માસિકની અનિયમિતતા બાબતે ઘણી બધી સ્ત્રીઓને કન્ફ્યુઝન રહેતું હોય છે કે કોને અનિયમિત માસિક કહેવું. મેડિકલ સાયન્સ મુજબ જો માસિક ૨૧ દિવસથી પહેલાં આવી જાય તો ચિંતાનું કારણ કહી શકાય છે. એનાથી મોડું માસિક આવે તો એને અમે નૉર્મલ જ ગણીએ છીએ
પ્રતીકાત્મક તસવીર
હું ૩૬ વર્ષની છું અને છેલ્લા એકાદ વર્ષથી મને પિમ્પલ્સની તકલીફ ચાલુ થઈ છે, જે મને જીવનમાં ક્યારેય ન હતી. એટલું જ નહીં, જ્યારથી શરૂ થયા એ પછી મારું માસિક ક્યારેય અનિયમિત થયું નથી. હંમેશાં દર મહિનાની નિશ્ચિત તારીખે જ મને માસિક આવે. વધુમાં એકાદ દિવસ આગળ-પાછળ થાય, પરંતુ છેલ્લા જૂન મહિનાથી નિશ્ચિત તારીખથી ૩-૩ દિવસ એ આગળ ખસતું જતું હતું અને છેલ્લા ત્રણ વખતથી ૨૬ દિવસની અંદર જ માસિક આવી જઈ રહ્યું છે. એમાં વધુ પડતું બ્લીડિંગ નથી. ૩ દિવસની અંદર જ બધું પતી જાય છે. શું મારે ચિંતાની જરૂર છે? ૨૫-૨૬ દિવસે જો માસિક આવી જાય અને પિમ્પલ્સ પણ થતા હોય તો શું એનો અર્થ એ થાય કે મને કોઈ હૉર્મોનલ પ્રૉબ્લેમ છે? મને એ વાતનું જ કન્ફ્યુઝન છે કે અનિયમિત માસિક કોને કહીશું?
માસિકની અનિયમિતતા બાબતે ઘણી બધી સ્ત્રીઓને કન્ફ્યુઝન રહેતું હોય છે કે કોને અનિયમિત માસિક કહેવું. મેડિકલ સાયન્સ મુજબ જો માસિક ૨૧ દિવસથી પહેલાં આવી જાય તો ચિંતાનું કારણ કહી શકાય છે. એનાથી મોડું માસિક આવે તો એને અમે નૉર્મલ જ ગણીએ છીએ. આ સિવાય જો માસિકમાં બ્લડ ફલો વધુ હોય કે પછી વધુ દિવસ બ્લીડિંગ ચાલે કે એ દરમિયાન વધુ પડતી નબળાઈ તમને આવી ગઈ હોય તો એ ચિંતાનું કારણ હોઈ શકે છે. તમારું માસિક ઘણું જ નિયમિત રહ્યું છે એ સારી બાબત છે, પરંતુ અત્યારે જે નૉર્મલ ઉપર-નીચે થયું છે એમાં ગભરાવા જેવું કઈ જ નથી. ઊલટું સ્ટ્રેસ લેશો તો કદાચ તકલીફ વધે. પિમ્પલ્સ જો હૉર્મોનલ પ્રૉબ્લેમ્સને કારણે થયા હોય તો સામાન્ય રીતે માસિક લંબાઈ જાય. તમારો કેસ સાંભળીને લાગે છે કે આ સામાન્ય શારીરિક બદલાવ છે. બીજું કઈ નથી. શું તમારું વજન ઘટ્યું છે કે પછી તમે નિયમિતપણે એક્સરસાઇઝ કરી રહ્યા છો જે પહેલાં તમે કરતા ન હતા. એને કારણે પણ આ તકલીફ ઊભી થઈ હોય એમ બને. માટે જરૂરી છે કે જીવનમાં શું બદલાવ આવ્યા છે એ બાબતે તમે થોડા જાગ્રત થાવ. જે જરૂરી છે એ ફક્ત જાગૃતિ જ છે. આ સિવાય તમે ઇચ્છો તો થાઇરૉઇડ ટેસ્ટ કરાવી લો. થાઇરૉઇડ સંબંધિત તકલીફને કારણે પણ સામાન્ય અનિયમિતતા આવી શકે. આગલા ત્રણ મહિના જોઈ લો કે શું બદલાવ આવી રહ્યા છે. જો માસિક ૨૧ દિવસથી પણ ઓછા દિવસોમાં આવે તો ડૉક્ટરને ચોક્કસ મળો.
ADVERTISEMENT
(ડૉ. સુરુચિ દેસાઇ)

