આમ તો દરેક વ્યક્તિનું શરીર અને તેની શક્તિ તથા જરૂરિયાત જુદી-જુદી હોય છે. કોઈ વ્યક્તિ ૭૦ વર્ષે મૅરથૉન દોડતી હોય છે તો કોઈ વ્યક્તિને ૬૦ વર્ષે બન્ને પગના ઘૂંટણ સાવ ઘસાઈ ગયા હોય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
આમ તો દરેક વ્યક્તિનું શરીર અને તેની શક્તિ તથા જરૂરિયાત જુદી-જુદી હોય છે. કોઈ વ્યક્તિ ૭૦ વર્ષે મૅરથૉન દોડતી હોય છે તો કોઈ વ્યક્તિને ૬૦ વર્ષે બન્ને પગના ઘૂંટણ સાવ ઘસાઈ ગયા હોય છે. ઉંમરલાયક લોકો માટે વૉકિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે એ વાત સાચી, પણ સ્ટેપ્સ નિર્ધારિત કરવાં શા માટે જરૂરી છે એ સમજવું જરૂરી છે. સ્ટેપ્સ એક પૅરામીટર છે જેનાથી વ્યક્તિને મોટિવેશન મળે છે. એનાથી વિશેષ એ કશું નથી. એક્સરસાઇઝનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે આજે તમે જેટલી એક્સરસાઇઝ કરી એનાથી કાલે તમારે થોડી વધુ કરવાની અને ધીમે-ધીમે પ્રોગ્રેસ કરતા જવાનું. થાય છે એવું કે વડીલો આ વૉકથી ટેવાઈ જાય છે અને પ્રોગ્રેસ અટકાવી દે છે. આમ સતત પ્રોગ્રેસ માટે સ્ટેપ્સનું માપ મદદ કરે છે.
દરેક શરીરના ફાયદાની પણ એક હદ હોય છે. વૉકિંગથી તમને કેટલો ફાયદો થાય એની મૅક્સિમમ હદ ઘણા વૈજ્ઞાનિકોએ નક્કી કરી લીધી. એક મહત્ત્વના રિસર્ચ મુજબ તમે ૮૦૦૦ સ્ટેપ્સ ચાલો કે ૯૦૦૦, ફાયદાઓમાં ખાસ ફરક નથી હોવાનો. જોકે એનો અર્થ એ નથી કે તમારે ૮૦૦૦ સ્ટેપ્સ પર રોકાઈ જવું. પ્રોગ્રેસ એક એવી બાબત છે જેને એકદમ માપી શકાતી નથી, પરંતુ એ શરીરમાં દેખાય છે. જો તમે ૮૦૦૦ સ્ટેપ્સને બદલે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલશો તો તમને કોઈ ફાયદો નહીં જ થાય એવું ન કહી શકાય. સ્ટ્રેન્થ તો વધશે જ. હા, એવું વિચારી શકાય કે વૉકિંગમાં જો તમે ૬૦૦૦-૮૦૦૦ સ્ટેપ્સ સરળતાથી ચાલતા હો તો ફક્ત સ્ટેપ્સ વધારવા કરતાં કોઈ બીજા ફૉર્મની એક્સરસાઇઝ સાથે શરૂ કરો જેથી શરીરને વધુ ફાયદો થાય.
ઘણા લોકો એવું પણ માને છે કે વધુ સ્ટેપથી નુકસાન થાય, પરંતુ એવું નથી. આ સૌથી સેફ એક્સરસાઇઝ છે. જો તમે હાર્ટના દરદી હો કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર હોય તો ઊલટું
તમને વધુ ફાયદો થાય. આમ નુકસાન થશે એવું માનીને ૮૦૦૦એ અટકી જવું એવું નથી હોતું. જ્યારે પણ તમે વૉકિંગ કરો છો ત્યારે મહત્ત્વનું એ છે કે તમે વધુ પડતા થાકી ન જાઓ, તમારા સ્નાયુઓ ખૂબ દુખે નહીં અને ઘૂંટણ પર વધુ પડતું જોર પડે નહીં. એ માટે વૉકિંગ શરૂ જ જો તમે કરતા હો તો ૧૦-૧૫ મિનિટથી પણ શરૂઆત કરો એ ખોટું નથી. એક્સરસાઇઝ શરીરને કસવા માટે છે, પનિશમેન્ટ આપવા માટે નહીં. એક્સરસાઇઝ કર્યા પછી તમને ફ્રેશ લાગવું જોઈએ, મજા આવવી જોઈએ. આમ ધીમે-ધીમે સ્ટૅમિના વધારવો. આજે ૩૦૦૦ સ્ટેપ્સ ચાલ્યા હો તો કાલે ૩૫૦૦ ટ્રાય કરવાં. આમ શરીરને નુકસાન નહીં થાય.
