અન્ય તેલોની સરખામણીએ દિવેલ કૉન્સ્ટિપેશનની અક્સીર દવા છે. પાછલી વયે કબજિયાત, પાઇલ્સ, ઘૂંટણમાં દુખાવો જેવી સમસ્યા ઘર કરી ગઈ હોય ત્યારે એરંડિયાનું તેલ લાભદાયક નીવડી શકે છે
પ્રતીકાત્મક તસવીર
હવે તો આમન્ડ ઑઇલ અને ઑલિવ ઑઇલના જમાનામાં લોકો આપણા જૂના પુરાણા દિવેલ એટલે કે એરંડિયાને ભૂલી જ ગયા છે. જોકે એ અનેક રીતે સ્વાસ્થ્યપ્રદ છે. દિવેલ એરંડિયાના બીજમાંથી કાઢવામાં આવે છે જે થોડું પીળાશ પડતું, અન્ય તેલની સરખામણીમાં જાડું અને વધારે પડતું ચીકણું હોય છે જેનો ઉપયોગ એના ઔષધિય ગુણોને કારણે વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અને સ્કિન કૅર માટે કરવામાં આવે છે. મોટા ભાગે આપણે એરંડિયાને કબજિયાતના ઔષધ તરીકે ઓળખીએ છીએ અને એક વય પછી મળસારણની તકલીફમાં દિવેલ ખૂબ જ કામનું છે એવું જણાવતાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા વૈદ્ય દિલીપ ત્રિવેદી કહે છે, ‘દરેક ઔષધીના ગુણો હોય છે. કોઈ રેચક હોય, કોઈ કબજિયાત કરે, કોઈ વાયુ કરતી હોય, કોઈ પાચન કરતી હોય. એરંડિયાના તેલના જે ગુણો છે એ રેચક (લૅક્સેટિવ) એટલે કે પેટની ગંદકીને સાફ કરનારા છે. એટલે કબજિયાતની સમસ્યા માટે એરંડિયાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ સાફ ન આવતું હોય તેઓ એરંડિયું લેતા હોય છે. એનો સ્વાદ કડવો હોવાથી ઘણા લોકો એક ચમચી તેલને ગરમ દૂધમાં કે ગરમ પાણીમાં નાખીને પીવે છે. જેમને પાઇલ્સની તકલીફ હોય તેમણે રેચક તરીકે દિવેલનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે પાઇલ્સ થવાનું કારણ જ કબજિયાત છે. જ્યારે મળત્યાગ કરવામાં સમસ્યા થાય અને તમે વધુપડતું પ્રેશર લગાવો ત્યારે પાઇલ્સ થાય છે. એટલે જે લોકોને પાઇલ્સની સમસ્યા હોય એ લોકો પણ એરંડિયાના તેલનું સેવન કરી શકે અથવા પાઇલ્સ હોય ત્યાં લગાવી શકે, જેનાથી મળત્યાગ કરવામાં સરળતા પડે છે.’
સાંધામાં લુબ્રિકેશન | બીજું, જેને જૉઇન્ટ પેઇન રહેતું હોય એ લોકો માટે એરંડિયું વરદાનરૂપ છે એમ જણાવતાં દિલીપભાઈ કહે છે, ‘એરંડિયાના તેલમાં સૂંઠ નાખીને એને ખાવામાં આવે તો સાંધામાં રહેલો વાયુ ઓછો થાય છે. રાત્રે સૂતાં પહેલાં એક ચમચી એરંડિયાના તેલમાં સૂંઠનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે. ઘણા લોકો નાભિ પર પણ કૅસ્ટર ઑઇલ લગાવે છે. આયુર્વેદમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યા માટે નાભિ પર તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં બેથી પાંચ ટીપાં ડૂંટીમાં નાખે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા થાય છે. જેમ કે નાભિ પર એરંડિયાનું તેલ લગાવવાથી પાચનતંત્ર મજબૂત બનાવવામાં મદદ મળે છે.’
ADVERTISEMENT
ડિલિવરી અને માસિકમાં ઉપયોગી | જે બહેનોને છેલ્લી ઘડીએ લેબર પેઇન ન આવતું હોય ત્યારે ઘણા ડૉક્ટર્સ કૅસ્ટર ઑઇલના પ્રયોગો કરતા હોય છે એમ જણાવતાં વૈદ્ય દિલીપ ત્રિવેદી કહે છે, ‘પ્રેગ્નન્સીના નવ મહિના પૂર્ણ કર્યા પછી પણ ડિલિવરીના કોઈ સંકેત ન દેખાય ત્યારે ડૉક્ટર્સ એનો ઉપયોગ કરે છે. તમે જોશો તો ઘણી વાર મહિલાઓને માસિક દરમિયાન દુખાવો થતો હોય છે. એ સમયે તેઓ માસિક આવવાના બે-ત્રણ દિવસ પહેલાં એરંડિયાના તેલનું સેવન રાત્રે સૂતા પહેલાં કરે તો સોજો અને દુખાવો ઓછો થાય છે. હૉર્મોન બૅલૅન્સ કરવામાં અને ઇરેગ્યુલર પિરિયડ્સને રેગ્યુલર કરવામાં પણ એ મદદ કરે છે.’

