Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જે તમારા હાથમાં નથી એને પણ કન્ટ્રોલ કરવા મથો છો?

જે તમારા હાથમાં નથી એને પણ કન્ટ્રોલ કરવા મથો છો?

Published : 16 September, 2026 06:27 PM | Modified : 16 September, 2026 06:29 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આજની જનરેશન માટે ઓવરથિન્કિંગ એક મોટો પડકાર બની ગયો છે. કરીઅર, રિલેશનશિપ કે ફ્યુચર દરેક બાબતમાં ઝીણામાં ઝીણી વિગતો પર વિચાર કરી-કરીને મનને થકવી નાખવું એ સામાન્ય થઈ ગયું છે. તો ગ્રીક ફિલોસૉફી સ્ટૉઇસિઝમ સમજવાની કોશિશ કરશો તો  જરૂર ફાયદો થશે

સ્ટૉઇસિઝમ

સ્ટૉઇસિઝમ


સૂતા પહેલાં મનમાં વિચાર આવે કે કાલે ઇન્ટરવ્યુ છે અને ત્યાંથી જ વિચારોનો વંટોળ શરૂ થાય છે. જો ઇન્ટરવ્યુ ખરાબ ગયો તો? નોકરી નહીં મળે તો? બીજો ઉમેદવાર મારાથી સારો નીકળ્યો તો? મારી કરીઅરનું શું થશે? હજી તો ઇન્ટરવ્યુ શરૂ પણ નથી થયો, પણ મગજ આવતી કાલના એક ઇન્ટરવ્યુમાંથી સીધું પાંચ વર્ષ આગળ પહોંચીને સંભવિત પરિણામો સામે જાણે અત્યારથી જ લડવા લાગે છે. આ દાખલો દર્શાવે છે કે ઓવરથિન્કિંગ હવે માત્ર વધારે વિચારવાની આદત નથી રહી; જે બન્યું નથી એનાં પરિણામો વિશે ચિંતા કરવી, બીજા લોકો શું વિચારશે એનો ભય રાખવો અને જે બાબતો પોતાના હાથમાં નથી એને પણ કન્ટ્રોલ કરવાની કશમકશ બની ગઈ છે. આ બધું વ્યક્તિને સતત મેન્ટલ અલર્ટ મોડમાં રાખે છે. આ ચિંતા ઊંઘ, ફોકસ, મૂડ અને રોજના કામને પણ અસર કરે છે. આવા સમયે લગભગ ૨૦૦૦ વર્ષ જૂની સ્ટોઇસિઝમ ફિલોસૉફી આજના યુગમાં ખૂબ પ્રાસંગિક લાગે છે. આ ફિલોસૉફી આત્મસંયમ શીખવે છે. અધ્યાત્મમાં એને તિતિક્ષાવાદ તરીકે પરિભાષિત કરવામાં આવી છે. આ બધા ભારેખમ શબ્દોથી ડરવાની જરૂર નથી. સાંપ્રત સમય સાથે સાંકળીને આ ફિલોસૉફી શું છે એ સમજીએ અને એને જીવનમાં કેવી રીતે અપ્લાય કરવી એ જો જાણી લઈએ  તો આપણા જીવનની ઘણીખરી સમસ્યાઓ દૂર તો ન થાય, હળવી જરૂર થઈ જાય. માઇન્ડિંગ માઇન્ડનાં ફાઉન્ડર અને સાઇકોલૉજિસ્ટ કિંજલ જૈન પાસેથી સ્ટોઇસિઝમની આંટીઘૂંટીને એકદમ સરળ ભાષામાં સમજીએ.

સ્ટોઇસિઝમ એટલે?



સ્ટોઇસિઝમ આશરે ૨૦૦૦ વર્ષ જૂની ગ્રીક-રોમન ફિલોસૉફી છે. આ વિચારધારાનો મુખ્ય સિદ્ધાંત એ છે કે આપણે બહારની પરિસ્થિતિઓ કે ઘટનાઓને કન્ટ્રોલ કરી શકતા નથી, પરંતુ એ ઘટનાઓ સામે કેવી પ્રતિક્રિયા આપવી એ આપણા હાથમાં છે. આ ફિલોસૉફી આપણને કાલ્પનિક ચિંતાઓ છોડીને વર્તમાનમાં જીવતાં, પરિસ્થિતિને તટસ્થ રીતે જોતાં અને પોતાના વિચારો તથા વર્તન પર કાબૂ રાખતાં શીખવે છે.


પીત્ઝા ફૉર્મ્યુલા

મન જ્યારે મૂંઝવણમાં હોય અને ઓવરથિન્કિંગ વધવા લાગે ત્યારે પોતાની જાતને એક જ સવાલ પૂછવો કે કઈ વસ્તુ મારા કન્ટ્રોલમાં છે અને કઈ નથી? આને પીત્ઝાના ઉદાહરણથી સમજીએ. જો આખો પીત્ઝા એકસાથે ખાવાનો પ્રયાસ કરશો તો મુશ્કેલી પડશે, પણ જો એની સ્લાઇસ કરી દેશો તો એક સમયે એક ભાગ પર ધ્યાન આપી શકાશે. સમસ્યાઓનું પણ એવું જ છે. આપણે જ્યારે આખી પરિસ્થિતિને એકસાથે કન્ટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે જ ઓવરથિન્કિંગ શરૂ થાય છે. ઇન્ટરવ્યુનું જ ઉદાહરણ લઈએ તો ઇન્ટરવ્યુઅરને તમે ગમશો કે નહીં, કેવા સવાલો પુછાશે, સામેની વ્યક્તિ કેટલું સારું પર્ફોર્મ કરશે આ બધું તમારા સીધા કન્ટ્રોલમાં નથી; પણ તમે કેટલી તૈયારી કરો છો, સમયસર પહોંચો છો, તમારો રેઝ્યુમે કેટલી સારી રીતે તૈયાર કરો છો અને કેટલા અલર્ટ રહો છો એ બધું તમારા હાથમાં છે. જ્યારે કોઈ ચિંતા ઘેરી વળે ત્યારે પૂછો કે શું હું આજે મારી કોઈ ઍક્શનથી આ બાબતને સીધી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકું છું? જો જવાબ હા હોય તો ઍક્શન-પ્લાન બનાવો, જો ના હોય તો એને સ્વીકારીને મગજ સાથે કુશ્તી કરવાનું બંધ કરો.


માઇન્ડનો રિસ્પૉન્સ બદલો

આપણે અનિશ્ચિતતાને ખતરા તરીકે જોઈએ છીએ અને ‘જો આવું થયું તો?’, જો આમ ન થયું તો’ જેવા વિચારોના ચક્રવ્યૂહમાં ફસાયા કરીએ ત્યારે મગજ થાકી જાય છે. સ્ટોઇસિઝમ પરિસ્થિતિને બદલવાને બદલે આપણા દૃષ્ટિકોણને બદલવાની તાકાત આપે છે. ધારો કે પ્રમોશન ન મળ્યું. પહેલો વિચાર આવે કે મારામાં કાબેલિયત જ નથી; પણ બીજો વિચાર એ હોઈ શકે કે નિર્ણય મારા હાથમાં નહોતો, પરંતુ હવે હું સ્કિલ સુધારીને આગળની તક માટે તૈયારી કરી શકું છું. જ્યારે પણ ચિંતા થાય ત્યારે આ ૩ સવાલો જાતને પૂછો. હકીકતમાં શું થયું છે? હું મનમાં કઈ સ્ટોરી બનાવી રહ્યો છું? આની બીજી શક્યતા કે એક્સ્પ્લેનેશન શું હોઈ શકે? આનાથી હકીકત અને ધારણાઓ વચ્ચેનો તફાવત ખબર પડશે.

લાગણી તમારી સ્ટીઅરિંગ ન બને

લાગણીઓને દબાવી દેવી કે મને કોઈ ફરક નથી પડતો એવો ઍટિટ્યુડ રાખવો એ મૅચ્યોરિટી નથી. સાચી ઇમોશનલ મૅચ્યોરિટી એ છે કે લાગણીને ઓળખવી, એને તરત ઍક્શનમાં ફેરવ્યા વગર થોડી સ્પેસ આપવી અને પછી તમારાં મૂલ્યો પ્રમાણે રિસ્પૉન્સ પસંદ કરવો. પરિપક્વ વ્યક્તિને પણ ડર લાગે છે, નિષ્ફળતાનું દુઃખ થાય છે અને ઇનસિક્યૉરિટી પણ અનુભવાય છે. ફરક એટલો જ છે કે તે પોતાની લાગણીઓને વર્તનનું સ્ટીઅરિંગ વ્હીલ નથી સોંપી દેતી, મુશ્કેલી આવ્યા પછી એનો પ્રૅક્ટિકલી સામનો કરીને સૉલ્યુશન કાઢવાની કોશિશ કરે છે.

થિન્કિંગ પ્રોસેસને ચેન્જ કરવાના ગોલ્ડન રૂલ્સ 

હંમેશાં કોઈ પણ કામ કરતી વખતે શું થશે એવું વિચારીને ચિંતા કરવાને બદલે તમારું બેસ્ટ આપીને એ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની કોશિશ કરો. કોઈ બીજી વ્યક્તિનો પ્રતિભાવ પરિણામ કે તમારી જીત કે હાર નક્કી નથી કરતો. મુશ્કેલ સમયે સર્જાતી સ્થિતિ એટલી તકલીફ નથી આપતી જેટલી એના વિશેના વિચારો આપે છે. એથી એના વિશે કાલ્પનિક ચિંતા કરવાનું બંધ કરીને તમારા હાથમાં અત્યારે શું છે એના વિશે વિચાર કરવો વધુ પ્રૅક્ટિકલ અપ્રોચ છે. ભૂતકાળ વિશે વારંવાર વિચાર કરીને સમય અને એનર્જી વ્યર્થ કરવાને બદલે વર્તમાનની ક્ષણ સત્ય છે એ વિચારીને તમારા કામ અને ગોલ્સને અચીવ કરવા પર ફોકસ કરવું જરૂરી છે.

શું તમે ઓવરથિન્કિંગ મોડમાં છો?

કોઈ પણ નાની વાતમાં જો આવું થશે તો?નો વિચાર સૌથી પહેલાં આવે છે.
 કોઈ મિત્ર કે સહકર્મી મેસેજનો જવાબ ન આપે તો મારાથી કઈ ભૂલ થઈ? એવું વિચારવાનું શરૂ થઈ જાય છે.
 રાત્રે સૂતી વખતે ભૂતકાળના બનાવો કે આવતી કાલની ચિંતાઓમાં ઊંઘ ઊડી જાય છે.
 જે બાબતો સંપૂર્ણપણે બીજાના હાથમાં છે - જેમ કે અન્યનું વર્તન - એને બદલવાનો સતત પ્રયાસ કરો છો.

આજે જ અજમાવો

વર્સ્ટ કેસ, બેસ્ટ રિસ્પૉન્સ : મગજ જ્યારે કહે કે જો બધું ખરાબ થઈ ગયું તો? ત્યારે પૂછો કે સૌથી ખરાબમાં ખરાબ શું થઈ શકે? પછી બીજો સવાલ કરજો કે એવું થશે તો હું શું કરીશ? આ એક્સરસાઇઝ મગજને ચિંતા કરવાને બદલે સામનો કરવા તરફ વાળે છે.
ડિસકમ્ફર્ટનો અનુભવ : રોજ એક નાનું ડિસકમ્ફર્ટ આપે એવું કામ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવવામાં મદદ કરે. કોઈની મદદ માગો, ના કહેતાં શીખો, મીટિંગમાં પોતાનો અભિપ્રાય આપો કે ટાળી રહેલું કામ શરૂ કરો. આનાથી મનને અનુભવ થશે કે ડિસકમ્ફર્ટ આવે તો પણ આપણે એને સહન કરી શકીએ છીએ.
નસીબ કે ભાગ્યને પ્રેમ કરો ઃ  એક લૅટિન શબ્દ છે એમોર ફૅટી. એનો અર્થ પોતાના નસીબ કે ભાગ્યને પ્રેમ કરવો થાય છે. એટલે જે બન્યું છે એને જીવનની હકીકત તરીકે સ્વીકારીને એની સાથે આગળ વધવું. સ્ટોઇસિઝમની ફિલોસૉફીમાં આ વિચારનો મતલબ એવો છે કે જીવનમાં જે કંઈ પણ બને છે - સારું કે ખરાબ, સફળતા કે નિષ્ફળતા - એને માત્ર સહન કરવાને બદલે કે એનો વિરોધ કરવાને બદલે એને જીવનનો એક જરૂરી અને ઉપયોગી ભાગ ગણીને સ્વીકારવો. બન્યું છે એને બદલી શકાતું નથી, પરંતુ એને શીખવાની તક તરીકે જોઈને આગળ વધવું એ જ એમોર ફૅટી છે.
આનો અર્થ એ નથી કે આપણે ઍમ્બિશન કે લક્ષ્યો છોડી દેવાં. કરીઅર, સંબંધો કે લક્ષ્યો માટે મહેનત કરવી જ જોઈએ; પણ પરિણામના દરેક વેરિયેબલને કન્ટ્રોલ કરવાની કોશિશ છોડવી પડે. ઘટના બની ગયા પછી આવું મારી સાથે જ કેમ થયું? એવું કહેવાને બદલે હવે જે થયું છે એની સાથે આગળ કઈ રીતે વધી શકું? એનો વિચાર કરવો. તમારું કામ આઉટકમની ગૅરન્ટી મેળવવાનું નથી, તમારું કામ પરિણામને પ્રભાવિત કરી શકે એવા તમારા ભાગના પ્રયાસો શ્રેષ્ઠ રીતે કરવાનું છે. દરેક સમસ્યાનો જવાબ વિચારવામાં નથી હોતો. કેટલીક સમસ્યાનો જવાબ ઍક્શનમાં છે અને કેટલીકનો ઍક્સેપ્ટન્સમાં રહેલો છે. મગજ જ્યારે એમ પૂછે કે આવું થઈ ગયું તો? આવા સમયે તમે સામો સવાલ પૂછો કે જો આવું થાય તો મારા હાથમાં શું રહેશે? એવો સવાલ તમને પ્રૅક્ટિકલ ક્લિયરિટી વધારે આપશે અને ઓવરથિન્કિંગની માયાજાળમાંથી તમને બચાવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 06:29 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK