જેને આંખ આવી હોય તેની આંખમાં જોવાથી આપણને ચેપ નથી લાગતો

હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
વરસાદમાં જ્યારે ઇન્ફેક્શને જોર પકડ્યું છે ત્યારે શરીરમાં દરેક અંગ પર જુદી-જુદી એની અસર જોવા મળી જ રહી છે. ઇન્ફેક્શનથી આંખ પણ બચી નથી શકતી. ઊલટું આંખ જેવા સંવેદનશીલ અંગમાં તો ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે. ખાલી વરસાદનું પાણી આંખમાં જાય, રોડ પર બાઇક ચલાવતા હોય અને ખાડામાંથી પાણી ઊડે અને એ મલિન પાણી આંખમાં જાય, હાથ ખરાબ હોય અને એ હાથે આંખ મસળી હોય, પરસેવો ખૂબ વળતો હોય અને એ આંખમાં ટપકે, વરસાદમાં વાળ સતત ભીના રહેતા હોય તો એ પાણી આંખમાં જાય, ઝાડ નીચે ઊભા હો અને ઝાડ પરથી પાણી પડે અને આંખમાં જાય, જુહુ કે ગિરગામ ચોપાટીમાં વરસાદની મજા માણવા ગયા હો અને સમુદ્રનાં ઊંચાં મોજાં તમને અથડાય એ પાણી આંખમાં જાય તો એના જેવી કોઈ પણ સામાન્ય ઘટના તમારી આંખમાં ઇન્ફેક્શન થવા માટે પૂરતી છે. જ્યાં ભીનું હોય ત્યાં વાઇરસ-બૅક્ટેરિયા ખૂબ જલદી વિકસતા અને ફેલાતા હોય છે. કોઈ પણ વસ્તુને સાફ કરવાની સિસ્ટમમાં એને કોરી અને સૂકી રાખવી જરૂરી છે. તો જ એ ક્લીન અને જીવાણુરહિત હોઈ શકે છે. ચોમાસાના ચાર મહિના એ જ વસ્તુ શક્ય નથી બનતી માટે ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે. મહત્વની વાત એ છે કે મુંબઈ જેવા પ્રદૂષિત શહેરમાં વરસાદનું વરસતું પાણી પણ મલિન જ હોય છે, શુદ્ધ નથી હોતું. માટે એ પણ ઇન્ફેક્શન કરી શકે છે. ચોમાસામાં આંખને કેવી-કેવી તકલીફ થઈ શકે છે એ બાબતે આજે વિસ્તારથી જાણી લઈએ.
કન્જંક્ટિવાઇટિસ
અત્યારે એક તરફ બાળકો વાઇરલ ઇન્ફેક્શનથી હેરાન થઈ રહ્યાં છે તો બીજી બાજુ વયસ્કોમાં આંખનું વાઇરલ ઇન્ફેક્શન વધતું જોવા મળી રહ્યું છે જેને મેડિકલ ભાષામાં કન્જંક્ટિવાઇટિસ કહેવામાં આવે છે અને સાદી ભાષામાં આપણે એને કહીએ છીએ કે આંખ આવી છે. આ રોગ વાઇરલ કે બૅક્ટેરિયલ બન્ને હોઈ શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ આજકાલ મોટા ભાગના આંખ સંબંધિત તકલીફો સાથે આવતા દરદીઓમાં વાઇરલ કન્જંક્ટિવાઇટિસના દરદીઓ વધુ જોવા મળે છે. વળી સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શન ત્રણ-ચાર દિવસમાં ઠીક થઈ જતું હોય છે, પરંતુ આ વાઇરલને ઠીક થતાં સાત-આઠ દિવસ લાગી જ રહ્યા છે. ઇન્ફેક્શન વધવાનું મુખ્ય કારણ જણાવતાં હિન્દુજા હેલ્થકૅર સર્જિકલ, ખારના કન્સલ્ટન્ટ ઑફ્થૅલ્મોલૉજિસ્ટ, વિટ્રિઓ-રેટિનલ સજ્ર્યન અને યુવીઆઇટિસ સ્પેશ્યલિસ્ટ ડૉ. નિશાંત કુમાર કહે છે, ‘આંખ આવે ત્યારે મોટા ભાગે એ લાલ થઈ જતી હોય છે અને એક આંખ લાલ થઈ હોય ધીમે-ધીમે બીજી આંખમાં પણ એ ઇન્ફેક્શન ફેલાઈ જાય એટલે બન્ને આંખ એનાથી અસરગ્રસ્ત થાય એવું બને. આ ઇન્ફેક્શન ધીમે-ધીમે વધે છે અને સામાન્ય રીતે પાંચથી આઠ દિવસ સુધી ચાલે છે. એમાં આંખ લાલ થઈ જાય, આંખમાંથી પાણી પડ્યા કરે, આંખમાં કઈક સતત ખૂંચ્યા કરતું હોય એવું લાગ્યા કરે, ક્યારેક સોજો આવી જાય, કોઈ વાર સફેદ કે પીળો ડિસ્ચાર્જ નીકળે, ખૂબ ખંજવાળ આવે, આંખ બળવા લાગે, ઇરિટેશન વધી જાય વગેરે ચિહ્નો દેખાય છે.’
ચેપી રોગ
આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને આંખ આવી હોય તેની સામે જોવાય નહીં. તેની સામે જોઈએ એટલે તમને પણ આંખ આવી જાય. આ વાતમાં કેટલું તથ્ય છે એ સમજાવતાં ડૉ. નિશાંત કુમાર કહે છે, ‘આ એક ચેપી રોગ છે. ઘરની કોઈ એક વ્યક્તિને થાય તો બીજાને તરત જ થવાની શક્યતા રહે છે, પરંતુ એવું બિલકુલ નથી કે જે વ્યક્તિને આ રોગ થયો છે તેની આંખને આપણે જોઈએ તો આ રોગ થાય. આ વ્યક્તિ જે નૅપ્કિન વાપરતી હોય એ બીજું કોઈ વાપરે, તેનો નહાવાનો ટુવાલ કોઈ વાપરે અથવા કોઈ પણ રીતે જો તે વ્યક્તિના આંખમાંથી નીકળતો ડિસ્ચાર્જ કોઈ બીજી વ્યક્તિની આંખના સંપર્કમાં આવે તો આ રોગ ચેપી બની શકે છે. સાવધાની આ બાબતે એ રાખવાની હોય છે કે જે વ્યક્તિને આ રોગ થયો છે તેનો નૅપ્કિન અલગ જ રાખવો. આવી વ્યક્તિએ ડાર્ક ચશ્માં એટલે પહેરવાં જોઈએ કેમ કે તેની આંખમાં પવન ન લાગે અને તેને વધુ તકલીફ ન થાય, નહીં કે કોઈ તેની આંખમાં જોઈ લેશે તો તેને ચેપ લાગશે.’
આંજણી
કેટલાક લોકોને ચોમાસામાં આંજણીની સમસ્યા વધી જતી હોય છે. આંજણી એટલે આંખના ઉપરના કે નીચેના પોપચા પર સોજો આવે અને એ જગ્યા ફૂલી જાય તો આંખની ઉપર કે નીચેના ભાગમાં પરપોટા જેવું થઈ જાય. આ આંજણી વિશે પણ ઘણી ગેરમાન્યતા પ્રસરે છે. ઘણા લોકો એને શુભ માને છે તો ઘણા લોકો એને રોગ માનતા જ નથી, પરંતુ હકીકત એ છે કે આંજણી પણ એક ઇન્ફેક્શન જ છે. આંખનાં પોપચાંઓ પર થતું ઇન્ફેક્શન જે ચોમાસામાં વધુ જોવા મળે છે. એ વિશે વાત કરતાં ડૉ. નિશાંત કુમાર કહે છે, ‘આંજણી વયસ્ક લોકોમાં એની મેળે ઠીક થઈ જતો પ્રૉબ્લેમ છે. મોટા ભાગે એ થાય અને થોડા દિવસમાં એની જાતે જ એ બેસી જાય, પરંતુ અમુક લોકોને એવું નથી થતું. એ લાંબું ચાલે છે. જો અઠવાડિયાથી વધુ તમારી આંજણી ચાલે તો ચોક્કસ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ખાસ કરીને બાળકોમાં આ તકલીફ ગંભીર હોઈ શકે છે. જો તમારા બાળકને વારંવાર આંજણી થતી હોય અથવા એ લાંબા સમય સુધી જાય નહીં તો એક વખત ડૉક્ટરને બતાવી દેવું.’
કૉન્ટૅક્ટ લેન્સ
જે લોકો ચશ્માંને બદલે કૉન્ટૅક્ટ લેન્સ પહેરે છે તેમણે ચોમાસામાં વધુ સતર્ક રહેવું જોઈએ એમ સમજાવતાં ડૉ. નિશાંત કુમાર કહે છે, ‘તમે લેન્સ પર્હેયા હોય અને આંખમાં મલિન પાણી જાય, હાથ ખરાબ હોય અને એવા હાથે આંખ ચોળવામાં આવે તો આંખમાં લેન્સને કારણે ખૂબ ખરાબ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. સારું એ રહેશે કે જે લોકો લેન્સ પહેરે છે એ ડેઇલી યુઝવાળા લેન્સ એટલે કે સવારે પર્હેયા અને રાત્રે ફેંકી દેવાના હોય એવા લેન્સ જ પહેરે. એનાથી ઇન્ફેક્શનની શક્યતાને ઘટાડી શકાય છે. આંખ લાલ લાગે, ખંજવાળ આવે, પાણી ગળે ત્યારે લેન્સ પહેરવા જ નહીં, ચશ્માં પહેરીને કામ ચલાવવું. આંખ સંપૂર્ણ સ્વસ્થ હોય ત્યારે જ લેન્સ પહેરવા.’
ધ્યાનમાં રાખો
૧. આંખને હાથ લગાડવો જ નહીં. જો વારંવાર હાથ લગાડવાની આદત હોય તો વારંવાર હાથ ધોવાની આદત પણ રાખો.
૨. તમારા રૂમાલ, નૅપ્કિન વગેરે અલગ જ રાખો. ઘરમાં એક જ નૅપ્કિનથી બધા મોઢું લૂછતા હોય છે જે યોગ્ય નથી.
૩. વરસાદના પાણીને આંખમાં જતું અટકાવવા બહાર જાઓ ત્યારે સનગ્લાસિસ પહેરો.
૪. તમને ડૉક્ટરે આપેલાં આઇ-ડ્રૉપ્સ પર્સનલ રાખો. એક જ રોગ ઘરમાં બે-ત્રણ જણને હોય તો એક જ આઇ-ડ્રૉપ્સની બૉટલ બધા સાથે વાપરતા હોય છે. આવી ભૂલ ન કરો. દવા એક જ હોય તો પણ બૉટલ પોતપોતાની હોવી જરૂરી છે.
૫. કંઈ પણ નાની તકલીફ હોય તો પણ જાતે મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ દવા લઈને વાપરો નહીં. ડૉક્ટર પાસે જાઓ અને તે જે દવા આપે એ જ લો.


