વિવિધ પ્રકારનાં વિટામિન્સની આપણા શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. શરીરમાં એકપણ વિટામિનની કમી સરજાય તો એની અસર તરત શરીર પર વર્તાવા લાગે છે. આજકાલ લોકોમાં ખરતા વાળ, ત્વચા સંબંધિત સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.
પ્રતીકાત્મક તસવીર
વિવિધ પ્રકારનાં વિટામિન્સની આપણા શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. શરીરમાં એકપણ વિટામિનની કમી સરજાય તો એની અસર તરત શરીર પર વર્તાવા લાગે છે. આજકાલ લોકોમાં ખરતા વાળ, ત્વચા સંબંધિત સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. એવામાં બની શકે કે તમારામાં બાયોટિન વિટામિનની કમી હોય.
વિટામિન બી7 અથવા બાયોટિનની આપણી ત્વચા, વાળ અને નખની ક્વૉલિટીને સારી રાખવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. એટલે જ એને બ્યુટી-પિલના નામે પણ ઓળખવામાં આવે છે. બાયોટિન એક મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ પોષક તત્ત્વ છે જે ખોરાકને ઊર્જામાં પરિવર્તિત કરવામાં એટલે કે ચયાપચયમાં શરીરને મદદ કરે છે. બાયોટિન મુખ્યત્વે ફૅટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન જેવાં પોષક તત્ત્વોને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. બાયોટિનને હંમેશાં બ્યુટી સાથે જોડીને જોવામાં આવે છે, કારણ કે એ કેરટિન પ્રોડક્શનમાં સપોર્ટ કરે છે. કેરટિન એક એવું પ્રોટીન છે જે આપણી ત્વચા, વાળ અને નખને બનાવે છે.
કઈ રીતે કામ કરે?
બાયોટિન ફૅટી ઍસિડ્સના પ્રોડક્શનમાં મદદ કરીને ત્વચાની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. ફૅટી ઍસિડ્સ ત્વચાને પોષણ પૂરું પાડીને એનું મૉઇશ્ચર જાળવી રાખે છે. એને કારણે ત્વચા મુલાયમ અને ચમકદાર થાય છે. બાયોટિન વાળની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે એ કેરટિનના ઉત્પાદનમાં મદદ કરે છે. શરીરમાં કેરટિનની કમી હોય તો એમને વાળ પાતળા થવાની, વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. કેરટિન વાળને મજબૂત, લાંબા અને ઘાટા બનાવવામાં મદદરૂપ બને છે. કેરટિન પ્રોટીન નખની સંરચનાનું મુખ્ય પ્રોટીન છે. એટલે એ નખને મજબૂત બનાવવાનું અને એની ચમક જાળવી રાખવાનું કામ કરે છે.
બાયોટિન શેમાંથી મળે?
બાયોટિન એક વૉટર-સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય વિટામિન છે. એ શરીરમાં સંગ્રહિત થઈ શકતું નથી. શરીરમાં એનું પ્રમાણ જાળવી રાખવા માટે રેગ્યુલર ડાયટમાં એનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. આમ તો બાયોટિનનાં સપ્લિમેન્ટ્સ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે, પણ એને ખોરાકના માધ્યમથી લેવાં વધારે સારું કહેવાય. બાયોટિન બદામ-અખરોટ જેવાં ડ્રાયફ્રૂટ્સ, સનફ્લાવર-ચિયા જેવાં સીડ્સ, અવાકાડો-કેળા જેવાં ફળ, શક્કરિયાં, પાલક, મશરૂમમાં હોય છે. એટલે આ બધી વસ્તુનો તમે ડાયટમાં સમાવેશ કરો તો તમારી બૉડીને કુદરતી રીતે બાયોટિન મળી રહે. આ બધાં જ ફૂડ એવાં છે જેમાંથી બાયોટિન તો મળે જ અને એ સિવાયનાં પણ વિટામિન્સ, મિનરલ્સ મળે છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સારાં છે. આજકાલ બાયોટિન હેર-ફેસ માસ્ક કે પછી કેરટિન હેર ટ્રીટમેન્ટ વગેરેના પણ વિકલ્પ છે, પણ લાંબા ગાળા સુધી ફાયદો જોઈતો હોય તો ડાયટના માધ્યમથી જ બાયોટિન લેવામાં ફાયદો છે.

