શું તમને માથાનો દુખાવો થાય છે?

DEMO PIC
ADVERTISEMENT
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
શરીરમાં જુદાં-જુદાં અંગોમાં દુખાવો થતો રહેતો હોય છે જેમાંથી માથાનો દુખાવો એક સામાન્ય દુખાવો છે. દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને કોઈ દિવસ માથું ન દુખ્યું હોય. પરંતુ આપણે ધારીએ છીએ એટલો સરળ આ રોગ નથી. આપણા શરીરનું સંચાલન મગજ કરે છે અને મગજ જ્યાં સમાયેલું છે એ ભાગમાં દુખાવો થવો એ હંમેશાં સામાન્ય હોઈ શકે નહીં. સામાન્ય દુખાવાથી લઈને બ્રેઇન-ટ્યુમર જેવા રોગોનું લક્ષણ બનતો આ માથાનો દુખાવો ઘણા જુદા-જુદા પ્રકારનો હોય છે. આ દુખાવો એટલો સામાન્ય છે કે એને કોઈ ગંભીરતાથી લેતું નથી, પણ હકીકત એ છે કે તમને કયા પ્રકારનો માથાનો દુખાવો થાય છે એની તમને જાણ હોવી જોઈએ. ખાસ કરીને જે વ્યક્તિને માથાનો દુખાવો વારંવાર થતો હોય કે એ દુખાવો તેમની રોજબરોજની જિંદગી અને તેમનાં કામને નડતરરૂપ હોય એ વિશે તેમણે ચોક્કસ સજાગ થવું જરૂરી છે. જરૂરી નથી તમને થતો દુખાવો ગંભીર જ હોય; પરંતુ તમને જે દુખાવો થાય છે એ કયા પ્રકારનો છે, શેને કારણે થાય છે અને એ ભવિષ્યમાં ન થાય એ માટે કોઈ ખાસ ઇલાજ તમને મળી શકે કે નહીં એ બાબતે ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
માથાનો દુખાવો શું છે?
માથાના દુખાવાની કોઈ વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં વૉક-હાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ન્યુરોસજ્ર્યન ડૉ. અજય બજાજ કહે છે, ‘કપાળથી લઈને ગરદન સુધીમાં કોઈ પણ ભાગમાં દુખાવો થાય તો એ માથાનો દુખાવો જ ગણાશે. આ દુખાવો મગજની અંદર ક્યારેય થતો નથી, પરંતુ મગજની ઉપર આવેલી ખોપડીના બહારના સ્તર પર થાય છે. ખોપડીની ઉપર આવેલું ટિશ્યુનું પાતળું પડ અને એની ઉપર આવેલા સ્નાયુઓ જે ખોપડી સાથે જોડાયેલા છે, સાઇનસ, આંખ, કાન, નસો, લોહીની નળીઓ બધું જ કે એમાંથી અમુક ભાગ સૂજી જાય કે એમાં ઇરિટેશન થાય તો માથાનો દુખાવો થઈ શકે છે. આ દુખાવાનું સ્વરૂપ જુદું-જુદું હોઈ શકે છે. જેમ કે એકદમ માઇલ્ડ, તીક્ષ્ણ, માથામાં ડંકા વાગતા હોય એવું કે સોંય ભોંકતા હોય એવું, સહ્ય કે અસહ્ય વગેરે પ્રકાર એના હોઈ શકે છે.
પ્રકાર
માથાના દુખાવાને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે. (૧) પ્રાઇમરી એટલે કે સામાન્ય (૨) સેકન્ડરી એટલે કે કોઈ બીજા રોગને કારણે થતો માથાનો દુખાવો અને (૩) ક્રૅનિયલ ન્યુરેલ્જિઆસ એટલે કે નવર્સ સિસ્ટમનો એવો રોગ જેમાં માથાની કે મોઢાની નસોમાં સોજો આવે અને એને કારણે એ સખત દુખે. આપણે જે વિશે આજે જાણીશું એ છે મોટા ભાગના લોકોને થતો માથાનો દુખાવો જે ઘાતક બિલકુલ નથી, પરંતુ લોકોને હેરાન કરી શકે છે. લોકો સામાન્ય રીતે માથાનો દુખાવો થાય તો એ સહન કર્યા કરે છે, ઘરગથ્થુ ઉપચાર કરે છે અથવા ડૉક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોર પર ખુલ્લી મળતી દવાઓ ખાઈ લે છે. થોડા કલાકોમાં તેમનો દુખાવો કન્ટ્રોલ થઈ જાય છે પછી એ દુખાવાને ભૂલી જાય છે. પરંતુ આજે પ્રાઇમરી હેડેકના પ્રકારો વિશે વિસ્તારથી જાણીને પ્રયાસ કરીએ એ જાણવાનો કે આપણને જે માથાનો દુખાવો થાય છે એ કયા પ્રકારનો છે અને એ માટે આપણે શું કરી શકીએ. પ્રાઇમરી હેડેકના મુખ્ય ત્રણ પ્રકાર છે - ટેન્શન હેડેક, માઇગ્રેન હેડેક અને ક્લસ્ટર હેડેક. પહેલાં સમજીએ ટેન્શન હેડેકને.
ટેન્શન હેડેક
ટેન્શન હેડેક સૌથી સામાન્ય ગણાતો માથાનો દુખાવો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મત મુજબ વિકસિત દેશોમાં દર વીસમાંથી એક વ્યક્તિ દરરોજ ટેન્શન હેડેકનો ભોગ બને જ છે. સૌથી મહત્વની વાત એ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે. આ પ્રકારનો માથાનો દુખાવો કયાં કારણોસર થાય છે એ જણાવતાં ડૉ. અજય બજાજ કહે છે, ‘ખોપડીની સાથે જોડાયેલા સ્નાયુઓમાં જ્યારે કોઈ પણ કારણોસર ખેંચાણ અનુભવાય છે ત્યારે આ પ્રકારનો માથાનો દુખાવો થાય છે. આ સ્નાયુઓ જ્યારે સ્ટ્રેસ અનુભવે ત્યારે એમાં ઇન્ફ્લૅમેશન આવે છે અને એ અકડાઈ જાય છે જેને કારણે એમાં દુખાવો શરૂ થાય છે. આ સ્નાયુઓ પર આવી અસર કેમ થાય છે એ બાબતે વધુ રિસર્ચ થયું નથી; પરંતુ એવું માનવામાં આવે છે કે વધુપડતા માનસિક, શારીરિક કે ઇમોશનલ સ્ટ્રેસને કારણે આ પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે. શારીરિક રીતે ખૂબ શ્રમ કર્યો હોય અથવા કલાકો સુધી એકધારો શ્રમ કર્યો હોય કે કમ્પ્યુટર સામે બેસીને સતત એકાગ્રતા રાખવી પડે એવું કોઈ કામ કર્યું હોય તો અને અચાનક કોઈ લાગણીકીય બાબતે સ્ટ્રેસ આવી ગયું હોય ત્યારે પણ આ પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે.’
કરવું શું?
મોટા ભાગે ટેન્શન હેડેક થતું હોય ત્યારે માથાના આ દુખાવામાં ઍસ્પિરિન, આઇબુપ્રોફેન, એસિટામાઇનોફેન અને નેપ્રોક્સિન દવાઓ કામ લાગી શકે છે. આ પ્રકારનો દુખાવો ભાગ્યે જ થતો હોય તો ઠીક છે. એકાદ દિવસ દવા લઈને ઠીક થઈ શકાય છે, પરંતુ વારંવાર આવું થતું હોય તો મેડિકલ હેલ્પ લેવી જોઈએ. આ સિવાય મસાજ જેવા દેશી ઉપાયો પણ ઘણા મદદરૂપ નીવડે છે. જેમને વારંવાર આ પ્રકારનો દુખાવો રહેતો હોય તેમણે સ્ટ્રેસ મૅનેજમેન્ટ શીખી લેવું જોઈએ. એનાથી ચોક્કસ લાભ થઈ શકે છે.
(આવતી કાલે આપણે જાણીશું માથાના દુખવાના બીજા બે પ્રકાર માઇગ્રેન હેડેક અને ક્લસ્ટર હેડેક વિશે)
થાય શું?
ડૉ. અજય બજાજ પાસેથી જાણીએ કે આ પ્રકારના માથાના દુખાવામાં શું થાય?
૧. માથાના પાછળના ભાગમાં અને ગરદન પર એકદમ પ્રેશર અનુભવાય અને એ ભાગ એકદમ ટાઇટ થઈ ગયેલો લાગે અને ક્યારેક એ વસ્તુ આખા માથામાં પ્રસરતી હોય એવું લાગે.
૨. સૌથી વધારે પ્રેશર લમણા પર જ હોય કે પછી આઇબ્રોની ઉપરના ભાગમાં કે માથાની આગળના ભાગમાં હોય એમ લાગે.
૩. વળી આ પ્રકારના માથાના દુખાવામાં મગજની બન્ને બાજુ દુખાવો સરખો જ થતો હોય છે, ફક્ત કોઈ એક બાજુ જ થાય એવું નથી હોતું.
૪. આ પ્રકારનો માથાનો દુખાવો કોઈ બીજા લક્ષણ સાથે આવતો નથી. માત્ર માથું જ દુખતું હોય છે, બીજું કંઈ થતું નથી.
૫. આ પ્રકારના દુખાવાની કોઈ પૅટર્ન પણ હોતી નથી. ગમે ત્યારે થાય અને પાછો આવશે જ કે ક્યારે આવશે એ બાબતે કંઈ કહી શકાય નહીં. આ દુખાવો મિનિટોથી લઈને દિવસો સુધી લંબાઈ શકે છે.
૬. જોકે આ એવો દુખાવો છે કે લોકો પોતાનું નૉર્મલ રૂટીનનું કામ તો કરી જ શકે છે, એ કામ સાવ રોકાઈ જાય એવું બનતું નથી. વળી આ દુખાવો એવો નથી કે કોઈ કામ કરવાથી વધી જાય.
૭. ઘણી વખત જ્યારે એ સિવિયર હોય ત્યારે માથામાં હથોડા વાગતા હોય એવો પણ ભાસ થઈ શકે છે. ક્યારેક કોઈ કેસમાં એવું પણ બને કે લાઇટ અને સાઉન્ડ સેન્સિટિવિટી ડેવલપ થાય એટલે કે દુખાવો હોય ત્યારે તીવ્ર પ્રકાશ કે અવાજ સહન ન થાય.
હેલ્થ-ડિક્શનરી
વિટામિન Aની કમી શાકાહારીઓમાં વધુ કેમ જોવા મળે છે?
વિટામિન A એ કોઈ એક કેમિકલ નથી; પણ રેટિનૉઇડ, રેટિનોલ, રેટિનોઇક ઍસિડ અને કૅરોટેનૉઇડ્સ પ્રકારના કેટલાક કુદરતી ઘટકોનો સમૂહ છે. આ વિટામિન ચરબીમાં ઓગળી શકે એવું હોય છે એટલે ખોરાકમાંથી મળેલું વધારાનું વિટામિન A લિવરમાં સંઘરાઈ રહે છે અને જ્યારે શરીરની જરૂરિયાત વધે ત્યારે અથવા તો ખોરાકમાંથી એ મળવાનું ઓછું થઈ જાય ત્યારે લિવરમાંથી એ પાછું વાપરી શકાય છે.
વિટામિન A ઇમ્યુન સિસ્ટમ, હાડકાં અને આંખ માટે ખૂબ જ જરૂરી છે. રેટિનૉઇડ પ્રકારનો ઘટક આંખના પડદાની પ્રકાશ શોષવાની ક્ષમતા માટે જરૂરી છે. પડદા પર પ્રકાશ ઝિલાય તો જ આપણે સામે પડેલી જે-તે ચીજો જોઈ શકીએ છીએ. રેટિનામાં નવા કોષો પેદા કરવામાં પણ વિટામિન A ઘણો મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રી-પુરુષની પ્રજનનક્રિયામાં પણ વિટામિન A મહત્વનો ફાળો આપે છે. હૃદય, કિડની, ફેફસાં અને અન્ય આંતરિક અવયવોના કોષો રીજનરેટ કરવામાં તેમ જ ઇન્ફેક્શનથી બચાવવા માટે વિટામિન Aની જરૂર પડે છે.
એવું કહેવાય છે કે શાકાહારીઓને આ વિટામિન મેળવવામાં તકલીફ પડે છે એનું કારણ એ છે કે રેટિનૉઇડ, રેટિનોલ અને રેટિનોઇક ઍસિડ જેવા ઘટકો પ્રાણીજન્ય છે. વનસ્પતિમાંથી એ ઘટકો મળી શકતા નથી. જોકે બીટા-કૅરોટિન તરીકે જાણીતું કૅરોટેનૉઇડ દ્રવ્ય વનસ્પતિજન્ય છે. આ દ્રવ્ય શરીરને મળે તો એ આપમેળે વિટામિન A પેદા કરી શકે છે. બીટા-કૅરોટિન લીલાં પાનવાળી ભાજીઓ, લીલા-ઑરેન્જ-યલો રંગનાં શાકભાજી અને ફળોમાં ભરપૂર માત્રામાં હોય છે. શાકાહારી લોકો જો પૂરતી માત્રામાં રંગબેરંગી શાકભાજી ન ખાય તો તેમને આ વિટામિનની કમી થઈ શકે છે.


