આઇસક્રીમ તો તમે બધે જ ખાતા હશો, પણ પ્યૉર વેજિટેરિયન અને આઇસક્રીમનું હેલ્ધીઅર વર્ઝન ગણાતા આ ઇટાલિયન ડિઝર્ટનો ઑથેન્ટિક ટેસ્ટ આપતું આઉટલેટ બાંદરા-વેસ્ટમાં ખૂલ્યું છે. ધ જલાટો બારમાં ફ્લેવરફુલ જલાટોઝની સાથે સન્ડે અને અફોગાટો પણ ટ્રાય કરી શકાય

જલાટો
કેરીનો પન્નો તો દરેક ગુજરાતીના ઘરમાં બનતો જ હશે. જો તમે એના ફૅન હો તો અહીં આમ પન્નાની ફ્લેવરનો સૉબે મસ્ટ ટ્રાય છે. આ સીઝનમાં એ ફ્લેવર ઑફ મન્થ છે. દર મહિને આ ફ્લેવર બદલાતી રહેશે.
ગરમીની સીઝન છે એટલે ઠંડાં પીણાં અને ઠંડાં ડિઝર્ટ્સનું માર્કેટ પણ જબરું ગરમ છે. એમાં આઇસક્રીમ ખાવામાં ગુજરાતીઓ સૌથી મોખરે છે એવું ઇન્ડિયન ડિઝર્ટ માર્કેટના આંકડા કહે છે. એક અંદાજ મુજબ ભારતમાં ખપતા કુલ આઇસક્રીમમાંથી ૧૨ ટકા જેટલો આઇસક્રીમ તો ગુજરાતમાં જ ખપી જાય છે. મહારાષ્ટ્ર અને દિલ્હી પણ એમાં કંઈ પાછળ નથી. જોકે કહેવાય છે કે ગુજરાતમાં લોકલી આઇસક્રીમ પર જેટલા એક્સપરિમેન્ટ્સ કરવામાં આવ્યા છે એટલા ભારતમાં ક્યાંય નથી થયા. અલબત્ત, જો તમે જરાક પણ હેલ્થ કૉન્શિયસ હો તો પૉપ્સિકલ્સ અને આઇસક્રીમ્સ ખાતી વખતે ગિલ્ટ થયા વિના ન રહે. ગિલ્ટ-ફ્રી ડિઝર્ટનો લુત્ફ ઉઠાવવો હોય તો જલાટો વધુ હેલ્ધી ઑપ્શન છે.
જલાટો? એ તો જિલેટિનમાંથી બનેને? ના, નામ સાંભળીને ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે અને વિચારે છે કે આ તો જિલેટિન સાથે સંકળાયેલું હશે. પણ જલાટો અને જિલેટિનને દૂર-દૂર સુધી નાહવા-નિચોવવાનો કોઈ સંબંધ નથી. જલાટો એ ઇટાલિયન ઓરિજિનના ફ્રોઝન ડિઝર્ટનો એક પ્રકાર છે. દેખાવમાં એ આઇસક્રીમ જેવો જ લાગી શકે, પણ એ બનાવવાની પ્રક્રિયા અને એમાં વપરાતાં ઇન્ગ્રીડિઅન્ટ્સનું પ્રમાણ ઘણું જ જુદું હોય છે. રાધર, એવું કહી શકાય કે બહાર મળતો આઇસક્રીમ કદાચ જિલેટિન કે એગ યૉક વપરાવાને કારણે નૉન-વેજિટેરિયન હોઈ શકે, પણ જલાટો વેજિટેરિયન જ હોય છે.
શેફ રાચી ગુપ્તા
એનો મતલબ કે આપણા જેવા ગુજ્જુઓ માટે તો આ બેસ્ટ ડિઝર્ટ ઑપ્શન થયો. મુંબઈમાં આમ તો જલાટો પીરસતાં ઘણાં પાર્લર્સ છે, પણ હજી ગયા અઠવાડિયે જ બાંદરામાં એક ડિઝર્ટ પાર્લર ખૂલ્યું છે - નામ છે જલાટો બાર. અહીં બધી જ ચીજો ઇન હાઉસ ડિઝર્ટ શેફ દ્વારા બને છે. આમ તો ડિઝર્ટ ખાવાનો સમય સાંજે કામ પતાવીને રિલૅક્સ થવાના સમયે હોય, પણ અમે બળબળતી બપોરે ઠંડક મેળવવા માટે પહોંચી ગયા બાંદરા વેસ્ટમાં આવેલા ધ જલાટો બારમાં. પૅટિસરી અને ડિઝર્ટની દુનિયામાં સતત કંઈક નવું શીખીને નૅચરલ ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથે વાનગી પીરસવાનો આગ્રહ રાખતા યંગ શેફ રાચીનું આ બ્રેઇન ચાઇલ્ડ છે. શેફ રાચીનું ઑલરેડી ફ્રેન્ચ બેકિંગ પર આધારિત ધ બ્રેડ બાર નામનું એક આઉટલેટ ચેમ્બુરમાં છે જેમાં તમને ઑથેન્ટિક ફ્રેન્ચ ક્વાસૉં, બગેટ્સ, બેગલ, કીશ, બ્રિઓેશ, શૂ જેવી આર્ટિસન બ્રેડ, સૅન્ડવિચ અને જાતજાતની પેસ્ટ્રી સર્વ થાય છે. જોકે બ્રેડ કરતાં જલાટો ઘણી જ જુદી બાબત છે અને એ માટે શેફ રાચી ખાસ ઇટલી જઈને ઑથેન્ટિક જલાટો બનાવવાનું શીખી આવ્યા છે અને એ માટેની મશીનરી પણ ઇટલીથી જ ઇમ્પોર્ટ કરેલી છે.
જલાટો સન્ડે
બહારથી લાઇટ લૅવન્ડર રંગના જલાટો બારમાં ઘૂસતાં જ એકદમ ફ્રેશ અને લાઇવ વાઇબ્સ મળે છે. વૉલ પર લખેલા મેનુમાં વરાઇટીઝ પણ સારી છે. જલાટોની સાથે જોડાઈ શકે એવાં સન્ડે (Sundae) અને અફોગાટો પણ અહીં છે. પહેલી નજરે તો ડિઝર્ટ્સ ડિસ્પ્લે ફ્રીઝરમાં મૂકેલા રંગબેરંગી જલાટોઝ રંગમાં ઝાંખા લાગ્યા, પણ એની પર લગાવેલા લેબલ્સનો વાઇબ્રન્ટ રંગ ગમી જાય એવો હતો. જોકે આપણે અહીં લેબલ્સ નહીં, જલાટો ટ્રાય કરવાનાં હતાં એટલે થયું કે એક વાર ટેસ્ટ કર્યા પછી જ કોઈ તારણ પર આવવું.
સામાન્ય રીતે આપણને આઇસક્રીમ અને જલાટો વચ્ચેનો ભેદ ખબર નથી હોતી, પણ શેફ રાચી હાજર હતા એટલે સૌથી પહેલાં તો આ ફરક શું છે એ જ પૂછી લીધું અને જવાબ પરથી તો જલાટો ડિઝર્ટ્સ વધુ હેલ્ધીઅર ઑપ્શન છે એવું સમજાયું. મારે ત્યાં મળતી એકેએક વાનગી પ્યૉર વેજિટેરિયન છે અને એ અમે ફ્રેશ, રોજેરોજ અને ઇનહાઉસ જ બનાવીએ છીએ એમ જણાવતાં શેફ રાચી આઇસક્રીમ અને જલાટો બન્ને વચ્ચેનો ભેદ સમજાવતાં કહે છે, ‘ઓછા મિલ્કમાં વધુ ક્રીમ, વધુ ફૅટ અને ખૂબ જ સ્પીડમાં વ્હિસ્ક કરીને જે હલકો-ફુલકો, ઍરી, સ્મૂધ બને એને આઇસક્રીમ કહેવાય; જ્યારે જલાટોમાં લગભગ નહીંવત્ ક્રીમનો ઉપયોગ થાય, મોસ્ટ્લી મિલ્ક જ એનું મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય અને એમાં ન એગ યૉક હોય, ન જિલેટિન જેવી કોઈ ઍનિમલ ફૅટ.’
જલાટો ક્વૉસૉં સૅન્ડવિચ
તો-તો આપણા જેવા વેજિટેરિયન્સ માટે જલસા. દિલ ખુશ થઈ ગયું. સામેના ફ્રીઝરમાં લગભગ ૧૬ ફ્લેવરના જલાટો પડ્યા હતા. એમાં ત્રણ તો વીગન અને શુગર-ફ્રી ફ્લેવર્સ પણ છે. સીઝનલ ફ્રૂટ્સના સૉબેથી લઈને કૉફી, ચૉકલેટ, હેઝલનટ, ડ્રાયફ્રૂટ્સના વિવિધ કૉમ્બિનેશનવાળા જલાટોઝ પણ હતા. સોળ ફ્લેવરના જલાટો પેટમાં જઈને કેટલી કુસ્તી કરશે અને આટલી શુગરને બાળવા માટે કેટલી એક્સરસાઇઝ કરવી પડશે એવા પ્રૅક્ટિકલ વિચારને અમે થોડાક સમય માટે નેવે મૂકીને બધું જ ટ્રાય કરવાનું વિચાર્યું. ટેસ્ટિંગના નામે અમે લગભગ દરેક ફ્લેવરમાંથી એક-એક ચમચી ટ્રાય કરી. એક-એક ફ્લેવરની વાત કરીએ એ પહેલાં કૉમન ફરક એ હતો કે આઇસક્રીમ બહુ સૉફ્ટ અને વજનમાં હલકો મહેસૂસ થાય, જ્યારે જલાટોમાં તમે મિલ્કને મહેસૂસ કરી શકો છો. પાઇનૅપલ, ઑરેન્જ, રાસબેરી ફ્લેવરનાં સૉબે બહુ જ રીફ્રેશિંગ છે. જો ટૅન્ગી ટેસ્ટ ભાવતો હોય તો પાઇનૅપલ લઈ શકાય. રાસબેરી પ્યૉર સ્વીટ ફ્લેવર છે જ્યારે ઑરેન્જમાં એની ફ્લેવર સ્પષ્ટ મહેસૂસ થતી હતી અને એનો ટેસ્ટ પણ ખટમીઠો હતો, મોં ભાંગી નાખે એવો ગળ્યો નહીં. આલ્ફોન્ઝો મૅન્ગોમાં રેગ્યુલર જલાટો પણ હતો અને વીગન તેમ જ શુગર-ફ્રી પણ. દૂધની સાથે આફૂસ કેરીનો ઘટ્ટ માવો જીભને સુંવાળપ આપી જાય એવો છે. ફિલ્ટર કાપી જલાટોમાં કૉફીની કડવાશ લિટરલી જીભને મહેસૂસ થાય એવી. ચૉકલેટ અને બટરસ્કૉચ ફ્લેવરની આઇટમો તો ક્યાંય પણ જાઓ, બેસ્ટ લાગવાની જ. જલાટોના ટેક્સ્ચરમાં જે સ્મૂધનેસ છે એનો રાઝ જણાવતાં શેફ રાચી કહે છે, ‘અમે બધા જ જલાટો હૅન્ડ-ચર્ન્ડ બનાવીએ છીએ અને એકેયમાં ફ્લેવર્સ કે પ્રીમિક્સીસનો ઉપયોગ કરતા નથી. ફ્રૂટ્સ હોય કે ડ્રાયફ્રૂટ્સ, અમે એકેય જલાટો કે સૉબેને જે-તે ફ્લેવરનો ઑથેન્ટિક લુક આપવા માટે કોઈ જ કલર્સનો પણ ઉપયોગ નથી કરતા.’
હવે સમજાયું કે ચૉકલેટ સિવાયના અન્ય ફ્લેવરના જલાટોનો રંગ થોડોક ઝાંખો લાગતો હતો એનું ખરું કારણ આ હતું, જે હેલ્થની દૃષ્ટિએ તો આપણા જ ભલામાં છેને!
મસ્ટ ટ્રાય અફોગાટો
અહીં જલાટો ઉપરાંત અફોગાટોનો એક્સ્પીરિયન્સ પણ લેવા જેવો છે. ઘણાને કદાચ અફોગાટો એટલે શું એ ખબર નહીં હોય. તો એની પણ વાત કરી લઈએ. એ મૂળે કૉફી બેઝ્ડ ડિઝર્ટ છે જેમાં જલાટો સ્કૂપ પર ક્રન્ચી ટૉપિંગ્સ ભભરાવ્યા પછી એની પર ગરમાગરમ બ્લૅક કૉફી રેડવામાં આવે. ઠંડોગાર જલાટો અને ઉપર ગરમાગરમ બ્લૅક કૉફી રેડવાથી ડિઝર્ટ પીગળવા લાગે છે અને તમે કૉફી પ્લસ જલાટોનો ચમચીથી લુત્ફ ઉઠાવી શકો છો.
જલાટો કોન
જલાટો સન્ડે
જેમ આઇસક્રીમમાં અલગ-અલગ ટૉપિંગ્સ અને ફ્લેવર્ડ સૉસ ઉમેરીને સન્ડે ડિઝર્ટ બનાવવામાં આવે છે એવું જ અહીં જલાટો સાથે સર્વ કરવામાં આવે છે. ટૉપિંગ્સમાં પણ લગભગ ડઝનેક ઑપ્શન્સ છે.