Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રક્તદાન કરવાથી તમને ડર લાગે છે?

રક્તદાન કરવાથી તમને ડર લાગે છે?

Published : 15 June, 2015 06:23 AM | IST |

રક્તદાન કરવાથી તમને ડર લાગે છે?

રક્તદાન કરવાથી તમને ડર લાગે છે?



blood donation



જિગીષા જૈન

કુદરતે માણસને ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી બનાવ્યું છે અને એ બુદ્ધિના પ્રયોગરૂપે માણસે કેટકેટલી જુદી-જુદી કુદરતની બનાવટોને પારખી લીધી છે અને પોતાની જાતે બનાવવાની કોશિશ પણ કરી છે. ઘણી હદે, ઘણી રીતે આપણે આ કોશિશોમાં સફળ રહ્યા છીએ અને મેડિકલ સાયન્સનો વિકાસ આપણને ઘણો આગળ લઈ ગયો છે. પરંતુ અમુક વસ્તુ છે, જેને હજી પણ આપણે શોધી શક્યા નથી. અમુક ભેદી વસ્તુઓ કુદરતે એવી બનાવી છે જેનો તાગ આપણી વિશિટ બુદ્ધિ લગાવી શકી નથી. એ ભેદી વસ્તુઓમાં એક છે માનવશરીરને જીવંત રાખતું લોહી. મેડિકલ સાયન્સની આટલી પ્રગતિ પછી પણ આપણે લોહીને લૅબોરેટરીમાં બનાવી શક્યા નથી. લોહી છે તો શરીર અકબંધ છે. લોહીની કમી માણસના જીવને જોખમમાં નાખે છે. લોહીની જરૂરત દુનિયાભરમાં લાખો લોકોને પડે છે. લોહી દરેક વ્યક્તિના શરીરમાં જ ઉત્પન્ન થાય છે. આથી એક માણસનો જીવ બચાવવા બીજો માણસ રક્તદાન કરે છે. કોઈએ આપેલું પોતાનું રક્ત કોઈ જરૂરતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકે છે. વળી એક બૉટલ લોહીથી વધુમાં વધુ ત્રણ વ્યક્તિને બચાવી શકાય છે. એટલે જ તો રક્તદાનને મહાદાન કહેવાય છે. ગઈ કાલે સમગ્ર દુનિયામાં રક્તદાનનો મહિમા ગાતો વલ્ર્ડ બ્લડ-ડોનર ડે ઊજવાયો. એ નિમિત્તે જાણીએ રક્તદાન સંબંધી કેટલીક ખાસ ઉપયોગી વાતો. 

રક્તદાન સંબંધી અમુક વસ્તુઓ જાણી લેવી અત્યંત જરૂરી છે. આમ તો કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે, પરંતુ એના થોડા નિયમો છે જેને ધ્યાનમાં રખવામાં આવે છે. આ નિયમોને સ્પક્ટ કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન ડૉ. બેહરામ પારડીવાલા કહે છે, ‘૧૭ વર્ષથી ઉપરના અને ૬૦ વર્ષથી નીચેના લોકોને મોટા ભાગે રક્તદાન કરવા દેવામાં આવે છે, જેમાં દાન દેનાર વ્યક્તિનું વજન લગભગ પચાસ કિલો કે એથી વધુ હોવું જરૂરી છે. સામાન્ય રીતે આ વ્યક્તિ હેલ્ધી વ્યક્તિની પરિભાષામાં ફિટ થતી હોય તો તેને રક્તદાન કરવાની પરવાનગી મળી શકે છે.’

કોણ ન કરી શકે?

જે વ્યક્તિએ જીવનમાં ક્યારેય ડ્રગ્સ લીધું હોય, ડૉક્ટરે ન આપી હોય એવી કોઈ દવા જેમ કે સ્ટેરૉઇડ્સ વગેરે ઇન્જેક્શન વડે લીધી હોય, શરીર પર ટૅટૂ ચિતરાવેલું હોય, જેમને કોઈ પણ કારણોસર લોહી જામવામાં એટલે કે વહેતું લોહી અટકવામાં તકલીફ થતી હોય, જેમને કોઈ HIV જેવા જાતીય રોગ હોય એવા લોકો રક્તદાન કરી શકતા નથી. કેટલીક બીમારીઓ એવી છે જે હોય તો વ્યક્તિ રક્તદાન કરી શકતી નથી. એના વિશે માહિતી આપતાં ડૉ. બેહરામ પારડીવાલા કહે છે, ‘જો વ્યક્તિને હેપેટાઇટિસ જેવું કોઈ ઇન્ફેક્શન હોય, એનીમિયા એટલે કે લોહીમાં હીમોગ્લોબીનની કમી હોય, જો વ્યક્તિ કુપોષણની શિકાર હોય, વ્યક્તિને હાઈ બ્લડ-પ્રેશરની બીમારી હોય કે પછી ડાયાબિટીઝ હોય અને તેની શુગર કન્ટ્રોલમાં ન રહેતી હોય; જેને કારણે તેને આંખનો કે કિડનીનો કોઈ પ્રૉબ્લેમ હોય તો એવી વ્યક્તિ રક્તદાન નથી કરી શકતી. જન્મતાંની સાથે લોહી સંબંધી કોઈ જિનેટિક બીમારી જેમ કે થૅલેસેમિયા માઇનર પણ હોય તો આવી વ્યક્તિ બ્લડ ડોનેટ નથી કરી શકતી. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ રક્તદાન માટે જાય છે ત્યારે તેની સંપૂર્ણ હિસ્ટરી લેવામાં આવે છે. આ સમયે વ્યક્તિએ વગર ભૂલ્યે બધી જ માહિતી આપવી જરૂરી છે.’

રક્તદાન કરતાં પહેલાં

તમે જે દિવસે રક્તદાન કરવાનું વિચાર્યું છે એની આગલી રાત્રે વ્યવસ્થિત ઊંઘ લો. રક્તદાન કર્યા પહેલાં કંઈક હેલ્ધી ખાઈને જાઓ. કોઈ પણ પ્રકારના ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો કે જન્ક ફૂડ ખાવાનું ટાળો. ઇન્ફેક્શનની જે ટેસ્ટ બ્લડ-ડોનેશન કૅમ્પ પર કરવામાં આવે છે એ ટેસ્ટ પર ફૅટ્સ અસર કરતી હોય છે. આ ફૅટ્સ ખોરાક લીધા પછી કલાકો સુધી લોહીમાં જોવા મળે છે. રક્તદાન કરો એ પહેલાં અડધા લિટર જેટલું વધારાનું પાણી પી લેવું જરૂરી છે. રક્ત આપતાં પહેલાં કૅમ્પ પર હંમેશાં બ્લડ-પ્રેશર, ધબકારા અને શરીરનું તાપમાન નોંધવામાં આવે છે. જો એ અનુકૂળ હોય તો થોડું લોહી લઈને હીમોગ્લોબીન લેવલ ચેક કરવામાં આવે છે. જો એ બરાબર હોય તો વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

રક્તદાન પછી

રક્તદાન થઈ ગયા પછી ૧૫ મિનિટ સુધી આરામથી બેસો અને આરામ કરો. થોડુંક લાઇટ કંઈક ખાઈ શકો છો. ૧૫ મિનિટ પછી તમે ત્યાંથી નીકળી શકો છો. રક્તદાન થઈ ગયાના ૨-૩ દિવસ સુધી વધુ પાણી પીઓ. એ દિવસ પૂરતું હેવી કામ જેમ કે વજન ઉપાડવું કે વધુપડતું ટ્રાવેલિંગ ટાળવું. જો તમને માથું ભમતું હોય એમ લાગે તો પગ ઊંચા કરીને થોડી વાર સૂઈ જાઓ, જ્યાં સુધી સારું ન લાગે. હાથ પરનું બૅન્ડેજ ચાર-પાંચ કલાક સુધી એમ જ રાખો. જ્યારે એ બૅન્ડેજ કાઢો ત્યારે લોહી વહેતું હોય તો હાથ ઉપર તરફ રાખીને એ ભાગને દબાવી રાખો. જો તમને હાથ ખૂબ દુખવા લાગે તો ડૉક્ટરની સલાહ લઈને દવા લઈ લો. બ્લડ ડોનેટ કર્યા પછી લૅબોરેટરીમાં આ બ્લડને હેપેટાઇટિસ, HIV અને સિફિલિસ જેવા રોગોના ટેસ્ટિંગમાંથી પસાર થવું પડે છે. જો આ ટેસ્ટ પૉઝિટિવ આવે તો એ રક્તદાન વિફળ જાય છે અને લૅબોરેટરીવાળા તમને આ બાબતે જાણ કરે છે.  

સામાન્ય રીતે એક વખત રક્તદાન કર્યા પછી વ્યક્તિ ૩ મહિના પછી જ રક્તદાન કરવાની પરવાનગી મળે છે. અમુક રિસર્ચ જણાવે છે કે રક્તદાન કરવાથી દાન મેળવનારની સાથે દાન આપનારને પણ ઘણા ફાયદા થાય છે.

૧. એક રિસર્ચ અનુસાર ૪૧-૬૦ વર્ષની વ્યક્તિ જો દર ૬ મહિને રક્તદાન કરે તો એના પર હાર્ટ-ડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે.

૨. રક્તદાનથી આયર્ન લેવલ શરીરમાં ઘટે છે એટલે લોહી પાતળું બને છે, જેનાથી એનું પરિભ્રમણ ખૂબ જ સારું થાય છે. આથી ફક્ત હાર્ટને જ નહીં; કિડની, બ્રેઇન, લિવર બધાને ફાયદો થાય છે.

૩. રિસર્ચ અનુસાર વર્ષે બે વખત રેગ્યુલર રક્તદાન કરનાર વ્યક્તિ પર કૅન્સરનું રિસ્ક પણ ઘટે છે.

૪. એક વખતના રક્તદાનથી ૬૫૦ જેટલી કૅલરી બળે છે. શરીરમાંથી લોહી જતું રહે ત્યારે લોહી બનાવવા માટે શરીરે મહેનત કરવી પડે છે, જે થોડા વેઇટલૉસમાં મદદરૂપ થાય છે.

૫. આ ફાયદાઓ ઉપરાંત સૌથી મોટો ફાયદો છે કે રક્તદાનથી સંતોષ મળે છે. એક વ્યક્તિના જીવનને ટેકો આપવાનો સંતોષ અને એક માણસ તરીકેની ફરજ પૂર્ણ કરવાનો સંતોષ.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2015 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK