બોરીવલીના એલ. ટી. રોડ પર આવેલી સૅન્ડી’ઝના થિક શેક રિયલ સેન્સમાં થિક છે. એની બીજી મોટી ખાસિયત એ કે અહીં આપણી ટ્રેડિશનલ ફ્લેવર્સની પણ અઢળક વરાઇટી છે જે પેલી ફૉરેન ફ્રૅન્ચાઇઝીમાં નથી હોતી

સંજય ગોરડિયા
આમ તો મને ડાયાબિટીઝ છે અને એને લીધે મારે શુગરથી માંડીને અનેક આઇટમો પર કન્ટ્રોલ રાખવો પડે. જોકે ડાયાબિટીઝ મને છેને! તમારામાંથી મોટા ભાગને તો નથીને? તો પછી તમને કેમ સારી સ્વીટ વરાઇટી હું ન પહોંચાડું? બસ, આવા જ વિચાર સાથે હું પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં જતો હતો અને ત્યાં એલ. ટી. રોડ પર મનુભાઈ જ્વેલર્સની સામે મારી નજર ‘સૅન્ડી’ઝ થિક શેક’ પર પડી અને તમારા બહાને હું તો પહોંચી ગયો મારા ક્રેવિંગને કન્ટ્રોલ કરવા અને મિત્રો, હું જેવો અંદર ઘૂસ્યો કે આભો થઈ ગયો. શું કામ એવું થયું એની વાત કહું તમને.
આપણે ત્યાં કેવેન્ટર્સ અને ફ્રૉઝન બૉટલ એમ બે વિદેશી ચેઇન છે જે થિક શેકમાં અગ્રણી છે. એમાં પણ ફ્રૉઝન બૉટલની તો ફ્રૅન્ચાઇઝી મારા જ એક ફ્રેન્ડે લીધી હતી એટલે ત્યાંની તો એકેએક આઇટમ મેં ટેસ્ટ કરી છે. સૅન્ડી’ઝની વાત કરું તો મને સૌથી પહેલાં આનંદ એ વાતનો થયો કે એ આપણી ઇન્ડિયન કંપની છે. એ પછી ત્યાંનાં પોસ્ટરો અને એવું બધું જોઈને મને થયું કે લાવો હવે જરા જીભ અજમાવીએ.
હું તો બેઠો અને ત્યાં જ આવ્યાં ૩૦-૩૦ એમએલનાં પાન. ગુલકંદ, વૅનિલા, કાજુ, અંજીર, ગ્વાવા (પેરુ) અને ઠંડાઈ એમ કુલ છ શૉટ. પહેલાં તો એ કહી દઉં કે અમુક ફ્લેવરના થિક શેક મેં કેવેન્ટર્સ અને ફ્રૉઝન બૉટલમાં પણ ચાખ્યા નહોતા.
એ છ ટેસ્ટર પછી મારા જેવા ડાયાબેટિક માણસે વધારે તો ન જ પીવાનું હોયને? એટલે મેં બિલ મગાવ્યું તો તેમણે પોલાઇટલી એની ના પાડી અને કહ્યું કે ટેસ્ટરના કોઈ પૈસા નથી. મેં કારણ પૂછ્યું તો મને જવાબ આપ્યો કે આ ટેસ્ટર ફ્રી છે અને આમાંથી તમને જે ભાવે એ બૉટલ તમારે અમારે ત્યાંથી ખરીદવાની.
આમ જ સાવ નીકળી કઈ રીતે જઈએ? એટલે થયું કે ચાલો હું કંઈક ઑર્ડર કરું. મારા માટે નહીં તો ઘર માટે પણ કંઈક તો લઈ લઉં. એટલે મેં નજર દોડાવવાની ચાલુ કરી. સૅન્ડી’ઝમાં બધી બૉટલ ૨૦૦ એમએલની હતી, જેનો ભાવ કેવેન્ટર્સ અને ફ્રૉઝન બૉટલ કરતાં ઘણો રીઝનેબલ હતો. વાત કરીએ ક્વૉલિટીની તો સાહેબ, થિક શેક રિયલ સેન્સમાં થિક શેક હતો. તમે એ પી જ ન શકો. તમારે એ ખાવો જ પડે એવો થિક અને સૌથી મોટી વાત એ કે ઇન્ડિયન ફ્લેવર્સને પણ પૂરેપૂરું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નવી જનરેશન માટે કૉફી અને ચૉકલેટ ફ્લેવરના થિક શેક તો હતા જ, સાથોસાથ આપણી ટ્રેડિશનલ કહેવાય એવી વરાઇટીના થિક શેકનું પણ લાંબું લિસ્ટ તો અલગ-અલગ ફ્રૂટ્સના પણ અઢળક થિક શેક.
હું નજર ફેરવતો હતો એ દરમ્યાન મેં નામ વાંચ્યું - રોઝ થિક શેક અને મને મારી બા યાદ આવી ગઈ. બાને રોજ રાત્રે આઇસક્રીમ ખાવાની આદત અને એમાં પણ તેને આપણી ટ્રેડિશનલ વરાઇટી જ જોઈએ એટલે મેં બા માટે રોઝ થિક શેક લીધો. મારું પાર્સલ તૈયાર થતું હતું ત્યાં સૅન્ડી’ઝના ઓનર, જે ગુજરાતી હતા તેમણે મને ફાલૂદા આઇસ્ક્રીમ ટેસ્ટ કરવાની રિક્વેસ્ટ કરી. મેં એ પણ ચાખ્યો, જેમાં વૅનિલા આઇસક્રીમના બે સ્કૂપ અને એના પર ફાલૂદામાં નાખે એ તકમરિયા, નૂડલ્સ અને એવું બધું અને એના પર નૅચરલ રોઝ સિરપ અને પછી એના પર રબડી. રબડીની મીઠાશ થોડી ઓછી હતી એટલે એ આઇસક્રીમ અને રોઝ સિરપની ગળાશમાં ઉમેરો નહોતી કરતી, જે મને સૌથી સારી વાત લાગી. આજ સુધીનું મારું ઑબ્ઝર્વેશન છે કે અગાઉ ક્યારેય આ વાતની કાળજી રાખવામાં નહોતી આવતી, પણ સૅન્ડી’ઝે એ ધ્યાન રાખ્યું હતું. બાકી બનતું એવું હોય છે કે ફાલૂદાની પહેલી બે-ચાર સ્પૂન તમે ખાઓ ત્યાં એના ગળપણના અતિરેકને કારણે તમારું મોઢું ભાંગી જાય.
મિત્રો, તમે બોરીવલી બાજુ હો તો આ સૅન્ડી’ઝમાં અચૂક જજો. ફૉરેન ફ્રૅન્ચાઇઝને ભૂલી જશો. એ બધાને ટક્કર મારે એવી વરાઇટી સૅન્ડી’ઝ બનાવે છે.