Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કૂતરું કરડે ત્યારે...

Published : 09 May, 2014 06:20 AM | IST |

કૂતરું કરડે ત્યારે...

કૂતરું કરડે ત્યારે...





જિગીષા જૈન


સામાન્ય માણસો એમ સમજે છે કે હડકાયા કૂતરાના કરડવાથી થતો રોગ એટલે હડકવા, પરંતુ ફક્ત એવું નથી. રૅબિડ પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓને રૅબીઝનું ઇન્ફેક્શન થયું હોય એમના કરડવાથી કે બટકું ભરવાથી આ રોગ થાય છે. આમ તો શેરીમાં રખડતા ૯૦ ટકા કૂતરાઓથી જ આ રોગ ફેલાય છે; પરંતુ કૂતરાઓ સિવાય બિલાડી, વાંદરા, શિયાળ અને ચામાચીડિયાના કરડવાથી પણ આ રોગ થાય છે. શહેરોમાં મોટા ભાગે ખતરો કૂતરા અને બિલાડીનો જ હોય છે. થોડાક અંશે એમાં વાંદરાઓ પણ આવી જાય. મહાનગરપાલિકાના આંકડાઓ મુજબ મુંબઈમાં ૬૬,૦૮૭ રખડુ કૂતરાઓ છે. આમ એમનું રિસ્ક પણ ઘણું વધારે છે. તાજેતરમાં મુંબઈમાં ૩૬ વર્ષની એક સ્ત્રી રૅબીઝ એટલે કે હડકવાના રોગને કારણે મૃત્યુ પામી હતી. જસલોક હૉસ્પિટલમાં નોંધાયેલા આ કેસ મુજબ મુંબઈ શહેરનો આ વર્ષનો આ પ્રથમ કેસ હતો જેમાં દરદીનું મૃત્યુ હડકવાને કારણે થયું હોય.

મુંબઈમાં ૨૦૧૨થી લઈને આજ સુધીમાં ૧૬ લોકો હડકવાને કારણે મૃત્યુ પામ્યા છે. એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર દુનિયામાં એક વર્ષમાં ૫૦,૦૦૦ લોકો રૅબીઝ એટલે કે હડકવાના રોગને કારણે મૃત્યુ પામે છે, જેમાંથી ભારતમાં દર વર્ષે ૨૦,૦૦૦ મૃત્યુ થાય છે. એનો અર્થ એ થયો કે સમગ્ર દુનિયામાં આપણા દેશમાં જ આ પ્રૉબ્લેમ સૌથી વધુ ગંભીર છે. માન્યું કે રૅબીઝનો કોઈ ઇલાજ નથી એટલે કે હડકવા થયા પછી કશું થઈ શકતું નથી, પરંતુ પ્રાણીના કરડ્યા બાદ જ્યારે વ્યક્તિ ઇન્જેક્શન લે છે ત્યારે તે હડકવાથી સંપૂર્ણ રીતે બચી શકે છે. ૨૦,૦૦૦ જેટલો મૃત્યુઆંક સૂચવે છે કે આપણે ત્યાં આ રોગને લઈને જાગૃતિનો અભાવ જોવા મળે છે.

નિયમો

તાજેતરનો મુંબઈનો જે કેસ હતો એ મુજબ તે સ્ત્રીને કૂતરાના કરડવાથી ઇન્ફેક્શન થયું હતું. જોકે આ કૂતરું શેરીનું કોઈ રખડતું કૂતરું નહોતું, પરંતુ તેમણે પાળેલા સાત કૂતરાઓમાંનું એક હતું. સામાન્ય રીતે પાળેલાં પ્રાણીઓને કારણે હડકવા થતો નથી, ફક્ત શેરીના રખડતા કૂતરાઓને જ આવો પ્રૉબ્લેમ થઈ શકે છે. આ પ્રાણીઓને હડકવાનું ઇન્ફેક્શન કઈ રીતે થાય છે એ ખાસ જાણી શકાયું નથી, પરંતુ એમને એ ન થાય એ માટે પ્રાણીઓની વૅક્સિન આવે છે જે નિયમો મુજબ પાળેલાં પ્રાણીઓએ લગાવવી ફરજિયાત છે. જે લોકો ઘરમાં પ્રાણીઓ પાળવા ઇચ્છે છે તેમને પ્રાણી પાળવાનું લાઇસન્સ ત્યારે જ મળે જ્યારે તેઓ એમને દર વર્ષે વૅક્સિન અપાવે. કાયદાઓ એટલે સુધી કડક છે કે લાઇસન્સ રિન્યુ કરતી વખતે પણ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જોકે તાજેતરના કિસ્સામાં સ્ત્રીએ પોતાના પાળેલા કૂતરાને વૅક્સિન નહીં અપાવી હોય એવું તેના ડૉક્ટરોનું માનવું છે.

કઈ રીતે થાય?

જે કૂતરાને ઇન્ફેક્શન છે એ કોઈ વ્યક્તિને કરડે ત્યારે એની લાળ મારફત વ્યક્તિના શરીરમાં ખાસ કરીને સીધા લોહીમાં આ ઇન્ફેક્શનના વાઇરસ ઘૂસી જાય છે. આ વાઇરસ શરીરમાં શું કરે છે અને એને લીધે વ્યક્તિના શરીરમાં કઈ રીતે ઇન્ફેક્શન ફેલાય છે એ સમજાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આ વાઇરસ લોહીમાંથી સીધા નર્વ સિસ્ટમ એટલે કે જ્ઞાનતંતુઓ પર હુમલો કરે છે અને સીધા કરોડરજ્જુ સુધી પહોંચી જઈને ત્યાંથી સીધો મગજ પર વાર કરે છે. આમ એ ખૂબ જ ઝડપી ફેલાય છે અને શરીરની સાથે-સાથે મગજ પર પણ અસર કરે છે.’

લક્ષણો

વ્યક્તિને કૂતરું કરડે એના બે-ત્રણ દિવસમાં હડકવાની અસર દેખાવા લાગે છે. એ વર્ણવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘વ્યક્તિના શરીરની નસો ખેંચાવા લાગે છે. એની સાથે-સાથે શરીરના લગભગ બધા જ સ્નાયુઓ ખૂબ ખેંચાય છે અને પીડા આપે છે. એની શરૂઆત ઉદરપટલના સ્નાયુઓથી થાય છે. આ ઉપરાંત જ્યારે વ્યક્તિ કંઈ ખાય કે પીએ એટલે કે મોઢામાં કંઈ પણ નાખે તો તેના સ્નાયુઓ અત્યંત પેઇન કરે છે. આથી આવા દરદીઓમાં ખાસ કરીને જોવા મળે છે કે તેમને હાઇડ્રોફોબિયા થઈ જાય છે. પાણી પીવાથી એટલું બધું પેઇન થાય કે વ્યક્તિ પાણી પીતાં પણ ડરે. એની સાથે-સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય અને અંતે આપણી શ્વસનક્રિયા પર એની એવી અસર થાય કે શ્વાસ જ બંધ થઈ જાય અને વ્યક્તિ મરી જાય.’

ઇલાજ નથી

એક વખત વ્યક્તિને હડકવા થયો પછી એનો કોઈ ઇલાજ નથી અને ઊલટું આ રોગની સાથે-સાથે તે વ્યક્તિનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ જાય છે. સામાન્ય રીતે હડકાયું કૂતરું કરડ્યાના સાત દિવસની અંદર વ્યક્તિ મૃત્યુ પામે છે જો તે પ્રૉપર ઇલાજ ન કરાવે તો. કરડ્યા બાદ દસ દિવસની અંદર એ કૂતરું પણ મારી જાય છે. હડકવા કેટલા સમયમાં થશે એ આમ તો કૂતરાએ કેટલું જોરથી બટકું ભર્યું છે એના પર રહે છે એવું પણ વિજ્ઞાન કહે છે. આ વિશે ચેતવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘કૂતરાનો ખાલી દાંત બેઠો હોય કે એણે જોરથી બટકું ભર્યું હોય એ બન્ને પરિસ્થિતિમાં હડકવા થવાની શક્યતા પૂરી છે. માટે કોઈ પણ વ્યક્તિએ ગફલતમાં રહીને એના બચાવરૂપ જે ઇન્જેક્શન છે એ લેવાં જ જોઈએ. વળી જેવું કૂતરું કરડે કે તરત જ ઇન્જેક્શન લેવું ખૂબ જરૂરી છે. જેટલું જલદી બની શકે એટલું જલદી ઇન્જેક્શન લઈ જ લેવું. રાહ જોવાની ભૂલ ન કરવી.’

ઇન્જેક્શન ક્યારે?

ઘણા લોકો કૂતરાને ઓળખવાની કોશિશ કરતા હોય છે કે એ હડકાયું કૂતરું નથી. એવું સમજીને તેઓ ઇન્જેક્શન નથી લેતા જે એક મોટી ભૂલ છે. કોઈ પણ કૂતરું, બિલાડી કે વાંદરો કરડે તો તરત જ ઇન્જેક્શન લેવાં જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે આ ઇન્જેક્શન સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્ર પર ફ્રી મળે છે. કૂતરું કરડી જાય પછી હડકવા ન થાય એના માટે પાંચ ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવે છે. સૌથી પહેલું ઇન્જેક્શન જ્યારે કૂતરું કરડે કે તરત અથવા એ જ દિવસે દેવું જરૂરી છે. પછી કરડ્યાના ત્રીજા દિવસે, સાતમા દિવસે, ચૌદમા દિવસે અને છેલ્લું અઠ્યાવીસમા દિવસે લેવાનું હોય છે. પાંચ ઇન્જેક્શનનો આ ડોઝ પૂરો કરવો ખૂબ જરૂરી છે. એને અધવચ્ચેથી છોડી દઈએ તો હડકવાથી સંપૂર્ણ રીતે બચી ન શકાય. આ ઉપરાંત એક વાર કૂતરું કરડ્યું અને પાંચ ઇન્જેક્શન લઈ લીધા બાદ એક વર્ષની અંદર ફરીથી એ કરડે તો ફક્ત બે ઇન્જેક્શન જ લેવાં પડે છે એ ધ્યાનમાં રાખવું.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2014 06:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK