° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


ક્યારે જાઓ છો બર્મનદાની ફેવરિટ ભેળ ખાવા?

12 May, 2022 02:10 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આર. ડી. બર્મનના ઘરની સામે આવેલા રામ ઔર શ્યામમાંથી બર્મનદા નિયમિત ભેળ મગાવતા. એ ભેળ ચાખ્યા પછી તમે પણ એ મગાવતા થઈ જાઓ એવું ચોક્કસ બની શકે છે

સંજય ગોરડિયા ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિયા

મોટા ભાગના ગુજરાતીઓને સાંજ પડ્યે ભૂખ લાગે અને હું તો નખશિખ ગુજરાતી એટલે સાંજ પડ્યે મારી અંદરનો બકાસુર તો દેકારો બોલાવી દે. હું હતો સાંતાક્રુઝ બાજુએ. ગાડીમાં બેઠા-બેઠા જ મેં ગૂગલ પર જોવાનું શરૂ કર્યું કે નજીકમાં શું સારું સ્ટ્રીટ ફૂડ મળે છે. ગૂગલ પર સર્ચ શરૂ કર્યું કે સૌથી પહેલું નામ આવ્યું રામ ઔર શ્યામ ભેળવાળા. અગાઉ એનું નામ સાંભળ્યું હતું અને હવે તો મોકો મળી ગયો ત્યાં રૂબરૂ જવાનો એટલે મેં તો ગાડી લેવડાવી એ દિશામાં.

સાંતાક્રુઝ એસ. વી. રોડથી, ખીરાનગરથી તમે આગળ જઈ જમણી બાજુએ વળો કે તરત કૉર્નર પર જ તમને રામ ઔર શ્યામ મળી જાય. હું સાંજના સમયે ગયો હતો અને ભીડ કહે મારું કામ. અતિશય ગિરદી અને લાંબી લાઇન. એક માણસ તો ફક્ત પાર્સલમાં લાગેલો હતો, આ પાર્સલની લાઇન અલગ હતી. પાણીપૂરીના કાઉન્ટર પર ત્રણ-ત્રણ જણને લેવામાં આવે. ભીડ જોઈને હું તો રાજી થઈ ગયો. એક વાત યાદ રાખવી મિત્રો, જે સ્ટ્રીટ ફૂડ માટે લાંબી લાઇન હોય એની ક્વૉલિટી માટે નિશ્ચિંત થઈ જવું.

મેં પહેલાં ભેળનો ઑર્ડર કર્યો. ભેળની એક ખાસ વાત કહું તમને. અહીં ભેળમાં ગરમાગરમ મમરા નાખે છે. બીજી વાત તીખી-મીઠી ચટણી, જે ભેળની ઓળખ ઊભી કરે છે. બન્ને ચટણી કમાલ હતી અને ખાસ વાત કહું તમને, મીઠી ચટણી બે પ્રકારની હતી. ખજૂર-આમલીની એક ચટણી હતી એ એકદમ ઘટ્ટ અને ચીકાશયુક્ત હતી તો બીજી જે ખજૂર-આમલીની ચટણી હતી એ પાણી જેવી હતી. આવું કરવાનું કારણ શું એ પૂછ્યું ત્યારે બહુ સરસ જવાબ મળ્યો. ઘટ્ટ ચટણી સ્વાદ માટે હતી અને પાણીવાળી ચટણી ભેળની બધી ચટણીઓને મિક્સ કરવા માટે હતી. જો ચટણીઓ બરાબર મિક્સ ન થઈ હોય તો એવું બને કે એક કોળિયામાં ભેળ બહુ મીઠી લાગે તો બીજા કોળિયામાં ભેળ તીખીતમતમતી લાગે.

આ જ ભેળમાં એણે થોડો પૌંઆનો ચેવડો નાખ્યો હતો. પૌંઆનો ચેવડો તેમની સ્પેશ્યલિટી હતી. પૌંઆનો ચેવડો ભેળમાં શું કામ તો મને કહેવામાં આવ્યું કે મમરા ક્રન્ચી ખરા પણ ચટણી પડતાંની સાથે એ પોચા પડવા માંડે પણ તળેલા પૌંઆની ક્રન્ચીનેસ અકબંધ રહે, જેને લીધે ભેળ ખાતી વખતે સૉફ્ટનેસની મજા પણ તમને મળે અને ક્રન્ચીનેસનો આનંદ પણ તમે માણી શકો. જમવામાં કંઈક કડક વસ્તુ ખાતા રહેવાની આદત આપણા ગુજરાતીઓમાં સદીઓથી છે અને એને લીધે જ પાપડ શોધાયા હશે એવું મારું માનવું છે. તમે જુઓ આપણી થાળીમાં બધું સૉફ્ટ હોય, એકમાત્ર પાપડને છોડીને. ઍનીવેઝ, રામ ઔર શ્યામની ભેળ પર પાછા આવી જઈએ. પૌંઆનો ચેવડો નાખવાનું કારણ જાણ્યા પછી મેં તો થોડા પૌંઆ પણ ટેસ્ટ કરવા માગ્યા. એ હળદર અને નિમક નાખીને વઘાર્યા હતા અને વઘાર જરા સ્ટ્રૉન્ગ રાખવામાં આવ્યો હતો. રેગ્યુલર ભેળ ઉપરાંત અહીં ડાયટ ભેળ પણ હતી. આ ડાયટ ભેળમાં એક પણ ફ્રાઇડ આઇટમ ન પડે. બહુ બધું હતું. પૂરી થોડ નામની વરાઇટી પણ હતી. આ પૂરી થોડ એટલે પૂરીની ભેળ. સેવપૂરીની જે ચપટી પૂરી હોય એ, પાણીપૂરીની પૂરી હોય એ હાથથી મસળી નાખે અને પછી એની ભેળ બનાવે. બાય ધ વે, આ બધું બનાવતી વખતે એની જે સ્પીડ હતી, રોબોટ જ જોઈ લો.

ભેળ પછી મારો વારો આવી ગયો પાણીપૂરીમાં. આહાહાહા... 
ગરમાગરમ રગડો, પેલી મીઠી ઘટ્ટ ચટણી અને ફુદીનાનું તીખું પાણી. પૂરી ઓવરફ્રાઇડ હતી. મેં તમને અગાઉ પણ કહ્યું છે કે ઓવરફ્રાય થયેલી પૂરી ખાવાની મજા કંઈક જુદી જ હોય. પૂરીને તમારો દાંત સહેજ અડે અને કટાક કરતાં અવાજ સાથે એ તૂટે. તમે માનશો નહીં પણ મને આ પૂરી તૂટવાના અવાજની પણ મજા આવતી હોય છે.

આ રામ ઔર શ્યામવાળો જ્યાં ઊભો રહે છે એની એક્ઝૅક્ટ સામે મૅરિલૅન્ડ બિલ્ડિંગ છે જેમાં એસ. ડી. બર્મન અને આર. ડી. બર્મન રહેતા. એમ જ વાતો કરતાં અને ગૂગલ પર સર્ચ કરતાં ખબર પડી કે બર્મનસાહેબના ઘરે આમને ત્યાંથી જ ભેળ મંગાવવામાં આવતી અને એ કારણે પણ આ રામ ઔર શ્યામ બહુ પૉપ્યુલર થયો છે. જોકે સ્વીકારવું જ પડે કે એનો સ્વાદ પણ એવો અવ્વલ છે અને એટલે જ બર્મનસાહેબ તેમને ત્યાંથી વરાઇટી મંગાવતા હશે પણ હા, પ્રાઇસની બાબતમાં આ જગ્યા થોડી મોંઘી છે. સામાન્ય રીતે ભેળ અને પાણીપૂરી જેવી આઇટમ પચીસ-ત્રીસ કે પચાસ રૂપિયામાં મળી જતી હોય પણ અહીં બધેબધી વરાઇટી એંસી અને નેવું રૂપિયાની હતી. પણ મેં તો મન મનાવી લીધું, બર્મનદાના ફેવરિટ ભેળવાળાને એટલો હક તો બને જને.

12 May, 2022 02:10 PM IST | Mumbai | Sanjay Goradia

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

આજે વાંચો ગોંદ કતીરા ફાલૂદા (સમર ડ્રિન્ક - ડિઝર્ટ), કોરોના બૉલ્સ વિથ મીઠા લીમડાની ચટણી અને કાજુ મૅન્ગો રોલની રેસિપી વિશે

27 May, 2022 10:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

એક સમયે ગોલ્ડન ભેળ ખાવા માટે ખૂબ ભૂખ હતી પણ ખિસ્સાં ખાલી હતાં અને આજે...

ગિરગામવાળા ગેટની પાસે ઊભા રહેતા ગોલ્ડન ભેલપૂરી હાઉસની ગોલ્ડન ભેળનો સ્વાદ અદ્ભુત છે અને એની સાથે જોડાયેલી યાદો પણ અનન્ય છે

26 May, 2022 06:15 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

આજે વાંચો કીન્વા પનીર બૉલ્સ વિથ મિન્ટ ડિપ, હેલ્ધી સ્પ્રાઉટ ઓટ્સ વૉફલ અને દાબેલી સ્વલ રોલ્સની રેસિપી વિશે

26 May, 2022 03:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK