શરીરના જુદા-જુદા ભાગોમાંથી જ્યારે લોહી વહે ત્યારે...

હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
પાર્લાના એક પંચાવન વર્ષના સજ્જનને પેટમાં દુખતું અને મળમાં લોહી પડવાનું શરૂ થયું હતું. તેમને ૨-૩ વર્ષ પહેલાં પાઇલ્સની તકલીફ થઈ હતી. દવાઓ દ્વારા તેમનામાં ઘણો સુધાર હતો. ફરીથી આ લોહી પડવાનું શરૂ થયું એટલે તેમને લાગ્યું કે પાઇલ્સની તકલીફ ફરીથી શરૂ થઈ છે. તેમની મેળે તેમણે જૂની દવાઓ શરૂ કરી દીધી.
મહિનો-બે મહિના થયા, પરંતુ ઠીક જ થયું નહીં. લોહી પડવાનું ચાલુ રહ્યું. તેમણે આ વાત પર ધ્યાન આપ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે પાઇલ્સની સમસ્યા લાંબા ગાળાની છે અને જલદી ઠીક થવાનું નથી. આ પ્રકારના બ્લીડિંગને તેમણે સામાન્ય ગણીને દવાઓ અને ઘરગથ્થુ ઉપચાર ચાલુ રાખ્યા. આમ ને આમ ૬ મહિના વીતી ગયા અને લોહી પડવાનું ચાલુ રહ્યું. કોઈ ભલા માણસે કહ્યું કે તેમણે ડૉક્ટરને આ વિશે જાણ કરવી જ જોઈએ અને વ્યવસ્થિત ચેક-અપ કરાવવું જોઈએ. ચેક કરાવવાથી ખબર પડી કે આ ભાઈને આંતરડાનું કૅન્સર હતું. જાણ મોડી થવાને લીધે કૅન્સર સારુંએવું ફેલાઈ ગયું હતું. જે મળમાર્ગ હતો એ આખો કૅન્સરને કારણે બંધ થઈ ગયો હતો. ઇલાજ અત્યારે ચાલી રહ્યો છે. ડૉક્ટરોનું કહેવું હતું કે જો તે થોડા વહેલા આવી ગયા હોત તો આટલુંબધું નુકસાન ન થયું હોત. એક નાની એવી ગફલત વ્યક્તિ માટે કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે એ આ કિસ્સા પરથી સમજી શકાય છે.
લક્ષણનું મહત્વ
આપણે બધા જ જાણીએ છીએ કે કૅન્સર એક ઘાતક રોગ છે. આ ઘાતક રોગનો આજે ઘણો ઍડ્વાન્સ ઇલાજ શક્ય છે. પરંતુ શરત એક જ છે કે એનું નિદાન જલદી થવું જોઈએ. એ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલનાં કન્સલ્ટન્ટ ઑન્કો સજ્ર્યન ડૉ. મેઘલ સંઘવી કહે છે, ‘શરીરમાં ઉપરના ભાગોમાં કૅન્સર થાય તો ગાંઠ જેવું ઊપસી આવે છે જેને લીધે ખબર પડી જાય કે વ્યક્તિને કંઈક તકલીફ થઈ છે અને એનું નિદાન જલદી શક્ય બને છે, જેમ કે બ્રેસ્ટ-કૅન્સર. જે સામે જ જોઈ શકાય છે જેમ કે મોઢું કે સ્કિન એ પ્રકારનાં કૅન્સરમાં પણ ઝડપી નિદાન શક્ય છે, પરંતુ શરીરના એકદમ અંદરના ભાગોમાં થતા કૅન્સરને શરૂઆતના સ્ટેજમાં ઓળખવું અઘરું બને છે અને જ્યારે આ કૅન્સરમાં શરૂઆતના સ્ટેજમાં એનું નિદાન થતું નથી ત્યારે સમય જતાં આ કૅન્સર ફેલાઈ જાય છે અને એ ઘાતક બની જાય છે. અમુક એવાં ચિહ્નો છે જેનાથી આ અંદરના ભાગોમાં થતા કૅન્સર વિશે જાણવું સરળ બની જાય છે. પરંતુ જરૂરી છે કે એ ચિહ્નો વિશેની માહિતી આપણી પાસે હોય. એક વાર જાણકારી મળ્યા બાદ એ પણ જરૂરી છે કે આ ચિહ્નોને આપણે ગંભીરતાથી લઈએ.’
લોહી નીકળે ત્યારે
આવાં ચિહ્નોમાં એક મુખ્ય ચિહ્ન છે લોહી નીકળવું. જ્યારે પણ શરીરના ખુલ્લા ભાગોમાંથી લોહી નીકળે ત્યારે એ લક્ષણને સામાન્ય સમજવાની ભૂલ ભારે પડી શકે છે, કારણ કે આ લક્ષણ એવું નથી જેને અવગણી શકાય. કોઈ પણ ભાગમાં જ્યારે કૅન્સર જન્મે છે ત્યારે શક્ય છે કે થોડું પ્રસરવાને લીધે એ ભાગમાંથી બ્લીડિંગ થઈ શકે છે. હવે જો એ શરીરનો ભાગ એકદમ અંદર તરફ હોય તો ખબર નહીં પડે અને એ ઇન્ટરનલ બ્લીડિંગ બની જાય છે, પરંતુ જ્યારે આ બ્લીડિંગને માર્ગ મળે ત્યારે એ બહાર આવે છે. એવું પણ જરૂરી નથી કે લોહી નીકળે એનો અર્થ એમ જ થાય કે કૅન્સર જ છે. લોહી ઘણાં જુદાં-જુદાં કારણોસર નીકળી શકે છે, પરંતુ જરૂરી છે કે જ્યારે પણ લોહી નીકળે ત્યારે તમે એ લોહી કેમ નીકળી રહ્યું છે એ પાછળનાં કારણોની તપાસ કરો.
ડૉ. મેઘલ સંઘવી પાસેથી જાણીએ કે શરીરના કયા-કયા ભાગમાંથી લોહી વહે ત્યારે કૅન્સરનાં લક્ષણ હોવાની શક્યતા રહે છે.
કફમાં લોહી
ઘણા લોકો કફનો ગળફો કાઢે ત્યારે એ ગળફામાં લોહી પડી શકે છે. આ લોહી જોઈ શકાય છે. અમુક લોકો આ લક્ષણને ગણકારતા નથી, કારણ કે તેને લાગે છે કે ગળું છોલાઈ ગયું છે એને કારણે આવું થયું છે. પરંતુ જ્યારે કફમાં લોહી પડે ત્યારે એ એક ગંભીર વાત છે. એનું કારણ ટીબી પણ હોઈ શકે છે જે ટેસ્ટ દ્વારા ચેક કરીને જ ખબર પડે. કૅન્સરની વાત કરીએ ત્યારે જ્યારે વ્યક્તિને ફેફસાંનું કે શ્વાસનળીનું કૅન્સર થાય ત્યારે તેને ગળફામાંથી લોહી નીકળે છે.
ઊલટીમાં લોહી
જ્યારે કોઈને લોહીની ઊલટી થાય એ તો અત્યંત ગંભીર અવસ્થા છે અને એને કોઈ અવગણી જ ન શકે, પરંતુ ક્યારેક ઊલટી થાય અને એમાં થોડુંક લોહી આવે છે એવી શંકા પણ જાય તો ચોક્કસ તાત્કાલિક ડૉક્ટર પાસે જવું અને જરૂરી ટેસ્ટ કરાવવી. કૅન્સરની વાત કરીએ તો મોટા ભાગે પેટનું કૅન્સર હોય ત્યારે ઊલટીમાં લોહી પડી શકે છે.
નાકમાંથી લોહી
જ્યારે નાકમાંથી લોહી નીકળે ત્યારે મોટા ભાગે નસકોરી ફૂટી હોય એમ લાગે. વળી ગરમીના દિવસોમાં આવું વધુ બનતું હોય છે, પરંતુ ઘણી વાર મોઢાનું કૅન્સર થયું હોય તો આ ચિહ્ન સંભવ છે. આ સિવાય ઘણી વાર કોઈનું બ્લડ-પ્રેશર વધી ગયું હોય તો પણ આ લક્ષણ દેખાઈ શકે છે. મગજ સંબંધિત કોઈ સમસ્યામાં પણ નાકમાંથી લોહી જઈ શકે છે.
વજાઇનામાંથી લોહી
આ એક ખૂબ જ મહત્વનું લક્ષણ છે. મોટા ભાગે વજાઇનામાંથી માસિક દરમ્યાન જે સ્રાવ થતો હોય છે એ સિવાય બે માસિકની વચ્ચે ગમે તે સમયે લોહીનો સ્રાવ થાય, તમને એનો રંગ લોહી જેવો ન પણ લાગે તો પણ એક વખત ડૉક્ટર પાસે જઈને ચેક કરાવવું અત્યંત જરૂરી છે, કારણ કે સર્વાઇકલ કૅન્સર, ગર્ભાશયનું કૅન્સર કે ઓવરીનું કૅન્સર હોય તો વજાઇનામાંથી લોહી પડવાની શક્યતા રહે છે. આ બધાં જ કૅન્સરનું એક મુખ્ય લક્ષણ આ જ છે. બને કે કૅન્સર ન પણ હોય અને બીજી કોઈ સામાન્ય સમસ્યા જ હોય, પરંતુ ચેક કરાવવામાં ઢીલ દેવી જોઈએ નહીં.
યુરિનમાં લોહી
યુરિનમાંથી લોહી પડે ત્યારે શક્ય છે કે વ્યક્તિને કિડનીનું, મુત્રાશયનું કે મૂત્રમાર્ગનું કૅન્સર હોય. આ એક અલાર્મિંગ લક્ષણ છે. એ ક્યારેય પણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને મળીને જરૂરી ટેસ્ટ કરાવવી અત્યંત જરૂરી છે. ઘણા લોકોને સમજ નથી પડતી ત્યારે એ જરૂરી છે કે તે દર વર્ષે એક વાર યુરિન રૂટીન ટેસ્ટ ચોક્કસ કરાવડાવે.
મળમાં લોહી
પૂંઠમાંથી મળ વાટે લોહી વહેતું હોય ત્યારે મોટા ભાગના લોકો સમજે છે કે તેમને પાઇલ્સનો રોગ થયો છે, કારણ કે એ ખૂબ જ સમાન્ય રોગ છે. પરંતુ જ્યારે આંતરડાનું, કોલોનનું કે રેક્ટમનું કૅન્સર થયું હોય તો પણ મળમાં લોહી પડે છે. માટે આ લક્ષણને પણ સમાન્ય ગણવાની ભૂલ ન કરવી.
માઇક્રોસ્કોપિક બ્લીડિંગ
ઘણી વાર મળ અને યુરિનમાં બ્લીડિંગ થતું હોય એ લોહીના એટલા નાના-નાના કણ હોય છે જે યુરિન કે મળ સાથે વહી જતા હોય છે અને એને નરી આંખે જોઈ શકાતા નથી. આવા સંજોગોમાં ખબર નહીં પડે કે વ્યક્તિને બ્લીડિંગ થાય છે અને તકલીફ જલદીથી પકડી શકાતી નથી. એ માટે દર ૬ મહિને કે વર્ષે એક વાર યુરિન અને સ્ટૂલની સામાન્ય ટેસ્ટ જરૂર કરવી જોઈએ.
ADVERTISEMENT
હેલ્થ-ડિક્શનરી
ડીઓડરન્ટ અને ઍન્ટિ-પર્સ્પિરન્ટમાં શું ફરક?
ઉનાળાની ગરમીમાં પસીનો અને ગંધ રોકીને શરીરને સુગંધિત રાખવા માટે થોકબંધ ફ્રેન્ગ્રન્સનો ઉપયોગ થાય છે. જોકે મોટા ભાગના લોકો ઍન્ટિ-પર્સ્પિરન્ટ અને ડીઓડરન્ટનો ભેદ સમજી શકતા નથી. એટલે જ આ બેમાંથી કઈ ચીજ વધુ સેફ છે એ સમજાતી નથી.
ડીઓડરન્ટ એના નામ મુજબ ‘ડી ઓડરન્ટ’ છે. ઓડર એટલે કે શરીરમાંથી આવતી સ્મેલને દૂર કરીને સુગંધ પ્રસરાવે એ ડીઓડરન્ટ. એ પસીનો રોકશે નહીં, પણ પસીનાને કારણે ઊભી થતી ગંધ દૂર કરશે. આમેય મોટા ભાગે પસીનો ગંધવાળો નથી હોતો, પણ ગંધ ભેજવાળી જગ્યામાં પનપતા બૅક્ટેરિયાને આભારી હોય છે. ડીઓડરન્ટ પસીનો પણ અટકાવતું નથી અને બૅક્ટેરિયાનો નાશ પણ નથી કરતું. માત્ર ગંધને બીજી સુગંધથી ઓવરપાવર કરી લે છે. એટલે જ ડીઓડરન્ટની અસર બહુ થોડાક કલાકો માટે જ અને ક્યારેક તો માત્ર મિનિટો પૂરતી જ અસર કરે છે. નૅચરલ અને હર્બલ સુગંધ ધરાવતાં અને ઓછાં ટૉક્સિન્સ પેદા કરતાં ડીઓડરન્ટ્સ મળી શકે છે.
હવે વાત કરીએ ઍન્ટિ-પર્સ્પિરન્ટની. નામ મુજબ એ પãસ્ર્પરેશન એટલે કે પરસેવો રોકવાનું કામ કરે છે. ઍન્ટિ-પર્સ્પિરન્ટ ત્વચાનાં અત્યંત સૂક્ષ્મ છિદ્રોમાંથી નીકળતો પસીનો રોકવા માટે એ છિદ્રોને જ પૂરી દે છે. એ કામ થાય છે ઍલ્યુમિનિયમ ધાતુની મદદથી. અલબત્ત, પ્રસ્વેદગ્રંથિઓ પરસેવો પેદા કરે છે, પણ અમુક ચોક્કસ ભાગનાં છિદ્રો પુરાઈ જવાથી ત્યાંથી પરસેવો નીકળી શકતો નથી. ગરમીમાં પણ બગલને કોરીધાકોર રાખવાના દાવા કરતા ઍન્ટિ-પર્સ્પિરન્ટ્સમાં ભારોભાર ઍલ્યુમિનિયમ ધાતુ વપરાયેલી હોય છે. મૉડર્ન અભ્યાસોમાં કહેવાયું છે કે ઍલ્યુમિનિયમનો પ્રયોગ બ્રેસ્ટ-કૅન્સર અને ઑલ્ઝાઇમર્સ જેવા રોગોનું જોખમ વધારે છે. ઍન્ટિ-પર્સ્પિરન્ટમાં નૅચરલ કેમિકલ હોવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે.
આ ફરક જાણ્યા પછી જાતે જ નક્કી કરી શકશો કે બેમાંથી શું વાપરવું.


