બાળકને ક્યારે અને કયો ઘસારો આપવો?
સેજલ પટેલ
પહેલાંના જમાનામાં નવજાત શિશુઓને ઘસારો આપવાની પ્રથા હતી જે હવે લુપ્ત થતી જાય છે. જીવનનાં શરૂઆતનાં બે વર્ષ દરમ્યાન બાળકોને કંઈ પણ થાય તો અલગ-અલગ દવાઓના ઘસારા અપાતા હતા. એને કારણે બાળકની સમસ્યાઓ વિના દવાએ દૂર થઈ જતી. હવે તો શરદી થઈ છે તો એનું અલગ સિરપ. ખાંસી થઈ છે તો એનું અલગ સિરપ. તાવ આવ્યો છે તો એનું સિરપ પણ આપવામાં આવે છે. હવે ઘસારા તરીકે આપવાની કેટલીક તૈયાર આયુર્વેદિક ઔષધો મળે છે. બાળકને કડવાણી કે ઘસારા આપવા જોઈએ કે પછી તૈયાર ઔષધો લાવીને ચટાડી દઈએ તો ચાલે?
ઘસારો શું છે?
ઔષધનાં મૂળિયાં, પાન કે ફળને પથ્થર સાથે ઘસતાં એની અત્યંત બારીક પેસ્ટ તૈયાર થાય એ બાળકને ચટાડવામાં આવે છે એને ઘસારો કહે છે. આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘શિશુ માત્ર લિક્વિડ ફૂડ જ લઈ શકે એમ હોય છે. કોઈ પણ ઔષધનું ચૂર્ણ બનાવો એમાં પણ બારીક કણો હોય છે જે ગળામાં ભરાઈને ઇરિટેશન કરી શકે છે. ઔષધને પાણી કે દૂધમાં લસોટવાથી જે બારીક પેસ્ટ બને છે એ ખૂબ જ સ્મૂધ હોવાથી ગળામાં કોઈ જ ઇરિટેશન કર્યા વિના અંદર ઊતરી જાય છે. એટલું જ નહીં, એના ગુણ વધુ સઘન બને છે. બાળકોને ઓછી ઔષધમાત્રામાં વધુ લાભ થાય એ માટે ઘસારો બેસ્ટ ગણાય.’
તૈયાર સોગઠી અપાય?
હવે બજારમાં જાણીતી આયુર્વેદિક ફાર્મસીઓ દ્વારા બાળસોગઠીઓ અને ઘસારા તરીકે નિયમિત આપી શકાય એવી દવાઓ મળવા લાગી છે. શું એ દવાઓ બાળકને નિયમિત આપવી યોગ્ય છે? ડૉ. રવિ કોઠારી કહે છે, ‘એનો જવાબ થોડોક અસમંજસમાં મૂકી દે એવો છે. ઘણી તૈયાર સોગઠીઓ અને દવાઓ સારી હોય છે. જોકે આ સોગઠીઓમાં બે ડ્રૉબૅક છે. એક વાર પથ્થર પર લસોટીને તમે એને મૂકી રાખો પછી જો ભેજ રહી જાય તો એમાં ફંગલ અને બૅક્ટેરિયલ ગ્રોથ થઈ શકે છે જે ક્યારેક ફાયદો કરવાને બદલે નુકસાન કરી શકે છે. બીજું, દરેક વખતે સોગઠીમાંનાં તમામ દ્રવ્યોની બાળકને જરૂર નથી હોતી છતાં આપણે તેને એ ઔષધો આપ્યે રાખીએ છીએ. ઘણી કડવાણી અને સોગઠીઓમાં અતિવિષની કળીનો મોટી માત્રામાં ઉપયોગ થયો હોય છે. આ ઔષધ થોડીક માત્રામાં બાળક માટે સારું છે, પણ લાંબા સમય માટે એ ન આપવું જોઈએ.’
ઘસારાનું મુખ્ય દ્રવ્ય હરડે
બાળરોગોનું પહેલેથી જ નિવારણ કરે એ માટે ઘરે જ કેટલાંક ઔષધદ્રવ્યો રાખવાં જોઈએ. જરૂર પડે એ મુજબ જે-તે દ્રવ્યનો ઘસારો આપી શકાય. એ માટે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘મોટી હરડે એક એવું ઔષધ છે જે બાળકનું પેટ સાફ રાખે છે અને પાચનતંત્રને મજબૂત કરે છે. હરડેનું ફળ મોટું હોવું જરૂરી છે. લગભગ ૩૦થી ૪૦ ગ્રામ વજનનું એક ફળ હોય એવી મોટી હરડે લેવી જોઈએ. ઘણી વાર શિશુને રોજ ચાર-પાંચ વખત છી-છી થાય છે તો ક્યારેક ત્રણ-ચાર દિવસ સુધી છી-છી આવતી જ નથી. જો નિયમિત હરડેના ઘસારાનાં બે ટીપાં નવજાત શિશુને આપવામાં આવે તો પેટ સાફ રહે છે, ગૅસથી પેટ ફૂલીને દડા જેવું નથી થતું અને એ બધાને કારણે બાળક હસતું-રમતું રહે છે.’
રોગ પ્રમાણે ઔષધદ્રવ્ય
બે મહિનાના બાળકથી લઈને બાર વર્ષ સુધી બાળકોના સ્વાસ્થ્યની સંભાળ માટે અમુક ઘસારાઓ અવારનવાર આપવા જોઈએ.
વજ અને બ્રાહ્મીનો ઘસારો બાળકને બુદ્ધિવાન, સ્મૃતિવાન અને સાત્વિક બનાવે છે. આ બન્ને દ્રવ્યોનો ભેગો ઘસારો આપવામાં આવે તો મગજને પોષણ મળે છે, બાળક શાંતિથી સૂએ છે. જેટલું ગહેરી નીંદમાં બાળક સૂએ છે એટલું તેના મગજના વિકાસ માટેનો એને સમય મળે છે. આને કારણે ઓવરઑલ યાદશક્તિ, વિષ્લેષણશક્તિ, સ્મૃતિશક્તિ જેવી બૌદ્ધિક શક્તિઓ સારી વિકસે છે. બ્રાહ્મી વધુ માત્રામાં આપવામાં આવે તો કદાચ શરદી થઈ શકે છે એટલે વજ અને બ્રાહ્મી સમભાગે લેવામાં આવે એ જરૂરી છે. આ ઘસારો અઠવાડિયામાં ત્રણેક વાર આપી શકાય.
શરદી વારંવાર થતી હોય તો એકલા વજનો ઘસારો આપી શકાય.
પાચનની સમસ્યાઓ રહેતી હોય તો ઇન્દ્રયવની કળીનો ઘસારો આપી શકાય. પાતળા ઝાડા કે અમળાઈ-અમળાઈને થતો ચીકણો ઝાડો હોય ત્યારે બાળકને ઇન્દ્રયવની કળી ઘસીને એનાં ત્રણથી ચાર ટીપાં આપી શકાય.
ગૅસ અને અર્જીણ પ્રિવેન્ટ કરવા માટે વાવડિંગની લાકડી ઘસીને બાળકને ચટાડી શકાય. આ ચાટણથી ગૅસ થયો હોય તો સરળતાથી નીકળી જાય છે.
તાવ આવ્યો હોય, પેશાબમાં બળતરા રહેતી હોય કે શરીર ખૂબ જ નંખાઈ ગયું હોય ત્યારે ગળો પલાળીને એનો ઘસારો આપી શકાય. એનાથી તાવ ઊતરે છે અને લોહીની શુદ્ધિ થાય છે.
ઉધરસ, શરદી, ક્ષય રોગનાં લક્ષણોમાં કાકડાશિંગીનો ઘસારો અપાય.
નોંધ : ઘસારા માટેનાં દ્રવ્યો ફ્રેશ હોવાં જરૂરી છે. ત્રણ-ચાર મહિનાથી વધુ જૂનાં ઔષધદ્રવ્યો વાપરવાથી એની ખાસ કોઈ અસર થતી નથી.
કડવાણી પણ જરૂરી
શિશુનો મુખ્ય ખોરાક મધુર રસવાળો હોય છે. દૂધ અને દૂધમાં બનેલી વાનગીઓ જ એમાં મુખ્ય હોય છે. દૂધમાં ધારો કે ગળપણ નાખવામાં ન આવે તોય એ નૅચરલી ગળ્યું જ હોય છે. આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘શિશુના સ્વાસ્થ્ય માટે કડવો રસ પણ એટલો જ અગત્યનો છે. મધુર ચીજો ભારે અને ચીકણી હોવાથી અર્જીણ, કૃમિ જેવી સમસ્યાઓ પેદા કરે છે. મધુર રસના યોગ્ય પાચન માટે સાથે કડવો કે તીખો રસ પણ જરૂરી છે. તીખા કરતાં કડવો રસ સૌમ્ય હોવાથી બાળકોને એ વધુ અનુકૂળ આવે છે. કડવો રસ સાત્વિક હોવાથી બાળકના માનસિક વિકાસ માટે પણ લાભકારી છે.’

