જો તમારે મહારાષ્ટ્રિયન છાંટ સાથેનું ઑથેન્ટિક મિસળ ખાવું હોય તો તમારે બસ-ડેપોની કૅન્ટીનમાં જવું જોઈએ અને જો તમારે પેટની સાથોસાથ મન પણ તૃપ્ત કરવું હોય તો બોરીવલીના શાંતિ આશ્રમ બસ-ડેપોની કૅન્ટીનમાં મિસળ ખાવા જવું જોઈએ

BEST મિસળ, બેસ્ટ મિસળ
મારા નવા નાટક ‘બે અઢી ખીચડી કઢી’નાં રિહર્સલ બોરીવલીમાં ચાલે એટલે મારે બોરીવલી જવાનું ઑલમોસ્ટ દરરોજ બને. ક્યારેક બપોરે બે વાગ્યાનાં રિહર્સલ હોય તો લંચ ગોટે ચડે. હમણાં બપોરનાં રિહર્સલ હતાં ત્યારે લંચ બગડે નહીં એવા હેતુથી હું કંઈક ખાઈ લેવાનું વિચારતો હતો અને ત્યાં જ મને મારા અસિસ્ટન્ટ ડિરેક્ટર એવા ચિંતન મહેતાનો ફોન આવ્યો કે મારે તમને એક જગ્યાનું મિસળ ટ્રાય કરવા લઈ જવા છે અને મિત્રો, મિસળની વાત આવે એટલે બંદા એવરરેડી થઈ જાય.
ચિંતન મને મિસળ માટે લઈ ગયો શાંતિ આશ્રમ બસ-ડેપો. હા, BEST બસ-ડેપોની વાત કરું છું અને તમને ખબર જ છે, આપણે ત્યાં મુંબઈમાં જે બસ-સર્વિસ ચાલે છે એને BESTના શૉર્ટ ફૉર્મથી ઓળખવામાં આવે છે. આ BESTના જે ડેપો હોય ત્યાં બધી બસ આવીને ઊભી રહે. આ ડેપોમાં એક કૅન્ટીન હોય. આ કૅન્ટીનમાં બધી મહારાષ્ટ્રિયન આઇટમ મળે. સ્વાદ એકદમ ઑથેન્ટિક અને પ્રાઇસની બાબતમાં સસ્તી પણ એટલી જ. બસ-સ્ટૅન્ડની કૅન્ટીનમાં રાઇસ પ્લેટનું ચલણ ખૂબ છે ર પણ આપણે વાત કરવાની મિસળની. આ કૅન્ટીનનું મિસળ-પાંઉ બહુ સરસ હતું અને એટલે જ ચિંતન મને ત્યાં લઈ ગયો હતો.
ત્યાં મિસળ-પાંઉ તો હતું જ પણ ફ્રાઇડ મિસળ પણ હતું. આ ફ્રાઇડ મિસળમાં એ લોકોએ શું કર્યું હતું કે મિસળ ફ્રાય કરી એમાં ગાંઠિયા-ફરસાણ અને એવું બધું નાખ્યું હતું. આ ફરસાણ ગેમચેન્જર હતું. ગાંઠિયા એકદમ કડક હતા, જેને લીધે ગાંઠિયા નાખીને મિસળ ફ્રાય કર્યું તો પણ ગાંઠિયા સૉગી નહોતા થયા.
આ પણ વાંચો: સાદામાં સાદી વરાઇટી એવાં ઢોકળાં અને એનું નેક્સ્ટ લેવલ
ફ્રાઇડ મિસળ ઑર્ડર કરવાનો એક ફાયદો એમાં મિસળની ક્વૉન્ટિટી વધારે હોય એટલે બેને બદલે ચાર પાંઉ આપે. જે તવામાં મિસળ ફ્રાય કર્યું હોય એ જ તવા પર પાઉં શેક્યા હોય એટલે એમાં મિસળનો પણ ટેસ્ટ આવે અને ક્રન્ચીનેસ પણ ભારોભાર આવી ગઈ હોય.
એક મિસળથી તો મારા જેવાનું પેટ ભરાય નહીં એટલે ફ્રાઇડ મિસળ પછી મેં તરત સાદું મિસળ મગાવ્યું. એ પણ એટલું જ સરસ હતું. સાદું મિસળ સફેદ વટાણાનું હોય. BESTના આ મિસળની ખાસિયત એ કે એનો જે રસો હતો એ એકદમ ટિપિકલ મહારાષ્ટ્રિયન ટેસ્ટનો હતો. જો તમે પણ મારી જેમ મિસળના શોખીન હો તો હું તમને કહીશ કે બસ-ડેપોની કૅન્ટીનનું મિસળ ટેસ્ટ કરજો. મેં વાશીમાં વિષ્ણુદાસ ભાવે થિયેટરની સામે આવેલા ડેપોની કૅન્ટીનમાં પણ મિસળ ખાધું છે તો ઓશિવરા બસ-ડેપોની કૅન્ટીનમાં પણ મેં મિસળ ખાધું છે પણ એ બધામાં મને બોરીવલીની એલઆઇસી કૉલોનીમાં આવેલા આ શાંતિ આશ્રમના ડેપોની કૅન્ટીનનું મિસળ વધારે ભાવ્યું. સ્વાદ એ જ હતો અને જગ્યા પણ એવી ઠંડકવાળી કે પેટની સાથોસાથ મન પણ તૃપ્ત થઈ જાય.