ડિલિવરી પછી બહુ જરૂરી એવી કાળજી કેવી રીતે રાખશો?

હેલ્થ-વેલ્થ - પાર્ટ ૨ - જિગીષા જૈન
બાળક આવ્યા પછી સ્ત્રીની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તે શરીર અને મનથી તો બદલાય જ છે; સાથે બદલે છે તેની જવાબદારીઓ, તેનું રૂટીન અને તેની જીવનની અગત્યતાઓ. સૌથી મહત્વની વાત એ કે મા બન્યા પછી તેની જિંદગી પર તેનો પોતાનો કન્ટ્રોલ રહેતો નથી. આવા કપરા સમયમાં સ્ત્રીને ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. દિવસે-દિવસે સ્ત્રીઓને મળતું એક્સપોઝર વધતું જાય છે અને એ એક્સપોઝરને કારણે તેની અંગત તકલીફો વધે છે. પહેલાંના સમયમાં મોટા ભાગની સ્ત્રીઓ સ્વીકારી લેતી કે ડિલિવરી પછી તો જાડા થઈ જવાય, પેટ બહાર નીકળી જ જાય. આજે યમ્મી મમ્મી બનવાના અભરખા દરેક સ્ત્રીને હોય છે. પહેલાંના સમયમાં બાળકનો ઉછેર કઈ રીતે કરવો, શું કરવું અને શું ન જ કરવું એ શીખવાનું, સમજવાનું કે એને અમલમાં મૂકવાનું ભારણ લઈને કોઈ સ્ત્રી ફરતી નહોતી.
આ સિવાય કોઈ પણ સ્ત્રી પહેલી વાર મા બને ત્યારે પોતાને કોઈ અનુભવ ન હોવાને કારણે સો જાતના પ્રશ્નો હોય છે. તે પોતે સાચું કરી રહી છે કે ખોટું, શું કરવું જોઈએ અને શું નહીં જેવા અનેક પ્રશ્નો તેને સતાવતા જ હોય છે. આવા સમયે પરિવારના સપોર્ટ સાથે નિષ્ણાત લોકોનો સપોર્ટ પણ અત્યંત જરૂરી છે અને ડિલિવરી પછી આજકાલ આ સપોર્ટ મેળવવા માટે પોસ્ટ-નેટલ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ પ્રોગ્રામ્સ કરવા માટે ગાયનેકોલૉજિસ્ટ કરતાં પણ વધુ ભાર સાઇકોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ આપતા હોય છે; કારણ કે આ સમયે જરૂરી સપોર્ટ, ધીરજ અને યોગ્ય ગાઇડન્સ ન મળે તો સ્ત્રીઓ પોસ્ટપાર્ટમ બ્લુઝ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ પણ બનતી જોવા મળે છે.
ક્યારે શરૂ કરવું?
જો સ્ત્રીની નૉર્મલ ડિલિવરી થઈ હોય તો ડિલિવરીનાં ચાર અઠવાડિયાં પછીથી જ તે પોસ્ટ-નેટલ પ્રોગ્રામ જૉઇન કરી શકે છે, જ્યારે નૉર્મલ ડિલિવરીમાં પણ જો કોઈ સ્ત્રીને ટાંકા આવ્યા હોય તો ડૉક્ટરની સલાહ મુજબ ટાંકા પૂરી રીતે રુઝાય જાય પછી જ પોસ્ટ-નેટલ શરૂ કરી શકાય. બાકી સિઝેરિયન ડિલિવરીમાં મોટા ભાગે અઢીથી ચાર મહિના પછી અને એ પણ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ પ્રોગ્રામ જૉઇન કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રી એક્સરસાઇઝ ક્યારથી શરૂ કરી શકે એની પરવાનગી ડૉક્ટર પાસેથી લઈને આગળ વધવું યોગ્ય ગણાય છે. પોસ્ટ-નેટલ પ્રોગ્રામમાં સૌથી વધુ ભાર સ્ત્રીના શરીર અને મનને ડિલિવરી પછી ફરી પહેલાં જેવું હેલ્ધી બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત બાળઉછેર માટેની કેટલીક જરૂરી બાબતો પણ તેમને શીખવવામાં આવે છે.
પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ
ડિલિવરી પછી જ્યારે સ્ત્રી પોસ્ટ-નેટલ શરૂ કરે છે ત્યારે સૌથી મહત્વની કસરત છે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ. આ વિશે જણાવતાં ફિઝિયોરીહૅબ-મલાડનાં ફિઝિયોથેરપિસ્ટ અંજના લોન્ગાની કહે છે, ‘જ્યારે નૉર્મલ ડિલિવરી થાય છે ત્યારે સ્ત્રીનો યોનિમાર્ગ ખૂબ જ સ્ટ્રેચ થયો હોય છે જે પોતાના કુદરતી આકારમાં એકદમથી આવી જતો નથી. મોટા ભાગની સ્ત્રીઓને એ લૂઝ રહી જતો હોય છે જેને કારણે તે છીંક ખાય કે ઉધરસ આવે તો યુરિન લીક થાય છે. મોટી ઉંમરે આ પ્રૉબ્લેમ ખૂબ વધી જાય છે એટલે ડિલિવરી પછી એવી ખાસ કસરતો છે જે કરવાથી યોનિ પહેલાંની જેમ સંકોચાઈ જાય છે. પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ એવી છે જે પ્રેગ્નન્સી દરમ્યાન પણ સ્ત્રીઓને કરાવી શકાય છે. જો એ દરમ્યાન પણ તેઓ એક્સરસાઇઝ કરે તો પ્રેગ્નન્સી પછી યોનિના સંકોચનમાં વધુ મદદ મળે છે.’
વેઇટલૉસ
મોટા ભાગે આ પ્રકારના પ્રોગ્રામને લોકો વેઇટલૉસ પ્રોગ્રામ જ ગણે છે, પરંતુ એવું હોતું નથી. વેઇટલૉસ એનો એક જરૂરી ભાગ છે, સંપૂર્ણ પ્રોગ્રામ નહીં. આ વિશે વાત કરતાં ફિઝિયોશ્યૉરનાં ફિઝિયોથેરપિસ્ટ વિભૂતિ કાણકિયા કહે છે, ‘મોટા ભાગની સ્ત્રીઓ એવું વિચારતી હોય છે કે બાળક એક-બે વર્ષનું થાય પછી હું મારા વધેલા વજન માટે વિચારીશ, અત્યારથી મારે કશું કરવું નથી. જોકે આ ખોટો વિચાર છે. જ્યારે સ્ત્રીઓ બ્રેસ્ટફીડિંગ કરતી હોય છે ત્યારે તેમનો મેટાબૉલિક-રેટ ખૂબ જ ઊંચો હોય છે અને આ સમયમાં તેમનું વજન ઉતારવું અત્યંત સરળ હોય છે. જો પ્રયત્ન કરીને સ્ત્રી દિવસનો એક કલાક પોતાની પાછળ કાઢે તો ફક્ત સુંદર દેખાવા માટે નહીં; પોતાની હેલ્થ, પોતાના આત્મવિશ્વાસ અને એનર્જી માટે એ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. જે લોકો પોસ્ટ-નેટલ પ્રોગ્રામ બરાબર ફૉલો કરે છે મોટા ભાગે તે સ્ત્રીઓ ડિલિવરીના એક વર્ષની અંદર જ પહેલાં જેવી દેખાવા લાગે છે.’
નાની-નાની પરંતુ અગત્યની બાબતો
ડિલિવરી પછી તરત જ બાળકના ઉછેરને લઈને આવતી સમસ્યાઓ જેમ કે બ્રેસ્ટફીડિંગમાં તકલીફ, રાત આખી જાગવાની આદત, સતત થોડી-થોડી વારે થતી સુ-સુ કે પૉટી, આ દરમ્યાન બાળકને અચાનક આવી જતી કોઈ બીમારી, તેનું વારંવાર રડ્યા કરવું, મોટા ભાગનો સમય તેડી-તેડીને ફરવું, માલિશ કઈ રીતે કરવી, કઈ રીતે નવડાવવું વગેરે વાતો અનુભવી લોકોને જે નાની લાગે એ પહેલી વાર મા બનનારી સ્ત્રી માટે અત્યંત મોટી હોય છે. આ સમસ્યાઓમાં શું કરવું એ પણ આ પ્રકારના પ્રોગ્રામમાં સમજાવવામાં આવે છે. નાનું બાળક શું સમજી શકે છે, તેની જોડે કઈ રીતે અને શું વાતો કરવી એ પણ શીખવવામાં આવે છે જેથી મમ્મી-પપ્પા અને બાળક વચ્ચે સરસ કમ્યુનિકેશન બને.
ડિપ્રેશનથી બચાવ
બાળક સૂઈ જાય ત્યારે મમ્મીએ પણ સૂઈ જ જવું, બાળકને રાત્રે સૂતાં-સૂતાં બ્રેસ્ટફીડિંગ ન કરાવવું, બાળક ૧૦થી ૧૫ મિનિટ સુધી સતત રડ્યા જ કરે તો તેને તરત ડૉક્ટર પાસે લઈ જવું જેવી મહત્વની મૂળભૂત માહિતી પણ આ પ્રકારના પ્રોગ્રામ્સમાં આપવામાં આવે છે. બાળકના સારા ગ્રોથ માટે કયા પ્રકારનું મ્યુઝિક સાંભળવું, તેની આસપાસ કેવું વાતાવરણ રાખવું વગેરે સ્પેસિફિક વસ્તુઓ પણ કેટલાક પ્રોગ્રામ્સમાં આવરી લેવામાં આવે છે. એ વિશે વાત કરતાં વિભૂતિ કાણકિયા કહે છે, ‘સાવ નાની લાગતી આ બાબતો એક મમ્મી માટે અત્યંત જરૂરી હોય છે, કારણ કે તે પોતે પોતાના બાળકને બધું જ બેસ્ટ આપવા માગતી હોય છે. જે બાબતોમાં તેને સમજ નથી અને તેનાથી કંઈક ખોટું થઈ જાય તો તે ભયંકર અપરાધભાવ અનુભવતી થઈ જાય છે અને આવા નાના-નાના અપરાધભાવ, અપૂરતી ઊંઘ, પોતાનું બદલાયેલું શરીર અને પોતાની જિંદગી પરથી જતો રહેલો પોતાનો કન્ટ્રોલ તેને ડિપ્રેશન તરફ ધકેલતો જાય છે. જ્યારે તે નાની-નાની બાબતે શ્યૉર હોય છે ત્યારે તેને પોતાના માતૃત્વથી સંતોષ મળે છે અને એ સંતોષ તેને આ ડિપ્રેશનથી બચાવે છે.’


