આ પ્રકારની ફીલિંગને ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ કહેવાય છે. લોકોને તો લાગે છે કે તમે સફળ છો, પણ તમને લાગે છે કે તમે આ સફળતા ડિઝર્વ નથી કરતા.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
હાલમાં સોશ્યલ મીડિયા પર શૌર્ય શાહ નામના ડિજિટલ ક્રીએટર અને એક બ્યુટી-કૅર બ્રૅન્ડના માલિકે પોતાની એક વાત વહેતી કરી જેમાં તેમણે કહ્યું કે તેમણે ૨૦ વર્ષની ઉંમરે જ્યારે ફૅમિલી-બિઝનેસ જૉઇન કર્યો અને પહેલા દિવસે તે જ્યારે ઑફિસ ગયા ત્યાં બધા તેમને જે રીતે સર-સર કહીને બોલાવતા હતા એથી તેઓ થોડા ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે આ જે માન-પાન મળી રહ્યાં છે એને તે લાયક નથી. તેમને લાગ્યું કે જો હું બૉસ છું તો મને બધું આવડવું જોઈએ; પણ મને સહજ રીતે બધું આવડતું નથી, મારે શીખવું હતું, સવાલ પૂછવા હતા પણ એવું કશું જ શક્ય નહોતું. આ ડરને કારણે તેઓ ઑફિસથી દૂર ભાગવા લાગ્યા. કેટલાંય અઠવાડિયાં નહીં, કેટલાય મહિના તેઓ કામથી દૂર જ રહ્યા. તેમણે કબૂલ્યું કે તેમને ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ હતો જેમાં તમારી ખુદની સક્સેસ તમારી નથી લાગતી. ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ એક સાઇકોલૉજિકલ પૅટર્ન છે જેમાં વ્યક્તિને લાગે છે કે હું સક્સેસફુલ છું પણ ખરેખર તો હું એ સક્સેસ ડિઝર્વ જ નથી કરતી. ક્યાંક આ વાત લોકોને ખબર પડી જશે તો મારું શું થશે એટલે હું પકડાઈ ન જાઉં એનો ડર તેમને સતત લાગતો રહે છે. વ્યક્તિ એવું માને છે કે તેનામાં કોઈ ટૅલન્ટ નથી, ભલે લોકોને લાગે છે કે તેનામાં ટૅલન્ટ છે. આવું સતત ફીલ થયા કરે જેને લીધે તમે કામ નથી કરી શકતા. આમ તો આ ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ કોઈને પણ થઈ શકે છે, પણ આજે વાત કરીએ શૌર્ય શાહની જેમ બાપ-દાદાના બિઝનેસને જૉઇન કરનારી નવી પેઢી વિશે, જે ક્યારેક ને ક્યારેક ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ અનુભવતી હોય છે.
શું આ પ્રકારે અનુભવવું સહજ છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં બિઝનેસ-કોચ અરુણા ગોયલ કહે છે, ‘બાપ-દાદા અઢળક સફળતા કમાઈને બેઠા હોય ત્યારે આવું થવું નવી પેઢી માટે સહજ છે. બાપ-દાદામાં આત્મવિશ્વાસ હતો કારણ કે તેમણે પહેલેથી બધું ખુદ જ કર્યું હતું, પણ નવી જનરેશન માટે બધું નવું છે. તેમણે કર્યું નથી એટલે આત્મવિશ્વાસ ક્યાંથી આવે? ઊલટું જે લોકો વધુપડતો આત્મવિશ્વાસ ધરાવે છે તેમને વધુ સહન કરવું પડે છે. જોકે તકલીફ ત્યાં આવે છે જ્યારે એક ડિસકનેક્ટ ફીલ થાય. આ કામ હું કરી નહીં શકું એવી હીનતા લાગવા માંડે. ત્યારે સૌથી મોટું નુકસાન એ થાય છે કે નવી પેઢી બિઝનેસ છોડી દે છે. આ ન થવું જોઈએ.’
નુકસાન
જે સફળ બિઝનેસ-પરિવારો છે તેમની એક પોતાની જર્ની હોય છે. જે રીતે પરિવારની જૂની પેઢીઓએ અખૂટ મહેનત કરી, હિંમત કરી અને ઝીરોમાંથી આખું એમ્પાયર ખડું કર્યું એ આખી સક્સેસ-સ્ટોરીઝ ઘણી જ પ્રેરણાદાયક હોય છે. તેમના કામનાં અને નામનાં ઢોલ-નગારાં વાગતાં જ રહે છે. લોકો તેમનાથી ઘણા પ્રેરાઈને કામ કરતા હોય છે, પણ એ જ ઘરની નવી પેઢી માટે એ ઝીરોમાંથી ખડું થયેલું એમ્પાયર સંભાળવું સહેલું તો નથી. એ વિશે વાત કરતાં ફૅમિલી-બિઝનેસ ઍડ્વાઇઝરી કંપની ઇક્વેશનનાં ડિરેક્ટર ડૉ. મીતા દીક્ષિત કહે છે, ‘નવી પેઢી ખુદને સક્સેસર નહીં, પ્રમોટર તરીકે ઓળખાવે છે. આ જે બિઝનેસ ઊભો કર્યો છે એ તેમના વડીલોએ કર્યો છે. તે પોતે તો ફક્ત એને ચલાવી રહ્યા છે કે એને આગળ ધપાવી રહ્યા છે એવી ભાવના સાથે તેઓ કામ કરી રહ્યા છે. એ એક રીતે જોઈએ તો એ યોગ્ય નથી. આ રીતે તે બિઝનેસને ક્યારેય પોતાનો માનશે નહીં. જ્યારે પોતાનો નહીં માને તો ખંત સાથે ૧૦૦ ટકા આપીને કામ થશે નહીં. આ બિઝનેસ અને વ્યક્તિ બન્ને માટે નુકસાનકારક છે.’
આવું થાય ક્યારે?
ક્યારે નવી પેઢીને તેમનો બિઝનેસ ખુદનો નથી પણ બાપ-દાદાનો છે એમ લાગે? આ સક્સેસ સાથે ક્યારે તેમને દૂરી લાગવા લાગે? એનો જવાબ આપતાં ડૉ. મીતા દીક્ષિત કહે છે, ‘એનાં જુદાં-જુદાં કારણો હોઈ શકે છે. પહેલું એ કે નાનપણથી તમે તમારા બાળકને તમારા બિઝનેસ સાથે જોડ્યું જ નથી. મોટા ભાગના બુદ્ધિમાન લોકો બાળકોને બિઝનેસની વાતો ઘરે આવીને કહેતા હોય છે, તેમનો મત માગતા હોય, બાળકો ફ્રી થાય એટલે તેમને એમ જ કામ પર લઈ જાય. પહેલેથી બાળકના મનમાં એ સ્થાપવામાં આવે કે બેટા, આ આપણો બિઝનેસ છે. તો તેના મનમાં એ પોતીકાપણું આવે એ ખૂબ જરૂરી છે. આજે એવું થઈ ગયું છે કે માતા-પિતા કહે છે કે તને જે ભણવું હોય એ ભણ અને એના માટે જ્યાં જવું હોય ત્યાં જા. તેમને એવું છે કે એ ભણીને આવશે પછી બિઝનેસ સંભાળી લેશે, પણ એવું થતું નથી. દુનિયા જોઈને આવ્યા પછી બાળકનું વિઝન કંઈક બદલાય જાય છે. બહાર જાય અને વિઝન મોટું કરે એની ના નહીં, પણ જો એ પૂરી રીતે મનમાં સ્થાપેલું હોય કે આ બિઝનેસને ભૂલીને આગળ વધવાનું નથી, તો સારું પડે. ઘણા એવા છે કે જૉઇન તો કરી લે છે, પણ પરાણે. તેમનું મન જૂના બિઝનેસમાં લાગતું નથી. પછી એવું લાગે છે કે આ સક્સેસ મારી નથી, આ બિઝનેસ મારો નથી, અહીં કશું મારું નથી.’
જૂની પેઢીનો ઈગો
આવું થવા પાછળ એક બીજું મહત્ત્વનું કારણ છે જૂની પેઢીનું ‘મેં’. આ વાત સ્પષ્ટ કરતાં ડૉ. મીતા દીક્ષિત કહે છે, ‘વડીલોએ ઘણાં કષ્ટ વેઠીને બિઝનેસ ઊભો કર્યો એની ના નહીં, પણ એને કારણે ‘મેં’ કર્યું, ‘મેં’ કર્યું કર્યા કરે તો નવી પેઢીને ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ અનુભવાય. આવા વડીલો નવી પેઢીને બિલકુલ ફ્રીડમ આપતા નથી. તેમને તેમની રીતે કરવા દેતા નથી. એટલે એમ લાગે કે અમે કંઈ કરવાને લાયક નથી કે શું? કેમ વડીલો અમારા પર ભરોસો કરતા નથી? વળી જૂની પેઢીના લોકો સતત નવા આઇડિયાઝને, નવી વાતને રિજેક્ટ જ કર્યા કરે તો નવી પેઢી આગળ નહીં વધી શકે. એ સમજવું જરૂરી છે કે તમારે નવી પેઢીને ગાઇડન્સ આપવાનું છે, જોહુકમી કરવાની નથી. આ રીતે નવી પેઢીને તમારો બિઝનેસ પોતાનો ક્યારેય નહીં લાગે. જો વડીલને લાગે કે નવી પેઢી ભૂલ કરી રહી છે તો તેને આગાહ કરો, પણ નિર્ણય લેવાની છેલ્લી તક તેની પાસે જ હોવી જોઈએ. તે ભૂલો કરે તો કરવા દો. એ રીતે તે ઘણું શીખશે. સામે પક્ષે નવી પેઢી પણ એવી છે કે શરૂઆત ઓવર-કૉન્ફિડન્સથી કરે છે કે તે બધું જ કરી શકે એમ છે અને પછી થોડીક મુશ્કેલી આવશે તો પાણીમાં બેસી જશે કે મારાથી તો કંઈ થાય એમ નથી. આવું ન હોવું જોઈએ. આ બન્ને પરિસ્થિતિ અંતિમવાદ સૂચવે છે. તમારે એમાં બૅલૅન્સ સાધવાનું છે.’
પહેલાં ખુદ સાથે જોડો
માતા-પિતા કે ઘરના વડીલો સાથે બાળકના કેવા સંબંધો છે એના પર પણ ઘણુંબધું નિર્ભર કરે છે. આ વાત ઉદાહરણ સાથે સમજાવતાં અરુણા ગોયલ કહે છે, ‘ઘણાં બાળકોને પોતાના પિતા સાથે સ્ટ્રૉન્ગ સંબંધ નથી હોતો. ઘણાને એક નફરત પણ હોય છે. આ પરિસ્થિતિમાં પિતા જે બિઝનેસ કરે છે એ તેમને નથી કરવો હોતો. એ જરૂરી છે કે બાળકો સાથે માતા-પિતાનો સ્ટ્રૉન્ગ બૉન્ડ હોય. કોઈ પણ બાળક પાસે તમે ફરજિયાત ફૅમિલી-બિઝનેસ નહીં કરાવડાવી શકો. થોડા દિવસ તે કરશે, પછી મૂકી દેશે.
બાળકને બિઝનેસ સાથે જોડતાં પહેલાં તમારી સાથે તમે જોડ્યું હશે તો તે દુનિયાના કોઈ પણ ખૂણેથી ખુશી-ખુશી તમારો બિઝનેસ આગળ ધપાવવા બધું છોડીને આવશે. હું એવા લોકોને ઓળખું છું જેમણે આવું કરી બતાવ્યું છે. ઘણી વાર બિઝનેસથી બાળક એટલે ભાગતો હોય છે કારણ કે તે તમારાથી દૂર ભાગવા માગે છે.’
આ પ્રકારની ફીલિંગને ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ કહેવાય છે. લોકોને તો લાગે છે કે તમે સફળ છો, પણ તમને લાગે છે કે તમે આ સફળતા ડિઝર્વ નથી કરતા. જે લોકો ફૅમિલી-બિઝનેસમાં જોડાય છે એવા ઘણા લોકોને શરૂઆતમાં આ પ્રકારની ફીલિંગ થતી હોય છે. એને કારણે તેઓ બિઝનેસથી દૂર થતા જાય છે, જે તેમના અને બિઝનેસ બન્ને માટે નુકસાનકારક છે. આવું કેમ થાય છે એની પાછળનાં કારણોને ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ.
કયા પ્રકારના વર્તનથી ખબર પડે કે તમને ઇમ્પોસ્ટર સિન્ડ્રૉમ છે?
તમને ખુદની ક્ષમતા પર શંકા હોય.
તમને અસુરક્ષા લાગતી હોય.
કોઈ પણ બાહ્ય પરિબળને તમે ક્રેડિટ આપો છો. જેમ કે નસીબ કે વારસો.
તકથી તમે ગભરાઓ છો. તકને ઝડપી લેવાને બદલે એનાથી દૂર ભાગો છો.
તમે વધુપડતા પર્ફેક્શનમાં માનો છો અને ખુદને સાબિત કરવા માટે વધુપડતું કામ કર્યા જ કરો છો.
કોઈ તમને હકારાત્મક ફીડબૅક પણ આપે તો તમે એને નકારી કાઢો છો, સ્વીકારતા નથી.
ખુદની નાની ભૂલોને પણ તમે ખુદ મન પર લઈ લો છો.


