પાછલી વયે સહારો લેવાની નોબત આવે એ પહેલાં જ સજાગ બની જવું જરૂરી છે. પાછલી વયે કેટલીક સામાન્ય તકલીફો છે જે ગમે ત્યારે બારણે દસ્તક દેતી આવે છે.
પ્રતીકાત્મક તસવીર
પાછલી વયે સહારો લેવાની નોબત આવે એ પહેલાં જ સજાગ બની જવું જરૂરી છે. પાછલી વયે કેટલીક સામાન્ય તકલીફો છે જે ગમે ત્યારે બારણે દસ્તક દેતી આવે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ અને કૉલેસ્ટરોલ જેવી તકલીફોને તમે આંકડામાં માપી શકો છો, પણ શરીરને સંતુલિત રાખવામાં સમસ્યા શરૂ થાય ત્યારે એની ખબર બહુ જલદી નથી પડતી.
વડીલો વારંવાર અડબડિયું ખાઈ જતા હોય છે. શું એવા વખતે માત્ર તેમને શારીરિક ઈજા જ થાય છે? ના, એનાથી તેમની ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ પર પણ અસર પડે છે. લાંબા સમયનો ખાટલો ક્વૉલિટી ઑફ લાઇફ બગાડે છે. આ પીડાને સૌથી વધુ કોઈ સમજી શકતું હોય તો એ છે એવા વડીલો જેમને પડી જવાને કારણે ફ્રૅક્ચર થયું હોય અને એના ગંભીર પરિણામે વ્હીલચૅરનો સહારો લેવાની કે પછી સર્જરી કરાવવાની નોબત આવી હોય.
બૅલૅન્સ ક્વૉશન્ટ કેટલો?
સામાન્ય રીતે વધતી ઉંમર સાથે વયસ્કોના સ્નાયુ, હાડકાં કે પછી દૃષ્ટિક્ષમતા નબળી થતી જાય છે, પરિણામે તેમના શરીર પરનો કાબૂ તેઓ ખોઈ બેસે છે. આપણને બધાને ખબર જ છે કે એક ઉંમર પછી આ બધી સમસ્યા ઉદ્ભવવાની જ છે. તો પછી એને ટાળવા માટે આપણે અગાઉથી જ કેમ તકેદારી નથી રાખતા? ઘરના વડીલોના હૉસ્પિટલાઇઝેશનનું એક મહત્ત્વનું કારણ એટલે ચાલતાં-ચાલતાં અચાનક પડી જવાનું છે એમ જણાવતાં ઑક્યુપેશનલ થેરપિસ્ટ અને ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ડૉ. મોના શાહ આ સમસ્યાની ગંભીરતા વિશે કહે છે, ‘ખાસ કરીને ૬૫ વર્ષની ઉંમર બાદ આ સમસ્યાનું પ્રમાણ વધી જાય છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે એને કારણે વ્યક્તિ આખી જિંદગી પથારીવશ થઈ શકે છે. ફક્ત શારીરિક પીડા જ નહીં, પણ માનસિક રીતે પણ તેઓ ડિપ્રેશનમાં જઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જેમાં પેશન્ટે તકલીફમાંથી પસાર થવું જ પડે છે, પણ સાથે-સાથે ફૅમિલીએ પણ સફર થવું પડે છે. આપણે આપણું શુગર કે બ્લડપ્રેશરનું લેવલ કેટલું હોય છે એની ખબર હોય છે, પણ શું આપણે આપણો બૅલૅન્સ સ્કોર જાણવાનો પ્રયત્ન કર્યો છે? બૅલૅન્સ ખરાબ હોય ત્યારે કઈ તકેદારી રાખવી જોઈએ? આનું એક કારણ એ પણ છે કે લોકોમાં આને વિશે એટલી જાગરૂકતા નથી.’
બૅલૅન્સ ટેસ્ટ ઘણી રીતે થાય છે અને વડીલને સંતુલનમાં કેવી સમસ્યા છે એના આધારે કરવામાં આવે છે એમ સમજાવતાં ડૉ. મોના શાહ કહે છે, ‘શુગર-લેવલ કે બ્લડપ્રેશર તમે ઇન્સ્ટ્રૂમેન્ટથી માપીને લેવલ જાણી શકો, પણ બૅલૅન્સ ટેસ્ટમાં એવું નથી. આ ટેસ્ટમાં એક્સપર્ટના ઑબ્ઝર્વેશન હેઠળ કેટલીક ફિઝિકલ ઍક્ટિવિટી કરાવવામાં આવે છે અને એના આધારે અસેસમેન્ટ કરવામાં આવે છે. બૅલૅન્સ બગડવા પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેમ કે સ્નાયુને લગતી સમસ્યા, હાડકાં નબળાં હોવાં, સાંભળવાની અને જોવાની તકલીફ, કોઈ મેડિસિન લેતા હોય એની સાઇડ ઇફેક્ટ ચક્કર આવે એવી હોય કે પછી તમે કરેક્ટ ફુટવેઅર ન પહેરતા હો. આવા સમયે બૅલૅન્સ બગડવા પાછળનું યોગ્ય કારણ જાણીને એ હિસાબે આગળની સારવાર કરવાનું ખૂબ જરૂરી બની જાય છે. એ સાથે જ બૅલૅન્સની સમસ્યાને શરૂઆતમાં જ જો ટ્રીટ કરી લેવામાં આવે તો દરદીને વધુ નુકસાનથી બચાવી શકાય છે. એ માટે ૬૫ વર્ષની ઉંમર પછી વર્ષમાં એક વાર તો ફિઝિયોથેરપિસ્ટ કે પછી ઑક્યુપેશનલ થેરપિસ્ટ પાસે જવું જ જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમે લો, મીડિયમ કે પછી હાઈ રિસ્કમાં છો.’
ઘણી વાર એવું થાય છે કે લોકો ગૂગલ સર્ચ કરીને કે પછી યુટ્યુબમાં વિડિયો જોઈને જાતે ઘરે બૅલૅન્સ ટેસ્ટ કરવાનું ચાલુ કરી દે છે એ વિશે ડૉ. મોના કહે છે, ‘ઘરે સામાન્ય ટેસ્ટ કરવામાં કોઈ વાંધો નથી, પણ આ બાબતની ગંભીરતા સમજવાની જરૂર છે. બૅલૅન્સ ટેસ્ટના પણ વિવિધ પ્રકાર હોય છે, જે વ્યક્તિની સમસ્યાને જોઈને નક્કી કરવામાં આવે છે. એટલે ઍક્યુરેટ બૅલૅન્સ ટેસ્ટ કરીને રિસ્ક ફૅક્ટર જાણી લેવાં ખૂબ જરૂરી છે, જેમ કે બીજી ટેસ્ટ કરાવવા માટે આપણે લૅબમાં જઈએ છીએ, પણ બૅલૅન્સ ટેસ્ટ કરવા માટે લોકો ફિઝિયોથેરપિસ્ટ પાસે જતાં બચે છે. સામાન્ય રીતે ઘરમાં વડીલ હોય અને તેઓ ચાલતાં-ચાલતાં પડી જાય તો આપણે એ જાણવાની વધુ કોશિશ કરતા નથી કે શું કામ પડી ગયા? આપણી આવી બેદરકારી જ આગળ જઈને મોટી મુસીબતને આમંત્રણ આપે છે. વડીલોને હૉસ્પિટલાઇઝ કરવા પડે અથવા સર્જરી સુધી વાત પહોંચી જાય. એના બદલે બૅલૅન્સ ટેસ્ટ કરીને શરૂમાં જ કેમ સારવાર ન કરાવી લેવી?’
કાળજી કેવી રાખી શકાય?
વડીલો બહાર ચાલતા હોય ત્યારે સજાગ હોય છે, પણ મોટા ભાગે તેઓ ઘરમાં જ પડી જતા હોય એવું જોવા મળ્યું છે. ઘરમાં આવી હોનારત ન થાય એ માટે કેવું ધ્યાન રાખવું જોઈએ એ વિશે ડૉ. મોના કહે છે, ‘મોટા ભાગના કેસમાં ફ્લોર પર પાણી ઢોળાયું હોય તો એને કારણે પગ લપસતાં પડી જાય કે પછી બાથરૂમમાં લપસી જાય અથવા તો પગમાં વાયર ભરાઈ જાય કે પછી નીચે પડેલી કોઈ વસ્તુ પગમાં અટવાતાં પડી ગયા હોવાના બનાવ બનતા હોય છે. બાથરૂમનો ફ્લોર ચીકણો ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત બાથરૂમ અને ટૉઇલેટમાં બેસવા-ઊઠવા માટે સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. ઘરની ટાઇલ્સ વધારે લીસી ન હોવી જોઈએ. સીડીઓમાં રેલિંગ હોવી જોઈએ. ઘરમાં કોઈ પણ વસ્તુ ગમે ત્યાં પડેલી ન હોય એની તકેદારી રાખવી જોઈએ. ઘરના સભ્યોએ પણ તેમની દૈનિક જરૂરિયાતોનું ધ્યાન રાખીને શક્ય હોય એટલું ફિઝિકલ અસિસ્ટન્સ આપવું જોઈએ. દરદીએ પણ ચાલતી વખતે હંમેશાં લાકડીનો ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી અંધારામાં જવાનું ટાળવું જોઈએ. દરદીઓએ ઘરે હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ. દરરોજ વૉક પર જવું જોઈએ. જો વધુ સમસ્યા હોય તોફિઝિયોથેરપિસ્ટ પાસે જઈને સારવાર કરાવી લેવી જોઈએ.


