° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


ઉપવાસમાં સૂરણ ખાશો તો ઔષધ બનશે

09 August, 2022 06:05 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

શ્રાવણમાં એકટાણાં કે વ્રતોના ફાસ્ટિંગ દરમ્યાન બેફામ બટાટા ખાવામાં આવે તો એ ફાયદાને બદલે નુકસાન કરે છે, પણ જો તમે આ કંદ ખાશો તો એ બહેનોની હૉર્મોનલ સમસ્યાઓમાં સંતુલન લાવશે

ઉપવાસમાં સૂરણ ખાશો તો ઔષધ બનશે હેલ્થ ઇઝ વેલ્થ

ઉપવાસમાં સૂરણ ખાશો તો ઔષધ બનશે

વ્રતો, તહેવારો અને ઉપવાસની સીઝન ચાલી રહી છે ત્યારે બટાટા અને સૂરણ જેવાં કંદનો ઉપયોગ વધુ થાય એ સ્વાભાવિક છે. એમાંય બટાટા તો આપણું રોજિંદું અને મનગમતું શાક છે જેને આપણે દરેક શાકમાં પણ ઉમેરીએ છીએ. ફરાળી વાનગીઓમાં બટાટા બહુ જ છૂટથી વપરાય છે. ચિપ્સ, શાક, ચેવડો, વડાં, પૅટીસ એમ જાતજાતની ડિશીઝમાં બટાટાનું પ્રાધાન્ય રહે છે. બહુબધા બટાટા ખાધા પછી પણ ઝટપટ ભૂખ લાગતી હોવાથી ફરીથી કંઈક ખાવાની ઇચ્છા થયા જ કરે છે. એને કારણે વધારે કૅલરી પેટમાં જાય, બટાટા ગૅસ કરે, વજન વધારે અને ફાયદા કરતાં વધુ નુકસાન થાય. જોકે એને બદલે સૂરણ વાપરવામાં આવે તો એ તમને હેલ્થના બીજા બેનિફિટ્સ પણ આપે છે. એમાંય તાજેતરમાં ઑબેસિટી પર કાબૂ મેળવવા પર અભ્યાસ કરનારા કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના કેટલાક રિસર્ચરોએ એલિફન્ટ ફૂટ યમ એટલે કે સૂરણમાં ખાસ પ્રકારનાં ફ્લેવેનૉઇડ્સ હોવાનું નોંધ્યું છે જે મોટાપાને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે. સૂરણમાં કેટલાંક ઍન્ટિ-કોઍગ્યુલન્ટ કેમિકલ્સ છે. ઍન્ટિ-કોઍગ્યુલન્ટ એટલે કે લોહીને જાડું થતું અટકાવતા કેમિકલ્સ. જોકે આ વાત ખાસ નવી નથી. આયુર્વેદમાં પણ સૂરણને મેદ ઘટાડનારું ગણાવાયું છે મેદ ઘટાડનારું ગણાવ્યું છે એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. વિનય સિંહ કહે છે, ‘આપણા શરીરમાં સાત ધાતુઓ હોય છે અને એમાં સૂરણ મેદ ધાતુની શુદ્ધિનું કામ કરે છે. એને સાદી ભાષામાં સમજીએ તો સૂરણ શરીરમાં રહેલા કૉલેસ્ટરોલને ખોતરીને ઘટાડે છે. વિવિધ ચરબીઓને કારણે જાડું થયેલું લોહી પાતળું રહે એ માટે પણ સૂરણ કામ કરે છે.’

બહેનો માટે વરદાનરૂપ

પિરિયડ્સની પીડા વધુ થતી હોય, મેનોપૉઝની શરૂઆત હોય, પ્રી કે પોસ્ટ મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમને કારણે અનઇઝીનેસ રહ્યા કરતી હોય એમાં પણ સૂરણ સારું છે એની વાત કરતાં ડૉ. વિનય સિંહ કહે છે, ‘સૂરણથી અંતઃસ્ત્રાવી સંતુલન જળવાય છે. બહેનોએ આ લાભ મેળવવા માટે સૂરણને ઘી સાથે લેવું. ઘીમાં ધીમા તાપે સાંતળીને એનું સેવન કરવામાં આવે તો એનાથી મૂડસ્વિંગ્સ સહિત હૉર્મોનલ અસંતુલનના લક્ષણોમાં રાહત મળે છે. એ ઉપરાંત સાંધામાં જકડાહટ હોય, સોજો આવ્યો હોય, દુખાવો થતો હોય અને જોઇન્ટ્સ સ્ટિફ થઈને વંકાઈ જવાના આરે હોય ત્યારે પણ સૂરણ કામનું છે. સૂરણના શાકનું ભોજનમાં સેવન કરવું તેમ જ બાફેલું અથવા તો ભૂંજેલું સૂરણ કોકરવરણું ગરમ રાખીને અસરગ્રસ્ત સાંધા પર શેકવાથી સાંધાનો તીક્ષ્ણ દુખાવો ઘટે છે.’

હરસ અને મસામાં અકસીર 

મોટા ભાગે અપચન અને કબજિયાતને કારણે માંસ અને મેદ ધાતુ બગડે છે અને મળદ્વારમાં હરસ અને મસાની સમસ્યા પેદા થાય છે. ડૉ. વિનય કહે છે, ‘સૂરણ અગ્નિવર્ધક હોવાથી પાચન સુધારે છે. એમાં સ્ટાર્ચ સારીએવી માત્રામાં છે, પણ એ બટાટાની સરખામણીએ ધીમે-ધીમે લોહીમાં એનર્જીરૂપે રૂપાંતરિત થતું હોવાથી લાંબો સમય શરીરને એનર્જી આપે છે. એ પચવામાં ભારે છે અને ગરમ હોવાથી ગાયના ઘી સાથે એનું સેવન કરવામાં આવે એ જરૂરી છે.’

કેવી રીતે લેવું?

કબજિયાત અને અપચનની તકલીફ રહેતી હોય અથવા તો ઉપવાસ કરવાના હોય ત્યારે રોજ સવાર-સાંજ સૂરણને ઘીમાં તળીને સિંધવ નમક અને કાળાં મરી છાંટીને લેવું જોઈએ. એ આહાર અને ઔષધ બન્નેનું કામ કરે છે. સૂરણને બરાબર ધોઈ, પતીકાં કાપીને સહેજ પાણીમાં સિંધવ મેળવીને એમાં મૂકી રાખવું જોઈએ. બરાબર ઘસીને સાફ કરેલાં પતીકાંને ગાયના ઘીમાં ડીપ ફ્રાય અથવા તો સાંતળીને પણ લઈ શકાય. સૂરણની સાથે છૂટથી છાશનો વપરાશ કરવાથી પાચન સારું થાય છે. હરસ-મસા ન થયા હોય પણ ક્રોનિક કબજિયાત રહેતી હોય, મળ કાઢવા જોર પડતું હોય અથવા તો ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની સમસ્યા હોય તો હરસના નિવારણ માટે પહેલેથી જ સૂરણ અને છાશનો પ્રયોગ વરસમાં બે વાર આઠથી નવ દિવસ માટે કરવો જોઈએ.’

સૂરણનું ચૂર્ણ પણ વપરાય 

આમ તો સૂરણ બારે માસ મળે છે અને એને સંઘરી રાખવાનું પણ ખૂબ સરળ છે. એ છતાં જેને સૂરણનું શાક તેમ જ એની વાનગીઓ ન ભાવતી હોય તેઓ સૂરણને સૂકવીને એનું ચૂર્ણ બનાવીને રાખી શકે. ઉપરોક્ત સમસ્યાઓમાં છાશ સાથે સૂરણનું ચૂર્ણ લેવાનું ચલણ પણ હવે વધ્યું છે. 

કયું સૂરણ સારું?

આયુર્વેદના આર્યભિષક ગ્રંથમાં સૂરણની બે જાતનો ઉલ્લેખ છે : એક રાતું અને બીજું સફેદ. બહારથી રાખોડિયા કાળા રંગની માટીથી આવરાયેલી સૂરણની ગાંઠને કાપવાથી અંદરનો ગર ફિક્કો સફેદ અથવા તો સહેજ લાલાશ પડતો હોય છે. લાલાશ પડતું સૂરણ જંગલી કહેવાય જેના ઔષધીય ગુણો વધારે હોય છે. આયુર્વેદમાં સૂરણનું બીજું નામ છે અર્શોઘ્ન. સૂરણના સેવનથી લોહી ઝરતા તેમ જ સૂકા બન્ને પ્રકારના હરસ-મસામાં ફાયદો થાય છે. સૂરણ ગુણમાં લૂખું અને ગરમ, રસમાં તૂરું અને તીખું, કફ અને વાત મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ પેદા કરનાર અને યકૃતને સક્રિય કરનાર કહેવાય છે. યકૃત-બરોળના રોગો, સોજો, આમવાત, હાથીપગો, સંધિવાત જેવી સમસ્યાઓમાં એ ફાયદાકારક છે. આયુર્વેદમાં લોહીને પાતળું રાખવા તેમ જ શુદ્ધ કરવા માટે પણ સૂરણ ઔષધ તરીકે વપરાય છે.

09 August, 2022 06:05 PM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

હજી ત્રીસીમાં છું ત્યારે મોતિયો આવી જાય?

ઇલાજ સમજવા માટે તમારે મોતિયાને સમજવો જરૂરી છે

04 October, 2022 05:41 IST | Mumbai | Dr. Himanshu Mehta
હેલ્થ ટિપ્સ

માઇગ્રેન થતું હોય તો સિગારેટની જગ્યાએ શું લઈ શકાય?

ઇમ્બૅલૅન્સ શરીરમાં સર્જાય ત્યારે માઇગ્રેન પ્રકારની તકલીફ આવતી હોય છે એને બૅલૅન્સ કરવા માટે યોગ અત્યંત જરૂરી છે

03 October, 2022 05:06 IST | Mumbai | Dr. Yogita Goradia
હેલ્થ ટિપ્સ

B12ની ઊણપથી પણ એનીમિયા થાય?

એનીમિયાના પણ અલગ-અલગ પ્રકાર હોય છે

30 September, 2022 05:06 IST | Mumbai | Dr. Pankaj Parekh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK