Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રેસિપી વાપરો, ચુટકીમાં બની જશે ફ્રેશ મસાલા

આ રેસિપી વાપરો, ચુટકીમાં બની જશે ફ્રેશ મસાલા

Published : 02 April, 2024 10:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજારમાંથી લાવેલા જાતજાતના મસાલાઓમાં કેવાં ઇન્ગ્રિડિયન્ટ્સ વપરાયાં હશે એની આપણને ખબર નથી હોતી. તો જાતે જ ક્વૉલિટી તેજાના લાવો, એને બરાબર તપાવીને એમાંથી મસાલા બનાવશો તો તમારી રસોઈની સોડમ સહુથી અલગ ખીલી આવશે

પ્રતીકાત્મક તસવીર

મસાલા મેજિક

પ્રતીકાત્મક તસવીર


પાંઉભાજી મસાલા 
૩ ચમચી સૂકા ધાણા, બે ચમચી આખું જીરું, બે ચમચી વરિયાળી, ૩ મોટી ઇલાયચી/ નાની ઇલાયચી, બે ચક્ર ફૂલ, ૮-૧૦ લવિંગ, ૮-૧૦ મરી, બે ટુકડા તજ, ૮-૧૦ સૂકાં લાલ મરચાં, બે તમાલપત્ર, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું, ૧/૨ ચમચી સંચળ પાઉડર, ૧/૨ ચમચી સૂંઠ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું.


રીત 
સૌપ્રથમ એક કડાઈમાં ધાણા, જીરું, તજ, ચક્ર ફૂલ અને વરિયાળીને થોડાં શેકી લો. ત્યાર બાદ એમાં મોટી ઇલાયચી, લવિંગ, મરી, સૂકાં લાલ મરચાં નાખો. ધીમા ગૅસ પર સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.મસાલા ઠંડા થાય એટલે એને મિક્સરમાં લઈ લો. ત્યાર બાદ એમાં તમાલપત્રના ટુકડા ઉમેરો. હવે હળદર, મીઠું, સંચળ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર અને કાશ્મીરી લાલ મરચું નાખીને ક્રશ કરી લો. કાશ્મીરી લાલ મરચું નાખવાથી કલર સરસ આવશે.તો તૈયાર છે હોમમેડ પાંઉભાજી મસાલો. આ મસાલામાંથી પાંઉભાજી સિવાય મસાલા પાંઉ, પુલાવમાં ઉપયોગ કરી શકાય છે.
આ મસાલો ઍરટાઇટ બૉટલમાં ભરી ફ્રિજમાં ૬થી ૮ મહિના સ્ટોર કરી શકાય છે.



સંભાર મસાલો
બે ચમચી ચણાની દાળ, બે ચમચી અડદની દાળ, ૧ ચમચી તુવેરદાળ, ૧ નાની ચમચી હળદર, ૧૦ આખાં કાશ્મીરી લાલ મરચાં, ૧ ચમચી જીરું, ૧૦ મીઠા લીમડાનાં પાન, ૧ ચમચી સૂકા આખા ધાણા, ૧ ચમચી રાઈ, ૧ ચમચી તલ, ૧ ચમચી તેલ, ૧ ચમચી મેથી, બે ચમચી મીઠું.


રીત 
સૌપ્રથમ આપણે એક ચમચી તેલ લઈશું. હવે બે ચમચી ચણાની દાળ અને બે ચમચી અડદની દાળ લેવાની છે અને એક ચમચી તુવેરની દાળ લેવાની છે. હવે આ ત્રણેય વસ્તુને સરસ રીતે શેકી લઈશું.હવે દાળ ગુલાબી થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે. એક ચમચી સૂકા આખા ધાણા ઉમેરીશું. એક ચમચી જીરું ઉમેરીશું અને દસથી બાર મીઠા લીમડાનાં પાન ઉમેરીશું. હવે એને પણ શેકી લઈશું. હવે એમાં એક ચમચી મેથી અને પંદરથી વીસ મેથીના દાણા, એક ચમચી તલ ઉમેરીશું. આ ઉમેરવાથી બહાર જેવો જ સંભાર મસાલો તૈયાર થશે. હવે એક ચમચી રાઈ ઉમેરીશું. આનાથી ટેસ્ટ સરસ આવે છે. જ્યારે આપણે ઘરે સંભાર બનાવીએ ત્યારે એવું થાય કે બહાર જેવો સંભાર ઘરે નથી બનતો પણ જો આ રીતે તમે મસાલો ઘરે બનાવો અને પછી ઘરે સંભાર બનાવો તો એ સંભાર હોટેલ જેવો જ બનશે. હવે એમાં આખાં કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું અને ગૅસ બંધ કરીને જ આ મરચાં ઉમેરવાનાં છે, કારણ કે મરચાંની કાળાશ ન પકડાય અને સંભાર મસાલાનો કલર એકદમ સરસ આવે. હવે એને શેકી લઈશું. પૅન ગરમ હોય એમાં જ શેકી લેવાનું છે. હવે એમાં મીઠું ઉમેરીશું જેથી તમારો મસાલો લાંબા ટાઇમ સુધી સ્ટોર થઈ જશે. હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. આ મિશ્રણને થોડું ઠંડું થવા દેવાનું છે. આ મિશ્રણ ઠંડું થાય પછી એને ક્રશ કરી લેવાનું છે. પછી સંભાર મસાલો તૈયાર થઈ જશે. હવે આપણું મિશ્રણ ઠંડું થઈ ગયું છે અને એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે એને મિક્સર જારમાં લઈ લઈશું. આપણે જ્યારે પીસીએ ત્યારે એમાં એક ટીસ્પૂન હળદર ઉમેરી દેવી. પહેલાં આપણે મરચાં જ લઈ લઈશું. હવે એમાં બધું મિક્સ કરી લઈશું. હવે એક ટીસ્પૂન હળદર નાખીશું. આ મિશ્રણને ક્રશ કરી લઈશું. સંભાર મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે એને કાચની બરણીમાં ભરી લઈશું.તમે આ જ રીતે સંભાર મસાલો બનાવજો. તો તૈયાર છે સંભાર મસાલો. ચોક્કસ ટ્રાય કરજો.


ઝણઝણિત મિસળ મસાલા મહારાષ્ટ્ર ફેમસ
સામગ્રી 
૩ ચમચી સૂકા આખા ધાણા, બે ચમચી તલ, ૩ ચમચી લાલ મરચું, ૩ ચમચી સૂકું કોપરાનું છીણ, ૧ ચમચી વરિયાળી, ૧/૨ ચમચી જીરું, બે એલચા મોટા, ૪ નંગ લાલ મરચાં, ૪ નંગ દગડ ફૂલ, ૮ નંગ લવિંગ, બે મોટા તજ, બે ચમચી ખસખસ, અડધી ચમચી શાહજીરું, ૧૫થી ૧૦ લસણની કણી, ૧/૪ ચમચી હિંગ.

રીત 
સૌપ્રથમ ગૅસ પર પૅન રાખી ધીમે તાપે આખા ધાણા, મરચાં, એલચા, લવિંગ, તજ, ખસખસ, શાહજીરું, દગડફૂલને શેકી લો. હવે એમાં તલ નાખી શેકો. પછી એમાં કોપરાનું છીણ, લાલ મરચાં, લસણની કણી ઉમેરી થોડી વાર શેકો. હવે એને એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દેવું. પછી મિક્સર જારમાં ઉમેરી સાથે મીઠું અને કાશ્મીરી લાલ મરચું અને હિંગ મિક્સ કરી પીસી લો. આ મસાલો ૩ મહિના સુધી ફ્રિજમાં સારો રહે છે. કાચની ઍરટાઇટ બરણીમાં ભરી રાખો. તો તૈયાર  છે મહારાષ્ટ્રિયન ફેમસ મિસળ મસાલો. એકદમ ટેસ્ટી.

દાબેલીનો મસાલો
ચાર મોટી ચમચી ધાણા, બે નાની ચમચી મરી, એક કાળી ઇલાયચી, તજની બે ઇંચની સ્ટીક, બે ચમચી દગડફૂલનો પાઉડર, એક મોટી ચમચી વરિયાળી, ૭થી ૮ લવિંગ, બે મોટી ચમચી ખાંડ, પાંચ મોટી ચમચી સૂકું કોપરું છીણેલું, ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું, એક ચમચી સૂંઠ, અડધી ચમચી લીંબુના ફૂલ, ત્રણ ચમચી સિંગ તેલ, સ્વાદાનુસાર મીઠું.


બનાવવાની રીત
નૉન-સ્ટિક પૅનમાં ધાણા, જીરું, મરી, તજ, કાળી એલચી, લવિંગ બધું જ અલગ-અલગ ધીમી આંચે શેકી લેવું. બધું જ લો ફ્લેમ પર શેકવું અને દરેક તેજાનાની સુગંધ આવવા લાગે એટલે એક વાસણમાં કાઢી લેવા. ગેસ બંધ કરીને  ગરમ પેનમાં દગડફૂલ અને વરિયાળી નાખીને શેકી લો. છેક છેલ્લે એક ચમચી સૂકા કોપરાનું છીણ, લાલ મરચું, સૂંઠ અને નમક એડ કરી લેવું.  બંધ ફ્લેમ રાખીને ગરમ પેનમાં જ બધું બરાબર હલાવીને શેકી લેવું. બધું ઠંડું પડે એટલે એક ચમચી ખાંડ, લીંબુના ફૂલ મિક્સ કરીને મિક્સરની જારમાં બરાબર ચર્ન કરી લેવું. હવે વધેલી ખાંડ, એક ચમચી સૂકું કોપરું, તેલ મિક્સ કરીને બરાબર હલાવીને ઍરટાઇટ કાચની બરણીમાં ભરી લેવું. 

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK