મલાડ ઈસ્ટમાં નાનકડા સ્ટૉલ પર વર્ષોથી વન-મૅન આર્મીની જેમ મિતેશ ગુપ્તા પાંઉભાજી વેચે છે, જેનું નામ ‘પ્યારે કી પાંઉભાજી’ છે. આ પાંઉભાજી જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ રસપ્રદ છે આ પાંઉભાજી સેન્ટર ચલાવતા પ્યારેભાઈની જર્ની
પ્યારેલાલ પાંઉભાજી
રાજેશ ખન્નાએ તેની એક ફિલ્મ ‘અવતાર’માં એક હાથેથી મેકૅનિકનું કામ કરીને આખું એમ્પાયર ઊભું કર્યું હતું. જોકે આ તો માત્ર ફિલ્મ જ હતી, પણ હકીકતમાં પરિસ્થિતિ ઘણી અલગ હોય છે. હાથ જેવું મહત્ત્વનું અંગ ગુમાવી દીધા બાદ જીવન જીવવું અને જીવનનિર્વાહ કરવો કોઈ સામાન્ય વાત નથી પણ મલાડમાં રહેતા મિતેશ ગુપ્તા એક હાથેથી જીવન પણ જીવી રહ્યા છે અને સ્ટૉલ પર પાંઉભાજી બનાવીને એ વેચીને જીવનનિર્વાહ પણ કરી રહ્યા છે. પાંઉભાજી પણ જેવી-તેવી નહીં, એકદમ ચટાકેદાર બનાવે છે. એટલે જ સાંજ પછી અહીં પાંઉભાજી ખાવા માટે લોકો રીતસરના રાહ જોતા જોવા મળે છે.



