આ ફીલિંગ માટે ફ્રેન્ચમાં ‘દેજા વુ’ શબ્દ પ્રચલિત છે. તમે ક્યારેય વિચાર્યું છે કે દેજા વુ શું છે અને એ શા માટે થાય છે?
પ્રતીકાત્મક તસવીર
તમે પહેલી જ વાર કોઈકને મળો છો કે કોઈક નવી જ જગ્યાએ જાઓ છો એમ છતાં તમને એ વ્યક્તિ કે જગ્યા બહુ જ પરિચિત હોય અને આવું તમારી સાથે પહેલાં પણ થઈ ચૂક્યું હોય એવી ફીલ આવે છે. આ ફીલિંગ માટે ફ્રેન્ચમાં ‘દેજા વુ’ શબ્દ પ્રચલિત છે. તમે ક્યારેય વિચાર્યું છે કે દેજા વુ શું છે અને એ શા માટે થાય છે?
તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈના ઘરે પહેલી જ વાર ગયા હો એમ છતાં તમને એવું લાગે કે આ ઘરમાં તો તમે પહેલાં પણ આવી ગયા છો? કે પછી ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ રેસ્ટોરાંમાં ગયા હો અને તમને એવું લાગે કે આ રેસ્ટોરાંમાં તો તમે પહેલાં પણ જમી ગયા છો? કે પછી ક્યારેય એવું થયું છે કે કોઈએ હમણાં જ કહેલી વાત સાંભળીને તમને એવું લાગ્યું હોય કે આ તો તમે પહેલાં પણ સાંભળી ચૂક્યા છો?
ADVERTISEMENT
કોઈ વ્યક્તિ, સ્થળ, પરિસ્થિતિ કે ઘટના સાથે આ પ્રકારના સામંજસ્યના અહેસાસ માટે ‘દેજા વુ’ શબ્દ વાપરવામાં આવે છે. દેજા વુ એક એવો અનુભવ છે જેમાં વ્યક્તિ હાલમાં પોતાની સાથે બની રહેલી ઘટનાને જાણે ફરીથી જીવી રહી હોય એવી લાગણી અનુભવે છે, જ્યારે હકીકતમાં આવું તેની સાથે પહેલી વાર જ બની રહ્યું હોય છે. અનેક પ્રયાસો બાદ પણ આવું થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી વિજ્ઞાન સંપૂર્ણ રીતે સમજી શક્યું નથી, પરંતુ એ મગજની મેમરી પ્રોસેસિંગ સિસ્ટમમાં કામચલાઉ ખામી અથવા ગેરસંચાર સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. વિજ્ઞાનના આ પ્રયાસોને પગલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેજા વુ સંબંધિત અનેક થિયરી પણ પ્રચલિત બની છે. આવો આજે એમાંની કેટલીક થિયરીની વાત કરીને દેજા વુ નામના આ રહસ્યને સમજવાનો પ્રયાસ કરીએ.
‘દેજા વુ’ શબ્દની ઉત્પત્તિ
વાસ્તવમાં ‘દેજા વુ’ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ પહેલેથી જ જોયેલું થાય છે. આ શબ્દનો પહેલી વાર પ્રયોગ ફ્રેન્ચ ફિલોસૉફર અમિલ બોઇરાકે ૧૮૭૬માં પોતાના પુસ્તક ‘ધ સાઇકોલૉજી ઑફ ફ્યુચર’માં કર્યો હતો. મજાની વાત તો એ છે કે ત્યાર બાદ બોલવામાં દેજા વુ સાથે સમાનતા ધરાવતા, પરંતુ તદ્દન અલગ અર્થ ધરાવતા બીજા પણ કેટલાક શબ્દપ્રયોગો અસ્તિત્વમાં આવ્યા. જેમ કે જમે વુ, જેનો અર્થ થાય છે ક્યારેય ન જોયેલું; પગેસ્ક્યુ વુ, જેનો અર્થ થાય છે લગભગ જોયેલું તથા દેજા એન્ટેન્ડ્યુ, જેનો અર્થ થાય છે પહેલાં સાંભળી ચૂકેલું.
લાઇવ સાયન્સના રિપોર્ટ અનુસાર દુનિયાના ૮૦ ટકા લોકો આ અનુભૂતિમાંથી ક્યારેક ને ક્યારેક તો પસાર થાય જ છે. એમાંય ૧૫-૨૫ વર્ષની ઉંમરમાં આવા અનુભવો વધુ થાય છે, પરંતુ ૨૫ વર્ષ બાદ આવા અનુભવોની સંખ્યા ઘટવા માંડે છે. ભણેલા-ગણેલા અને ઉચ્ચ આવક ધરાવતા લોકોને આવા અનુભવ વધુ થાય છે. એવી જ રીતે જેઓ ખૂબ પ્રવાસ કરે છે તેમને પણ આવી અનુભૂતિ વારંવાર થાય છે. બીજી બાજુ માનસિક તાણ કે શારીરિક શ્રમને પણ દેજા વુ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું છે કે તેમને દેજા વુનો અનુભવ મોટા ભાગે ઊંઘમાં સ્વપ્નાવસ્થામાં સરતા પહેલાં વધુ થાય છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ દેજા વુ શું છે?
આમ દેજા વુ એક વિશ્વવ્યાપી ઘટના હોવા છતાં હજી સુધી એની પાછળનાં કારણોને ચોક્કસ રીતે સમજી શકાયાં નથી. છતાં અલગ-અલગ લોકોએ એને પોતપોતાની રીતે સમજવાનો તથા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવનારા કેટલાકનું માનવું છે કે દેજા વુ દ્વારા બ્રહ્માંડ આત્માને તે સાચા જીવનપથ પર છે કે નહીં એનું માર્ગદર્શન આપે છે. તો વળી કેટલાકનું માનવું છે કે દેજા વુ દ્વારા વ્યક્તિની પુનર્જન્મની યાદો તાજી થાય છે. બીજી બાજુ મલ્ટિવર્સની થિયરીમાં વિશ્વાસ ધરાવનારા કેટલાક ફિઝિસિસ્ટનું માનવું છે કે આપણે જેને બ્રહ્માંડ સમજીએ છીએ એવા અનેક બ્રહ્માંડ એકસાથે અસ્તિત્વ ધરાવે છે અને દેજા વુનો અનુભવ તમને આવા જ કોઈ બીજા બ્રહ્માંડમાં તમારી સાથે બનેલી ઘટનાની યાદ અપાવે છે.
ન્યુરોલૉજી શું કહે છે?
ન્યુરોલૉજીની દૃષ્ટિએ દેજા વુને સમજાવતાં પરેલની ગ્લોબલ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘દેજા વુ માણસના મગજનો ભ્રમ માત્ર છે. આપણું મગજ શરીરમાં ઇલેક્ટ્રિકલ સર્કિટનું કામ કરે છે. અહીં સતત વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિકલ મેસેજિસની આપ-લે થયા કરતી હોય છે. આપણી સાથે હાલમાં જે બની રહ્યું છે એ આ ઇલેક્ટ્રિકલ મેસેજિસ દ્વારા જ મગજમાં સ્ટોર થતું હોય છે. પહેલાં એ શૉર્ટ ટર્મ મેમરી તરીકે હિપોકેમ્પસ નામે ઓળખાતા મગજના એક ભાગમાં સ્ટોર થાય છે, જ્યાંથી એ પ્રોસેસ થઈને હિપોકેમ્પસના જ બીજા એક ભાગમાં લૉન્ગ ટર્મ મેમરી તરીકે જમા થતું હોય છે. અલબત્ત, કેટલીક વાર મગજના ઇલેક્ટ્રિક બોર્ડમાં ક્ષણિક ખામી પણ ઊભી થતી હોય છે. મારું માનવું છે કે આ ક્ષણિક ખામીને પગલે હાલમાં જે ઘટના આપણી સાથે બની રહી છે એ શૉર્ટ ટર્મ મેમરીના ખાનામાં જવાને બદલે સીધી લૉન્ગ ટર્મ મેમરીના ખાનામાં જતી રહે છે. પરિણામે એ ઘટનામાંથી પસાર થતી વખતે વ્યક્તિને એવું લાગે છે કે આવું તેની સાથે પહેલાં પણ બની ચૂક્યું છે, જ્યારે હકીકતમાં તો એ પહેલી વાર જ એનો અનુભવ કરી રહી હોય છે.’
મેમરી પ્રોસેસિંગમાં ઊભી થતી ગરબડ
દેજા વુને સમજાવવા કેટલાક વૈજ્ઞાનિકો સ્પ્લિટ પર્સેપ્શન થિયરીનો પણ ઉપયોગ કરે છે. આ થિયરી અનુસાર કેટલીક વાર મગજ એક જ સંવેદનાત્મક સિગ્નલોને ઉપરાછાપરી બે વાર પ્રોસેસ કરે છે. પહેલી વાર આ સિગ્નલ ખૂબ જ ટૂંકા ગાળાનાં હોય છે અને સભાન મન એની નોંધ લઈ શકતું નથી. આવામાં જ્યારે એ જ સિગ્નલ તરત ફરી પાછું પ્રોસેસ થાય છે ત્યારે વ્યક્તિને દેજા વુની ફીલિંગ આવે છે.
સાઇકોલૉજી શું કહે છે?
મનોવૈજ્ઞાનિકોએ પણ પોતાની રીતે દેજા વુને ચકાસી જોવાનો પ્રયાસ કર્યો છે. એની વાત કરતાં મલાડની સંજીવની હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘જેમને વારંવાર દેજા વુનો અનુભવ થતો હોય એવા દરદીઓ અમારી પાસે આવતા જ રહે છે. કેટલીક વાર આ અનુભવોની ફ્રીક્વન્સી એટલી વધારે હોય છે કે એ તેમના રોજિંદા જીવનમાં પણ ખલેલ પહોંચાડતી હોવાની દરદીઓ ફરિયાદ કરતા હોય છે. અલબત્ત, મોટા ભાગના આવા દરદીઓ એક નહીં તો બીજા પ્રકારના વ્યસન, માઇગ્રેન તથા ઍન્ગ્ઝાયટીની સમસ્યાઓથી પીડાતા હોય છે. ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, ડિસઅસોસિએટિવ પર્સનાલિટી ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓમાં પણ દેજા વુનો અનુભવ થવો બહુ સામાન્ય બાબત છે. જોકે ટેમ્પોરલ લોબ એપિલેપ્સી આવા વારંવાર થતા દેજા વુનું સૌથી સામાન્ય કારણ છે. આ દરદીઓના ટેમ્પોરલ લોબ તરીકે ઓળખાતા મગજના એક ભાગમાં ઇલેક્ટ્રિક ઍક્ટિવિટી એકાએક ખૂબ વધી જાય છે. આ સ્ટિમ્યુલેશનને પગલે ઘણી વાર ફિટ આવવા પહેલાં તેમને દેજા વુનો અનુભવ થાય છે.’ આવું થાય ત્યારે ઘણી વાર દરદીની ચેતના પરિવર્તિત થઈ જાય છે. કેટલાકને અમુક ચોક્કસ પ્રકારની સુગંધ આવવા માંડે છે તો કેટલાક પોતાના હાથ ઘસવા માંડે છે કે પછી શર્ટના બટનને આમતેમ ફેરવવા માંડે છે અથવા જીભથી જાતજાતના અવાજો કાઢવા માંડે છે.
ટૂંકમાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વિચિત્ર અનુભૂતિને સમજવા માટે અનેક પ્રયત્નો થયા છે. આમ છતાં હજી સુધી એની પાછળના રહસ્યને પૂરેપૂરું સમજી શકાયું નથી. તેથી જરૂરી છે કે આ ક્ષેત્રમાં વધુ સંશોધનો થાય, પરંતુ એનાથી વધારે એ સમજવું જરૂરી છે કે દેજા વુ એક અતિ સામાન્ય અનુભૂતિ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં એ કોઈ માનસિક કે શારીરિક બીમારીની નિશાની નથી. ડૉ. પવન સોનાર છેલ્લે ઉમેરે છે, ‘સામાન્ય લોકોએ દેજા વુને વધુ મહત્ત્વ આપવાનું ટાળવું જોઈએ, પરંતુ જેઓ આવું થયા બાદ માથું દુખવાની કે પછી બેભાન થઈ જવા જેવી સમસ્યાથી પીડાતા હોય તેમણે તરત ન્યુરોલૉજિસ્ટનો અથવા સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.’


