Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દૂષિત પાણીથી થતા રોગોથી સાવધાન

દૂષિત પાણીથી થતા રોગોથી સાવધાન

Published : 24 July, 2013 12:12 PM | IST |

દૂષિત પાણીથી થતા રોગોથી સાવધાન

દૂષિત પાણીથી થતા રોગોથી સાવધાન





જિગીષા જૈન

વરસાદમાં રોગચાળો ફેલાવાનું એક મુખ્ય કારણ છે પ્રદૂષિત પાણી. ખાસ કરીને જ્યારે પીવાના પાણી સાથે ડ્રૅનેજ એટલે કે ગટરનું દૂષિત પાણી ભળી જાય છે ત્યારે જાત-જાતના રોગનો ખતરો વધી જાય છે. ખાસ કરીને ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ એટલે કે પેટનું કે આંતરડાનું ઇન્ફેક્શન થવાનો ભય ઘણો વધી જાય છે. ગયા જૂન મહિનાના આંકડાઓ પર નજર નાખીએ તો મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એકઠાં કરેલાં પાણીનાં ૯૨૯ સૅમ્પલમાંથી ૧૬૦ જેટલાં સૅમ્પલ પ્રદૂષિત સાબિત થયાં હતાં. એમાંથી ચાર સૅમ્પલમાં તો ડાયેરિયા ફેલાવનારા ઈ-કોલાઈ બૅક્ટેરિયા પણ મળી આવ્યા હતા. મુંબઈથી બહારનાં જળાશયોમાંથી આવતાં પાણીનાં આ સૅમ્પલ્સમાં આમ જોઈએ તો આશરે પાંચમાંથી એક સૅમ્પલ એવું નીકળ્યું જેનું પાણી પીવાલાયક ન હતું. આ ચોમાસામાં કાંદિવલી, અંધેરી, કુર્લા, મરીન લાઇન્સ વગેરે એરિયાના રહેવાસીઓએ મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના એરિયામાં અત્યંત પ્રદૂષિત પાણી આવે છે. બોરીવલીની તો ૨૫૦ જેટલી મહિલાઓએ વૉર્ડ-ઑફિસમાં તેમને મળતા કાળા રંગના ગંધાતા પાણી બદલ પ્રોટેસ્ટ-રૅલી પણ યોજેલી, જેના પરિણામ સ્વરૂપ તેમને લિખિત બાંયધરી આપવામાં આવેલી કે આઠ દિવસની અંદર પાણીની ક્વૉલિટી સુધરી જશે. આજે જાણીએ આ પ્રદૂષિત પાણીને કારણે કયા-કયા પ્રકારના રોગ થઈ શકે છે? પ્રદૂષિત પાણીથી થતા રોગોનાં લક્ષણો લગભગ એક પ્રકારનાં હોય છે, પરંતુ એમની ગંભીરતા અને ઇલાજ અલગ-અલગ હોય છે. જો યોગ્ય સારવાર ન મળે તો આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે.

ડાયેરિયા


પ્રદૂષિત પાણી પીવાથી થતા ડાયેરિયા બે પ્રકારના હોય છે. એક વાઇરસને કારણે તો બીજા બૅક્ટેરિયાને કારણે થતા ડાયેરિયા. એના વિશે વિસ્તારથી જણાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘વાઇરસથી થતા ડાયેરિયા મોટા ભાગે બાળકોમાં જોવા મળે છે, જ્યારે જનરલી થતા ડાયેરિયા પાછળ ઈ-કોલાઈ નામક બૅક્ટેરિયા જવાબદાર હોય છે. આ બન્ને પ્રકારના ડાયેરિયામાં પાણી જેવો પાતળો મળ અને ઊલટીનો પ્રૉબ્લેમ રહે છે. એને કારણે વ્યક્તિમાં ખૂબ નબળાઈ આવી જાય છે. જેમાં મોટા ભાગે બાળકોને બ્ય્લ્ (ઓરલ રીહાઇડ્રેશન થેરપી) આપવામાં આવે છે. પુખ્ત વ્યક્તિ પણ મીઠું અને ખાંડ નાખેલું ઉકાળેલું પાણી લઈ શકે છે. આ ઉપરાંત લિક્વિડ પદાર્થો લઈ શકાય. જોકે એનાથી ૪૮ કલાકની અંદર સારું ન લાગે તો તરત જ ડૉક્ટર પાસે જવું હિતાવહ છે.’

ડિસેન્ટરી

ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ રોગમાં ડાયેરિયા અને ડિસેન્ટરી બન્નેનો સમાવેશ થાય છે, પરંતુ ડાયેરિયા કરતાં ડિસેન્ટરી વધુ ગંભીર કન્ડિશન છે. ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ડિસેન્ટરીના રોગ પાછળ શીગેલા નામક બૅક્ટેરિયા જવાબદાર છે. આ કન્ડિશનમાં વ્યક્તિને તાવ આવે છે. શરીરમાં કળતર થાય છે. પાણી જેવો પાતળો મળ તો હોય, પરંતુ મળ સાથે લોહી પણ પડે છે. આ પ્રકારનાં કોઈ પણ લક્ષણો દેખાય કે સીધા ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.’

કૉલેરા

પ્રદૂષિત પાણીથી થતા રોગોમાં સૌથી ગંભીર અને જાનલેવા રોગ કૉલેરા છે, જે ખૂબ જ જલદીથી ફેલાઈ જતો હોય છે. વિબ્રિયો કૉલેરા નામક બૅક્ટેરિયાથી થતો આ રોગ પીવાના પાણીમાં કૉલેરાના પેશન્ટનું સ્ટૂલ ભળવાથી ફેલાતો હોય છે. આમ એ એકસાથે ઘણા બધા લોકોને ટાર્ગેટ કરી શકે છે. એના વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે ‘કૉલેરાના પેશન્ટના શરીરમાંથી ૨૪ કલાકની અંદર ૧૦-૨૦ લિટર પાણી ઊલટી કે મળ વાટે નીકળી જતું હોય છે, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. જો આ પેશન્ટને જલદીથી ટ્રીટમેન્ટ ન મળે તો તેને બચાવવાનું મુશ્કેલ બની જતું હોય છે. આ રોગનું મહત્વનું લક્ષણ એ છે કે એમાં મળ ભાતના ઓસામણ જેવો સફેદ અને પાતળો હોય છે. ડાયેરિયા અને ડિસેન્ટરીમાં મળનો રંગ પીળો હોય છે જ્યારે કૉલેરામાં સફેદ હોય છે. આ લક્ષણ જણાતાંની સાથે જ દરદીને તરત જ ડૉક્ટર પાસે લઈ જવો ખૂબ જરૂરી છે.’

કમળો

પ્રદૂષિત પાણીને કારણે જે કમળો વ્યક્તિને થાય છે એ હેપેટાઇટિસ-ખ્ નામક વાઇરસથી થાય છે. એના વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આ હેપેટાઇટિસ-ખ્ના વાઇરસ પહેલાં પીવાના પાણી મારફતે આંતરડામાં જાય છે, જેમાંથી લોહીમાં ભળી લિવર સુધી પહોંચે છે અને લિવરમાં ઇન્ફેક્શન કરે છે. આ પ્રકારના કમળામાં યુરિનનો રંગ ડાર્ક યલો થઈ જાય છે. પેટનો સખત દુખાવો અને ઊલટી જેવા પ્રૉબ્લેમ આવે છે.’

બચવા માટે શું કરવું?

જો તમારા એરિયામાં દૂષિત પાણીની સમસ્યા છે તો એની જવાબદારી લઈ વૉર્ડ-ઑફિસે ફરિયાદ લખાવવી જરૂરી છે.

ઘરે યુઝ કરવામાં આવતાં વૉટર-પ્યૉરિફાયરની રેગ્યુલર સર્વિસ કરાવતા રહેવી જેથી એમાંથી મળતું પાણી બૅક્ટેરિયા અને વાઇરસ રહિત હોય.

વૉટર-પ્યૉરિફાયર ન વાપરતા હો તો ઉકાળેલું પાણી જ પીવા અને ખોરાક રાંધવા માટે વાપરવું.

બહારથી લાવવામાં આવતાં શાકભાજી કે ફળો જો પ્રદૂષિત પાણીમાં ઉગાડવામાં કે ધોવામાં આવ્યાં હોય તો એનાથી પણ આ રોગો થઈ શકે છે. આથી શાકભાજી અને ફળો ગરમ પાણીથી સાફ કરવાં.

આ ઉપરાંત કાચી શાકભાજીનું સૅલડ ખાવાને બદલે એને પકવીને જ ખાવી. એની સાથે સાથે બહાર લારીઓ અને હોટેલોનો ખોરાક ખાવાને બદલે બને ત્યાં સુધી ઘરનો તાજો રાંધેલો ખોરાક જ પસંદ કરવો.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2013 12:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK