Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પફ અને બિસ્કિટ એટલે જાણે મઝદાનો મસ્ત ટેસ્ટ

પફ અને બિસ્કિટ એટલે જાણે મઝદાનો મસ્ત ટેસ્ટ

Published : 28 December, 2023 09:06 AM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આણંદમાં અમૂલ પાર્લર પણ અઢળક છે અને ત્યાં પણ ખાવા માટે અનેક વરાઇટીઓના ઑપ્શન છે, પણ જો પફ અને બિસ્કિટની વાત આવે તો સ્વીકારવું જ પડે કે મઝદા બેકરીનાં પફ સૌથી બેસ્ટ છે

સંજય ગોરડિયા

ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિયા


તમને અગાઉ કહ્યું હતું એમ અત્યારે મારી ફિલ્મ ‘ઝમકુડી’નું માર-માર શૂટિંગ ચાલે છે, જેના માટે અત્યારે અમે ગોંડલમાં છીએ. જોકે આપણી આ જે ફૂડ-ડ્રાઇવ છે એ અગાઉ જ્યાં શૂટિંગ હતું ત્યાંની છે. શૂટિંગની શરૂઆત અમે નડિયાદ પાસેના વસો નામના ગામથી કરી હતી, પણ અમારે રહેવાનું આણંદમાં. ક્યારેક શૂટિંગ વહેલું પૂરું થઈ જાય તો ક્યારેક શૂટિંગ મોડું ચાલુ થવાનું હોય. આમ મને જ્યારે પણ ટાઇમ મળે ત્યારે હું તો નીકળી પડું આણંદમાં ફરવા. આણંદમાં અમૂલ ડેરી હોવાને લીધે સિટીમાં ઠેર-ઠેર અમૂલ પાર્લર જોવા મળે. આણંદનાં આ અમૂલ પાર્લર બીજાં શહેરો કરતાં જુદાં છે. બીજાં શહેરો કરતાં અહીં વરાઇટીઓ બહુ જોવા મળે એટલે પહેલાં તો કહી દઉં કે આણંદ જવાનું બને ત્યારે અમૂલના પાર્લરમાં જવાનું જ જવાનું.

આ જ આણંદમાં બીજી પણ એક વરાઇટી બહુ ખવાય અને એ છે પફ. આ પફ એટલાં સરસ હોય કે તમને એ ગળે ઉતારવા માટે ટમેટો કેચપ કે પછી બીજી કોઈ જાતની ચટણીની જરૂર પડે નહીં. એકદમ સ્વાદિષ્ટ અને કરકરાં. મેં પફ વિશે વધારે પૂછપરછ કરી તો ખબર પડી કે આખા આણંદમાં જો કોઈનાં બેસ્ટ પફ હોય તો એ છે મઝદા બેકરીનાં પફ.



આણંદ રેલવે સ્ટેશન પાસે આ મઝદા બેકરી છે. તમે કોઈને પૂછો તો તે પણ દેખાડી દે અને ગૂગલ મૅપ પર પણ મળી જાય. મઝદાની મોટામાં મોટી ખાસિયત એ છે કે ત્યાં પફના નામે વરાઇટીઓનો ઢગલો છે અને બધેબધી વરાઇટી જેન્યુઇન. રેગ્યુલર વેજ પફથી લઈને ચીઝ, પનીર, આલૂ-સબ્ઝી ભરી હોય એવાં આલુ પફ બહુ ખવાય છે તો મઝદાની ખારી બિસ્કિટ પણ બહુ પૉપ્યુલર છે અને અહીંનાં જીરા બિસ્કિટની પણ બોલબાલા છે.


માહિતીનો પૂરતો મસાલો મળી ગયો એટલે હું તો રવાના થયો મઝદા બેકરી અને જઈને સૌથી પહેલાં ટ્રાય કર્યું વેજ પફ. વાત આગળ વધારતાં પહેલાં એક ​ટિપ આપું. કોઈ પણ જગ્યાએ જઈને સૌથી પહેલાં બેઝિક વરાઇટી ટેસ્ટ કરવાની. સ્પેશ્યલ આઇટમ પાછળ તો એ મહેનત કરતા જ હોય, પણ જો બેઝિકમાં પણ એ તમારું મન જીતી લે તો સમજી જવાનું કે તમે બેસ્ટ જગ્યાએ આવ્યા છો.

વેજ પફ મારા એક્સપેક્ટેશનમાં એકદમ પાર પડ્યું એટલે પછી મેં મગાવ્યું ચીઝ પફ. ચીઝ પફની ખાસ વાત કહું. ઘણા એવું કરતા હોય છે કે એ વેજ પફના જ ટુકડા કરી ઉપર ચીઝ અને કેચપ ભભરાવી દે; પણ ના, અહીં એવું નથી. અહીં પફમાં જ ચીઝ ભરવામાં આવે છે, જે પફ ગરમ થવાની સાથે એકદમ મેલ્ટ થઈ જાય. ચીઝની ખારાશ અને એની ક્રીમીનેસ તો સાથે પફની આછી સરખી ક્રન્ચીનેસ. જલસો પડી ગયો. બે પફ પછી મને થયું કે હવે બિસ્કિટ ટ્રાય કરવાં જોઈએ; પણ એ ત્યાં ટ્રાય થઈ શકે એમ નહોતાં, કારણ કે ખારી બિસ્કિટની સાચી મજા જો લેવી હોય તો એ ચા સાથે જ આવે. મેં તો ખારી અને જીરા બિસ્કિટ પૅક કરાવ્યાં અને સાથે લઈ લીધાં.


હોટેલ પર જઈને મેં તો તરત બે ચા મગાવી. એક ચામાં ખારી બિસ્કિટ ડીપ કરીને ટેસ્ટ કર્યો અને બીજી ચામાં જીરા બિસ્કિટ ડીપ કરીને એનો સ્વાદ લીધો. અદ્ભુત. વાત પૂરી કરતાં પહેલાં ચોખવટ કરું. જીરા બિસ્કિટ એવાં બિસ્કિટ છે કે એ પોતાનો સ્વાદ ચામાં છોડી દે એટલે જો બન્ને માટે એક જ ચા મગાવી હોય તો બન્ને બિસ્કિટનો નૅચરલ સ્વાદ ખબર ન પડે. એટલે હંમેશાં મારી જેમ ટ્રાય કરવાની ઇચ્છા હોય તો બે ચા મગાવી લેવી અને કાં તો એક ચાના બે ભાગ કરીને પછી બિસ્કિટ ટ્રાય કરવાં.
ધક્કો બિલકુલ વસૂલ થયો અને સ્વાદમાં બધી રીતે મઝદા એક્સપર્ટ પુરવાર થઈ એટલે મને થયું કે હવે તમને પણ કહી દઉં કે આણંદ જાઓ ત્યારે મઝદામાં જઈને ત્યાં ઊભા-ઊભા ગરમાગરમ પફ ખાવાનું ચૂકતા નહીં અને નીકળતી વખતે ખારી-જીરા બિસ્કિટ લેવાનું ભૂલતા નહીં.
આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 09:06 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK