Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આંખ ખોલીને સાંભળો વિઝનની ૮૦ ટકા તકલીફો નિવારી શકાય એવી હોય છે

આંખ ખોલીને સાંભળો વિઝનની ૮૦ ટકા તકલીફો નિવારી શકાય એવી હોય છે

Published : 10 October, 2013 07:00 AM | IST |

આંખ ખોલીને સાંભળો વિઝનની ૮૦ ટકા તકલીફો નિવારી શકાય એવી હોય છે

આંખ ખોલીને સાંભળો વિઝનની ૮૦ ટકા તકલીફો નિવારી શકાય એવી હોય છે




હેલ્થ-વેલ્થ - સેજલ પટેલ

જેને ભગવાને સુંદર અને સ્વસ્થ બે આંખો આપી છે એને કદી પોતાની આંખની સાચી કિંમત સમજાતી નથી. કદાચ એટલે જ આપણી ખોટી આદતો અને રેઢિયાળપણાને કારણે આંખો ડૅમેજ થવાનું પ્રમાણ ખૂબ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ વિશ્વમાં વિઝનની તકલીફો ધરાવનારા લોકોમાંથી ૮૦ ટકા લોકોની તકલીફ પ્રિવેન્ટ કરી શકાય એવી અથવા તો ટ્રીટ કરી શકાય એવી હોય છે. એ છતાં બેકાળજી અથવા તો અપૂરતા જ્ઞાનને કારણે એનું પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ થતાં નથી અને વધુ ને વધુ લોકો સંપૂર્ણ દૃષ્ટિહીનતાના શિકાર બને છે.

જરાક બીજી રીતે જોઈએ તો જન્મજાત ખામીને કારણે જોઈ ન શકતા હોય એવા લોકો કરતાં આંખોની કેટલીક તકલીફોને કારણે લાંબા ગાળે ધીમે-ધીમે દૃષ્ટિ ગુમાવનારા લોકોની સંખ્યા ચારગણી છે. મોતિયો, ઝામર, ડાયાબિટીઝને કારણે થતી ડાયાબેટિક રેટિનોપથી, ઉંમરને કારણે થતી ડીજનરેશન પ્રોસેસને કારણે આંખ ગુમાવનારા લોકોને આગોતરી સારવાર આપવાથી સંપૂર્ણ દૃષ્ટિહીનતા ટાળી શકાય છે. શરૂઆતમાં માત્ર દૂરનાં કે નજીકનાં ચશ્માં હોય અને ધીમે-ધીમે વિઝન નબળું પડતું જવાથી આંખો ચાલી જાય એનું પ્રમાણ પણ ઘણું વધારે છે.

આંખને તંદુરસ્ત રાખવામાં આપણી લાઇફ-સ્ટાઇલ અને એન્વાયર્નમેન્ટ પણ ઘણો ભાગ ભજવે છે. જાણેઅજાણે આપણે આંખોને નુકસાન કરી બેસીએ છીએ એવાં મુખ્ય પરિબળો બાબતે જાગૃત થઈશું તો કદાચ વિઝનની સમસ્યા ટાળી શકાશે.

૧. સ્મોકિંગ

સૌ જાણે છે કે તમાકુનું સ્મોકિંગ શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે, પણ બહુ ઓછા લોકો સમજે છે કે આ ખરાબ આદત દૃષ્ટિને નુકસાન કરશે. હવે તો વૈજ્ઞાનિકોએ એ પણ સાબિત કરી દીધું છે કે સિગારેટ પીવાની આદત ધરાવનારા લોકો તેમ જ સતત સેકન્ડ હૅન્ડ સ્મોકિંગ કરનારા લોકોને મોતિયો તેમ જ આંખના પડદા (રેટિના)ના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. આ બન્નેને કારણે વિઝન ગુમાવવાની નોબત આવે છે. સ્મોકિંગને કારણે એજ-રિલેટેડ મૅક્યુલર ડીજનરેશન અને ઑપ્ટિક નર્વ ડૅમેજ થવાની સંભાવનાઓ પણ ખૂબ વધુ હોય છે.

શું કરવું? : સિગારેટ પીતા હો તો બંધ કરવું અને ન પીતા હો તો સેકન્ડ હૅન્ડ સ્મોકિંગથી પણ દૂર રહેવું.

૨. અલ્ટ્રા-વાયલેટ કિરણો

સૂર્યનાં આકરાં કિરણોમાં રહેલાં અલ્ટ્રા-વાયલેટ કિરણો લાંબો સમય સુધી ત્વચા પર પડે તો એનાથી સ્કિન-કૅન્સરની શક્યતાઓ વધે છે. એને કારણે હવે સન-સ્ક્રીન લગાવવાનું ચલણ વધ્યું છે. પણ બહુ ઓછા લોકો આ હાનિકારક કિરણોથી આંખને થતું નુકસાન સમજી શકે છે. અમેરિકાની નૉર્થ કૅરોલિના યુનિવર્સિટીના રિસર્ચરોએ કરેલા લેટેસ્ટ અભ્યાસના તારણ મુજબ બપોરના આકરા તાપમાં રહેલાં અલ્ટ્રા-વાયલેટ કિરણો લાંબા ગાળે આંખની રોગપ્રતિકારક ક્ષમતા ઘટાડે છે. આનું કારણ એ છે કે અલ્ટ્રા-વાયલેટ કિરણો શરીરના મૂળભૂત કોષો ગણાતા DNAને ડૅમેજ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરમાં કંઈ ડૅમેજ થાય તો શરૂઆતમાં આપણી બૉડી-સિસ્ટમ જ એ ગરબડને સુધારવાના પ્રયાસો આદરી દે છે, પણ મૂળભૂત કોષોમાં થતા ડૅમેજનું પ્રમાણ વધી જાય તો એક તબક્કે ડૅમેજ-કન્ટ્રોલ ક્ષમતા ઘટી જાય છે. સૂર્યનાં આકરાં કિરણો આંખના પડદાને પણ ડૅમેજ કરે છે.

શું કરવું? : આકરા તડકામાં રહેવાનું થાય ત્યારે સનગ્લાસિસ પહેરવા. આંખની કસરતો કરીને મસલ્સને મજબૂત રાખવા.

૩. કમ્પ્યુટર, મોબાઇલ અને ટીવી

આંખોને ડૅમેજ કરતાં પરિબળોમાં આ ત્રણ ચીજો ખૂબ વિવાદાસ્પદ રહી છે. એક તરફ કહેવાય છે કે કમ્પ્યુટર અને મોબાઇલની સ્ક્રીનથી આંખો થાકે છે જરૂર, પણ એનાથી કંઈ વિઝનમાં તકલીફ નથી થતી. જોકે આજકાલ સતત લાંબા કલાકો સુધી કમ્પ્યુટર, ટીવી અને મોબાઇલની મોટી સ્ક્રીન્સમાંથી નીકળતાં કિરણો સામે આપણે આંખ માંડીને બેસીએ છીએ એનાથી આંખના સ્નાયુઓ સતત તાણમાં રહે છે અને સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. લાંબો સમય ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ પર કામ કરવાથી આંખો સુકાય છે, મૉઇર ઘટી જાય છે, સ્નાયુઓ નબળા પડે છે અને એને કારણે લાંબા ગાળે વિઝન પર માઠી અસર પડે છે.

શું કરવું? : ટીવી સામે પડ્યા રહેવાનું ઓછું કરવું. કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાનું થાય તો દર કલાકે બેથી ત્રણ મિનિટ માટે બન્ને આંખો પર હથેળી ઢાંકીને પામિંગ કરવું. 

વિઝનની આંકડાબાજી

દુનિયામાં દર પાંચ સેકન્ડે એક વ્યક્તિ આંશિક અંધત્વનો શિકાર બને છે.

એમાં દર એક મિનિટે એક બાળક પણ સપડાય છે.

દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકો લીગલી દૃષ્ટિહીન બને છે.

દર પાંચમાંથી એક દૃષ્ટિહીન વ્યક્તિ ભારતમાં રહે છે. લગભગ દોઢ કરોડ ભારતીયો આંશિક દૃષ્ટિહીનતા ધરાવે છે.

ભારતમાં દર વર્ષે ત્રીસ લાખ લોકોને મોતિયાની તકલીફ થાય છે. ભારતમાં વીસ લાખ બાળકો દૃષ્ટિહીન છે. એમાંથી માત્ર પાંચ ટકા બાળકોને જ શિક્ષણ અને વિકાસની તકો મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2013 07:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK