારની એક્સરસાઇઝ પણ કરવાનું કહેવામાં આવે છે. આ સિવાય મેટાબોલિઝમને સ્ટ્રૉન્ગ કરવા વ્યક્તિને અમુક પ્રકારની મેડિસિન પણ આપવામાં આવે છે અને ખાસ તો એનાં વ્યસનો જેમ કે સ્મોકિંગ કે ડ્રિન્કિંગથી ફરજિયાત એને છોડાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ દરદીની જરૂરિયાત અનુસાર તૈયાર કરીને આપવામાં આવે છે, જેને લીધે વ્યક્તિના શરીર પર એ મહત્તમ અસર કરી શકે.’
જીવનભર પાલન
આ ટ્રીટમેન્ટ અને વ્યક્તિ પોતાની રીતે ડાયટ-એક્સરસાઇઝ કરે એમાં શું ફરક છે એ સવાલ કોઈને થાય તો એના જવાબમાં એટલું કહી શકાય કે આ ટ્રીટમેન્ટ એક સાબિત થયેલી સાયન્ટિફિક ટેક્નિક છે જેના વડે ડૉક્ટર ફક્ત તમારું વજન નથી ઉતારતા, પરંતુ તમને જે રીતે એ વજન ઉતારવાની જરૂર છે એ જ યોગ્ય રીતથી વજન ઉતારવામાં આવે છે. ઘણા લોકોના અનુભવ હોય છે કે એક પ્રકારની ડાયટ એક વ્યક્તિ પર જે અસર કરતી હોય છે એ જ ડાયટ બીજી વ્યક્તિ પર અસર નથી કરતી હોતી. ઘણા લોકો ફક્ત જિમની એક્સરસાઇઝ વડે જ ફાયદો મેળવતા હોય છે તો ઘણા લોકો યોગની મદદથી. દરેકનું શરીર જુદું છે અને દરેક વ્યક્તિના મેટાબોલિઝમ સાથે થતી તકલીફ પણ જુદી છે માટે એ તકલીફનો ઉપચાર પણ જુદો જ હોઈ શકે, એક નથી હોતો. આ ઉપરાંત એક તાકીદ કરતાં ડૉ. જયશ્રી તોડકર કહે છે, ‘આ ટ્રીટમેન્ટ એક વાર લીધી અને જિંદગીભરની નિરાંત એવું બિલકુલ માની લેવા જેવું નથી. આ ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે વ્યક્તિને એક હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવવાની ટેવ પાડવામાં આવે છે જે ટેવ એણે જીવનભર માટે અપનાવવી જરૂરી છે. જો વ્યક્તિ એની લાઇફ-સ્ટાઇલ સાથે ચેડાં કરે તો એ ફરી એનું મેટાબોલિઝમ ખરાબ કરે છે અને એને લીધે ફરી એ મેટાબોલિક ડિસીઝનો ભોગ બની શકે છે.’
હેલ્થ-ડિક્શનરી
વૅક્સિન શું છે અને શરીરને રોગ સામે રક્ષણ કેવી રીતે આપે?
બાળકના જન્મના પહેલા દિવસથી લઈને લગભગ પ્રથમ પાંચ વર્ષ દરમ્યાન ઘણાબધા રોગોની વૅક્સિન આપવાની હોય છે. આ વૅક્સિન શરીરને જે-તે રોગ સામે રક્ષણ આપે છે. મોંએથી આપવાની હોય કે ઇન્જેક્શનરૂપે એવી તો કઈ દવા અપાય છે જેનાથી ચોક્કસ રોગોનું નિવારણ થઈ શકે છે એ સમજવું હોય તો વૅક્સિન કઈ રીતે કામ કરે એ જાણીએ.
શરીરમાં નૉર્મલ પ્રક્રિયા સિવાયનો કોઈ પણ ચેન્જ થાય એટલે તરત જ આપણી ઇમ્યુન સિસ્ટમમાં હાઈ અલર્ટ થઈ જાય. આપણી ઇમ્યુન સિસ્ટમમાં એવાં હજારો પ્રકારનાં એન્જિન છે જે બહારથી ઘૂસી આવેલા કોઈ પણ બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસ કે અન્ય ફૉરેન કેમિકલને નાથીને શરીરને રોગમુક્ત રાખે છે. વૅક્સિનથી જે-તે રોગ સામેની શરીરની રોગપ્રતિકારક ક્ષમતા કેળવાય છે. એને કારણે ભૂલેચૂકે પણ જે-તે રોગનો હુમલો કરતા જીવો શરીરમાં પ્રવેશે કે તરત જ આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ જ એનો ખાતમો કરીને મારી ભગાડે. રોગનાં કોઈ લક્ષણો દેખાયા વિના જ.
વૅક્સિન દરમ્યાન મોટા ભાગે જે-તે રોગનાં જ અત્યંત નબળાં અને લગભગ મૃતપ્રાય થઈ ચૂકેલાં જંતુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ જંતુઓ સશક્ત અને તંદુરસ્ત ન હોવાથી રોગ પેદા કરી શકતાં નથી, પણ શરીરને આ પ્રકારના કોષો પેદા થાય તો કેવી રીતે એનો ખાતમો બોલાવવો અને એ માટે કેવાં ઍન્ટિબૉડીઝ પેદા કરવાં એની તાલીમ મળી જાય છે. મતલબ કે વૅક્સિન આપીને આપણે શરીરમાં જે-તે રોગનાં ઍન્ટિબૉડીઝ પહેલેથી જ પેદા કરી નાખીએ છીએ જેને કારણે ભવિષ્યમાં ક્યારેય પણ એ રોગનાં સશક્ત જંતુઓ શરીર પર પ્રભાવ કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ પહેલાં જ ઇમ્યુન સિસ્ટમ એનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર હોય.
