સુરતી લોચો મુંબઈમાં માણવા ચાલો કાંદિવલીના મહાવીરનગરમાં
સુરતી લોચો
સુરતીલાલાઓ ખાવાના જબરા શોખી હોવાથી આપણામાં કહેવત છે, ‘સુરતનું જમણ અને કાશીનું મરણ.’ ગલીએ ગલીએ ખમણ અને લોચોની દુકાનો મળે અને વહેલી સવારે નાસ્તામાં ખાસ ગરમાગરમ લોચો ખાવા માટે જાણીતા લોચા-કમ-ખમણ હાઉસની બહાર લાઇનો લાગે. સુરત જાઓ અને લોચો ન ખાઓ તો તમારી સુરતની મુલાકાત અધૂરી કહેવાય. જોકે હવે આ લોચો ખાવા માટે છેક સુરત જવાની જરૂર નથી. સુરતનો સુપરહિટ લોચો મુંબઈમાં પણ મળે છે અને હા, એ જ સ્વાદ અને સોડમ સાથે. ચાલો, તો આજે લટાર મારીએ ગુજરાતની આ ફેવરિટ વાનગી માણવા કાંદિવલીના મહાવીરનગરના ‘ગોપાલ લોચો’માં.
લોચોના અવતરણની કહાણી પણ રસપ્રદ છે. સુરતમાં આમેય પહેલેથી ખમણ બહુ ફેમસ હતાં. લગભગ ૫૦ વર્ષ પહેલાં આ લોચોનો આવિષ્કાર થયો હતો એવું મનાય છે. એ પણ એક બાવર્ચીના લોચાથી જ પેદા થયો. કહેવાય છે કે ઉતાવળમાં રસોઈયાના હાથે ખમણના ખીરામાં વધારે પાણી નખાઈ ગયું અને ખમણ વધુપડતાં નરમ થઈ ગયાં. રાધર, ખમણ જેવી સ્પૉન્જીનેસ આવી જ નહીં. બીજી તરફ ગ્રાહકોની લાઇન હતી અને ઉતાવળે તેમને વાનગી પિરસવી જ પડે એમ હતી. તેનાથી બોલાઈ ગયું ‘આ તો લોચો થઈ ગયો.’ પોતાની ભૂલ છુપાવવા આ રસોઈયાએ આ વાનગીને સ્વાદિષ્ટ ચટણીઓ અને સેવખમણીની સેવ જેવાં ટૉપિંગથી સજાવી ગ્રાહકોને પીરસી દીધી. ખમણને બદલે ખીચું થઈ ગયું અને છતાં ગ્રાહકોને એ ભાવ્યો. બસ, એમાંથી લોચો જન્મ્યો. સમયાંતરે લોકોએ પોતાની સ્વાદેન્દ્રિયો મુજબ એમાં અવનવા અખતરાઓ કર્યા અને હવે તો લગભગ સોએક પ્રકારના લોચો મળતા હશે.
ADVERTISEMENT
૧૯૮૭માં ગોપાલભાઈ પટેલે સુરતમાં ગોપાલ લોચોની શરૂઆત કરી હતી અને સુરતમાં મુખ્ય બ્રાન્ચ ધરાવતી ગોપાલ લોચો અત્યારે નવસારી, બારડોલી અને છેલ્લાં ચાર વર્ષથી મુંબઈના કાંદિવલીમાં છે. ધોધમાર વરસાદમાં ગરમાગરમ લોચો ખાવો પણ લહાવો છે એટલે વરસાદી સવારે અમે પહોંચ્યા મહાવીરનગરના ગોપાલ લોચોની નાનકડી રેસ્ટોરાંમાં અને અહીંના મૅનેજર રમેશભાઈ સાથે લોચાની વાતો પણ કરી અને સ્વાદ પણ માણ્યો.
સૌથી પહેલાં તો સેવ ખમણી (અમીરી ખમણ) અને લોચોમાં મોટા ભાગે લોકો કન્ફ્યુઝ થતા હોય છે. ચણાની દાળની મુખ્ય સામગ્રી સાથે બનાવાતા આ બન્નેમાં સેવ ખમણી એટલે તૈયાર થયેલાં ખમણ ઢોકળાંના ભૂકામાં તેલ, રાઇ, હિંગ, લસણ, મરચાં, તલનો વઘાર કરવો અને એને કોપરું, કોથમીર, સેવ અને દાડમથી ગાર્નિશ કરવામાં આવે. જ્યારે લોચો તો એ ખમણ બન્યા પહેલાંનું વર્ઝન કહી શકાય.
અસલ દેશી લોચા તરીકે ઓળખાતો બટર લોચો અહીંની મેઇન સ્પેશ્યલિટી છે. ઓરિજિનલ ગરમાગરમ લોચા પર પ્રમાણસર તરવરતું તેલ, બટર, લસણ, કોપરું અને મરચાંની ઉપર ભભરાવાતા મસાલા સાથે સેવ અને કોથમીરથી ગાર્નિશ કરેલા આ લોચા સાથે સાઇડમાં પીરસાતી લીલા રંગની તીખી-મીઠી ચટણી, કાંદા અને મરચાંનું અથાણું એના સ્વાદને અદ્ભુત બૅલૅન્સ કરે છે. જોકે અહીં જાતભાતનાં ટોપિંગ અને ફ્લેવર સાથે અનેક લોચા મળે છે.
અહીંનો સ્પાઇસી લસણિયા ફ્લેવરનો લોચો ગ્રાહકોમાં ખૂબ ફેમસ છે. મૅનેજરના કહેવા મુજબ લીલા લસણના લોચોની પણ એટલી જ જબરદસ્ત ડિમાન્ડ છે, પણ અફસોસ લીલા લસણની સીઝન ન હોવાને લીધે અમે એ લોચો ચાખી ન શક્યા. સ્પાઇસી લોચોમાં કોકોનટ અને ચાઇનીઝ લોચો પણ મળે છે જે યંગસ્ટર્સને આકર્ષે છે. ચાઇનીઝ લોચોમાં વેજિટેબલ્સ અને શેઝવાન સોસના કૉમ્બિનેશન સાથે બટર-ચીઝનું ટોપિંગ તો કોકોનટ લોચામાં કોપરાના ખમણનું મિશ્રણ લોચાને એક જ બેઝ હોવા છતાં એકદમ ડિફરન્ટ ફ્લેવર્સ અને સ્વાદ આપે છે.
ક્રીમ અન્યન લોચોમાં લોચાના બેઝ પર બટર, ફ્રેશ ક્રીમ, ચીઝ અને લેઝ વેફર્સના ટુકડાનું કૉમ્બિનેશનથી વધુ સ્વાદચટાકો લાગે છે. ઇટાલિયન લોચાના ટોપિંગ્સમાં પાસ્તા, બટર, ચીઝ અને તંદૂરી કસાટા લોચા પર ચીઝ સ્પ્રેડની સાથે બટર, કૅપ્સિકમ, કાંદા જેવાં વેજિટેબલ્સ ઉમેરાય છે. ડાયટિંગ કરનારાઓ માટે અને સિનિયર સિટિઝન માટે અહીં ખાસ તેલ, બટર કે સેવના ઑપ્શન વગરનો સ્પેશ્યલ હર્બલ મસાલા સાથેનો લોચો મળે છે. અહીંના લોચામાં ભૂલકાંઓને પણ નથી ભુલાયાં. એ લોકો માટે ખાસ ચૉકલેટ લોચો પણ અવેલેબલ છે.
બારેમાસ અહીં છેક ઘાટકોપર, થાણે, દહિસર, મીરા રોડ, વિલે પાર્લે જેવાં દૂર-દૂરનાં સબર્બ્સમાંથી આ સ્પેશ્યલિટી માણવા લોકો આવે છે. ગોપાલમાં ૧ પ્લેટમાં લગભગ ૧૦૦ ગ્રામ જેટલો લોચો પીરસવામાં આવે છે. જો શાંતિથી લોચો માણવો હોય તો વીક ડેઝમાં જવું કેમ કે શનિ-રવિ અહીં બહુ ભીડ હોય છે. રવિવારે અહીં આશરે ૫૦૦થી વધુ ગ્રાહકો જોવા મળે છે અને જગ્યા નાની હોવાથી મેળાવડો ભરાયો હોય એવું દૃશ્ય રચાય.
અમે લોચાની જ્યાફત માણતા હતા ત્યારે બે બહેનો પણ અહીં લોચો એન્જૉય કરવા આવી હતી. એ સ્વાદરસિયા અનુબહેન અને પ્રિયંકાબહેન સાથે વાતચીત કરી. પ્રિયંકાબહેનના કહેવા પ્રમાણે સુરત જેવા અદ્દલ લોચાનો સ્વાદ અહીં છે. સુરત જેવા જ સ્વાદનું સીક્રેટ જાળવવા પાછળનું રાઝ જણાવતાં રમેશભાઈ કહે છે કે એમાં વપરાતું પાણી અને પ્રોડક્ટ. સુરતના લોચાનો સ્વાદ જાળવવા અહીંના લોચામાં પણ સુરતનું જ હાઇજીનિક પાણી વાપરવામાં આવે છે. એટલે અહીં બનતા લોચોમાં બેઝ-ખીરું રોજેરોજ ફ્રેશ સુરતથી જ આવે છે. એમાં કંઈક વધુ પાણી ઉમેરવું પડે તો એમાં પણ સુરતનું જ પાણી સાથે લાવવામાં આવે છે. સુરતના પાણીમાં એવું તો શું છે જે લોચોને ખાસ સ્વાદ આપતું હશે? એ સમજવા જેવો વિષય છે.
અહીં લોચાની બીજી વરાઇટીમાં ચીઝ લોચો ફ્રૅન્કી, લોચો બર્ગર, લોચો રોલ્સ, લોચો ઓપન સૅન્ડવિચ, લોચો ગ્રિલ સૅન્ડવિચ અને લોચો પીત્ઝા જેવું ફાસ્ટફૂડ પણ મળે છે. એ સિવાય યંગ જનરેશનને ભાવતી સૅન્ડવિચ, બર્ગર, ઈદડાં, સેવખમણી જેવી પણ અનેક વરાઇટી અહીંના મેન્યૂ લિસ્ટમાં છે એ પણ ટ્રાય કરી શકાય. તીખું ખાધા પછી ગળાને ટાઢક આપવા સુરતનો ફેમસ કોલ્ડ કોકો પણ અહીં છે.
ગોપાલ લોચાની નવી બ્રાન્ચ ટૂંક સમયમાં અમદાવાદમાં પણ ખૂલી રહી છે, તો અમદાવાદી સ્વાદરસિયાઓ તમે પણ તૈયાર થઈ જજો લોચો એન્જૉય કરવા.
આ પણ વાંચો : તંદૂરી ટ્રેન્ડ, જાણો શું છે આ વાનગીમાં
તમે ઘરે પણ લોચો બનાવી શકો છો
લોચોના ઇન્સ્ટન્ટ પ્રીમિયમ મિક્સનાં પૅકેટ અને જાર પણ ઉપલબ્ધ છે. પાણી મિક્સ કરીને બે જ મિનિટમાં માઇક્રોવેવમાં કે કુકરમાં સ્ટીમ કરીને પંદરેક મિનિટના સમયમાં તમે હવે ઘરે પણ આ ટેસ્ટી વાનગીઓ માણી શકો છો. જોકે અહીંના જેવો જ સ્વાદ મેળવવા માટે તમારે એની સાથે પીરસાતી ચટણીઓની રેસિપી પણ શીખવી પડે. લોચો ઉપરાંત હાંડવો, ખમણ-ઢોકળાં, ઈદડાં, મગની દાળનાં દાલ વડાં માટે પણ ઇન્સ્ટન્ટ મિક્સ અહીં મળે છે એટલે ક્યારેક ઘરે ઝટપટ રસોઈ કરી નાખવી હોય તો આ વિકલ્પ પણ સારો છે.

