મરાઠી સિરિયલોના જાણીતા ઍક્ટર અને અત્યારે ઍન્ડ ટીવીની સિરિયલ ‘અટલ’માં લીડ કૅરૅક્ટર કરતા આશુતોષ કુલકર્ણી બહુ સ્પષ્ટતાપૂર્વક માને છે કે આ એક બાબતને કારણે જ લોકો ઘણી વાર સારા કામમાં ઢીલ કરી દેતા હોય છે અને પછી વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે
આશુતોષ કુલકર્ણી
આ દુનિયાનો સૌથી મોટો રોગ કયો?
ક્યા કહેંગે લોગ.
આ તમે સાંભળ્યું હશે, પરંતુ એનાથી પણ મોટો રોગ ખબર છે કયો? ‘ક્યા ફરક પડતા હૈ’વાળો ઍટિટ્યુડ.
એક વાત સમજી લેજો કે જીવનમાં દરેક બાબતનો ફરક પડે જ છે અને એ ફરકનો પ્રભાવ કેવો હોય છે એ સમજાય ત્યાં સુધીમાં ઘણી વાર ખૂબ મોડું થઈ ગયું હોય છે. ફિટનેસની બાબતમાં પણ લોકો એ જ રીતે ગાફેલ રહેતા હોય છે. મારી દૃષ્ટિએ આજના સમયમાં બાળકને થોડું ઓછું ભણાવશો તો ચાલશે; પણ તેને મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી અને સોશ્યલી હેલ્ધી કેમ રહેવું એની ટ્રેઇનિંગ આપવાનું ભૂલતા નહીં. યસ, એ અત્યારના સમયમાં અત્યંત આવશ્યક છે. ‘આપ ખાઓના, થોડા પેટ બઢ ગયા તો ક્યા ફર્ક પડતા હૈ’, ‘અરે, આજ શુગર ખા લો, એક દિન મેં ક્યા ફર્ક પડતા હૈ’, ‘અરે, આજ આરામ કર લો, એક દિન વર્કઆઉટ નહીં કિયા તો ક્યા ફર્ક પડતા હૈ...’ તમારા જીવનમાં આ ‘ક્યા ફર્ક પડતા હૈ’ વાક્યથી સર્વાધિક ઢીલ આવી જતી હોય છે જેને તમે નજરઅંદાજ કરી દેતા હો છો. નાનપણથી એટલે કે લગભગ તેર વર્ષનો હતો ત્યારથી ફિટનેસ, હેલ્થ અને ડાયટની બાબતમાં હું સાવચેત હતો. થૅન્ક્સ ટુ માય પાપા. આજે પણ મારા પર હેલ્થની બાબતમાં મારા ફાધર જ સીસીટીવી કૅમેરાની જેમ નજર રાખે છે. હેલ્ધી રહેવું જોઈએ અને એના માટે ડિસિપ્લિન જોઈએ એની ટ્રેઇનિંગ તેમના જ થકી મને મળતી રહે છે.
હું અને મારું રૂટીન...
દરરોજ એક કલાક ફિટનેસ માટે કાઢવાનો જ. મારા આ એક કલાકમાં રનિંગ હોય, જિમની ટ્રેઇનિંગ હોય અને મેડિટેશન પણ હોય. યસ, મારા માટે મેડિટેશન મહત્ત્વનું છે. બધું જ કર્યા પછી દસ મિનિટ હું ધ્યાનમાં બેસું છું અને આ મેડિટેશનની મિરૅક્યુલસ અસર મેં મારા જીવનમાં જોઈ છે અને મારી સાથે રહેતા લોકોએ અનુભવી છે. ધીમે-ધીમે એવું થવું જોઈએ કે તમે શ્વાસ લો ત્યારે-ત્યારે સતત મેડિટેશનની આછેરી ઝલક તમારી અંદર ચાલુ રહેવી જોઈએ. એક્સરસાઇઝમાં અતિ કરવાનું ટાળવું અને એક બૅલૅન્સ જાળવીને કામ કરવું એવું હું માનું છું.
ADVERTISEMENT
ડાયટ-પ્લાન મસ્ટ
હું ખાવાનો બહુ શોખીન નથી અને એ મારા માટે બહુ જ ઉપકારી નીવડેલી બાબત છે. ખરેખર. બહુ-બહુ તો મને ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન આઇટમો ભાવે અને લકીલી એ બધી જ હેલ્ધી ડિશ હોય છે. બીજી વાત એટલે કે તમે ફિઝિકલી શું ખાઓ છો એની સાથે જ તમે મેન્ટલી પણ શું મગજમાં પધરાવો છો એના પર નજર રાખવી જરૂરી છે. તમે ડાયટમાં કાર્બ્સ નથી ખાતા, ફ્રાઇડ નથી ખાતા, શુગર નથી ખાતા, સૉલ્ટ અને મેંદો નથી ખાતા, કોલ્ડ ડ્રિન્ક નથી પીતા વગેરે હોય તો ચાલે; પરંતુ એની સાથે તમે નકરાત્મક લોકોની વચ્ચે રહેતા હો, તમે બિનજરૂરી નેગેટિવિટીને સંઘરતા હો તો એ લાંબા ગાળે તમને ફિઝિકલ ડાયટમાં પણ નુકસાન જ કરશે. એટલે જે પણ કરો એમાં સભાનતા રાખો, અવેર રહો. અગેઇન, એ રીતે ડાયટમાં પણ મેડિટેશન મહત્ત્વનું છે.
ગોલ્ડન વર્ડ્સ
ડાયટ હોય કે એક્સરસાઇઝ પ્રોગ્રામ, શરૂ કરતાં પહેલાં કોઈ એક્સપર્ટની સલાહ લેવાનું ભૂલતા નહીં. ડાયટિશ્યન અને ફિટનેસ ટ્રેઇનર બન્ને તમને સાચો માર્ગ દેખાડશે, પણ તેમની સાથે તમારા ગોલ્સ ડિસ્કસ કરવા બેસશો ત્યારે તમને પોતાને પણ વ્યક્તિગત ધોરણે ખૂબ ક્લૅરિટી આવશે.


