પાચનશક્તિ સુધારવા માટે કુછ કીટાણુ અચ્છે હોતે હૈં!
પલ્લવી આચાર્ય
અનેક જાતના બૅક્ટેરિયા સ્વસ્થ માણસના શરીરમાં હોય છે. આ બૅક્ટેરિયાના કારણે જ તેની પાચનશક્તિ સ્ટ્રૉન્ગ થાય છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તથા જાતજાતનાં વાઇરલ ઇન્ફેક્શનોથી આ બૅક્ટેરિયા તેને બચાવે છે.
ADVERTISEMENT
ગ્રેટ ગિફ્ટ ફ્રૉમ ગૉડ
આંતરડાં, ફેફસાં,શ્વાસનળી, અન્નનળી, ચામડી, મોં, નાક, યોનિમાર્ગ સહિત વાતાવરણમાં ખૂલતા શરીરના અવયવોમાં ભગવાને પરોપજીવી બૅક્ટેરિયાની મોટી ફોજ ખડકી દીધી છે એમ જણાવતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘પેટ, આંતરડાં ઉપરાંત શરીરમાં જે જગ્યાએથી ઇન્ફેક્શન એન્ટર થતું હોય છે એ ભાગોમાં ભગવાને કમેન્સનલ બૅક્ટેરિયાની જાજમ બિછાવી દીધી છે, જે ઇન્ફેક્શનોને શરીરમાં એન્ટર નથી થવા દેતા; એની સામે ફાઇટ આપે છે. જાતજાતનાં વાઇરલ ઇન્ફેક્શનો સામે રક્ષણ આપતા આ બૅક્ટેરિયા શરીરનું રક્ષણ કરતી ઢાલ છે.’
ગણ્યા ગણાય નહીં
આપણા શરીરમાં વસતા આ બૅક્ટેરિયા અસંખ્ય તો છે જ સાથે અનેક જાતના પણ છે. સૌથી વધુ બૅક્ટેરિયા પેટમાં અને આંતરડાંમાં છે જે આપણી પાચનશક્તિને સ્ટ્રૉન્ગ રાખે છે.
આ બૅક્ટેરિયાની સંખ્યા જેટલી વધારે એટલી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે એની વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘યુદ્ધમાં જેની સેના મોટી હોય તેની શક્તિ વધુ. તેથી તે જીતી જાય. આમ આ બૅક્ટોરિયાની ફોજ વધુ હશે તો જાતજાતનાં વાઇરલ ઇન્ફેક્શનો સામે લડીને તમે જીતશો અને માંદા નહીં પડો.’
તેથી જો તંદુરસ્ત રહેવું હોય તો બૅક્ટેરિયાની આ ફોજ હંમેશાં મોટી અને સલામત રહે એ આપણે જોવું જોઈએ.
એમનું કામ શું?
આ બૅક્ટેરિયા શરીર માટે બી (બી ૧, બી ૨, બી ૩, બી ૫, બી ૧૨) કૉમ્પ્લેક્સ વિટામિન બનાવે છે. પેટના બૅક્ટેરિયા ઓછા થાય તો બી કૉમ્પ્લેક્સ વિટામિનની કમી થાય છે. તેથી મોઢું આવી જાય છે. આ કારણે જ મોઢું આવે ત્યારે ડૉક્ટરો બી કૉમ્પ્લેક્સ માટેની ટૅબ્લેટ્સ લેવાની સલાહ આપે છે.
આ બૅક્ટેરિયા વિટામિન કે બનાવે છે. આ વિટામિનથી લોહી ગંઠાઈ શકે છે. જો બૅક્ટેરિયાની સંખ્યા ઘટી જાય તો લોહી ગંઠાવામાં સમસ્યા થાય છે જેનાથી શરીરના અંદરના કે બાહ્ય ભાગોમાં ઇન્જરી થાય તો લોહીનો સ્રાવ અટકતો નથી.
બૅક્ટેરિયલ, વાઇરલ, ફંગલ વગેરે ઇન્ફેક્શનો સામે રક્ષણ આપે છે.
માણસની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પાચનક્ષમતામાં પણ વધારો કરે છે.
આ બૅક્ટેરિયા કૅન્સર થતું અટકાવે છે. શરીરમાં જો આ બૅક્ટેરિયાની બહુ મોટી ફોજ હશે તો તમને કૅન્સર સામે ચોક્કસ રક્ષણ મળી શકશે એવું ડૉ. પારેખનું કહેવું છે.
ઘટે નહીં એ માટે શું કરવું?
કુદરતની વિરુદ્ધમાં જવાનું બંધ કરો. ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સિગારેટ પીવી, દારૂ પીવો, તમાકુનું સેવન કરવું, અપૂરતી ઊંઘ, ભોજન અને જીવનમાં અનિયમિતતા જેવાં કુદરત વિરુદ્ધનાં કાર્યો અને ટેવોથી આ બૅક્ટેરિયાને પારાવાર નુકસાન થાય છે અને એની સંખ્યા ઘટી જાય છે.’
વધુપડતી ઍન્ટિબાયોટિક્સ દવાઓ લેવાથી, ઍસિડિટીની દવાઓ વધુપડતી અને સતત લેતા રહેવાથી પણ પેટના બૅક્ટેરિયા નાશ પામવાથી એની સંખ્યા ઘટી જાય છે. ડૉ. પારેખનું કહેવું છે કે પેટનો ઍસિડ ઓછો કરવા માટે તમે ઍસિડિટીની દવાઓ લો છો, પણ એ ઍસિડમાં જ તો આ બૅક્ટેરિયા હોય છે. તેથી તમે ઍસિડિટી માટેની દવા વધુ લાંબો સમય લેતા રહેશો તો તમારા પેટના આ બૅક્ટેરિયા મરી જશે. એવું જ ઍન્ટિબાયોટિક દવાઓ લેવાથી પણ થાય છે. તેથી આ દવાઓ હંમેશાં સમજીને લેવી જોઈએ. વધુ લાંબા સમય સુધી તો ન જ લેવી જોઈએ.
કુદરતી અને નિયમિત જીવન જીવો. સાદું, શુદ્ધ અને સંતુલિત ભોજન ખાઓ.
દહીંમાં આ બૅક્ટેરિયા વધુ હોય છે જે પેટના બૅક્ટેરિયાની સંખ્યા વધારે છે અને પાચનમાં મદદ કરે છે. તેથી જ દહીં કે છાશ લેવાથી પાચન સારું થાય છે અને જમ્યા પછી છાશ પીવા માટે આયુર્વેદમાં પણ ભારપૂર્વક કહેવાયું છે કે ‘ભોજનાન્તે પીબેત તક્રમ, કિં વૈદ્યસ્ય પ્રયોજનમ?’ (ભોજન પછી રોજ છાશ લો તો પછી વૈદની શી જરૂર છે?)
ધુમાડા અને પ્રદૂષણવાળા વાતાવરણથી દૂર રહો.
જો બૅક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો પ્રીબાયોટિક દવાઓ લઈ શકાય. ડૉક્ટરની સલાહ સિવાય આ દવાઓ પણ લેવી યોગ્ય નથી.


