વેડિંગ માટે વરરાજા શેરવાનીને બદલે ઇન્ડો-વેસ્ટર્ન અને સૂટ પસંદ કરી રહ્યા છે, જ્યારે સંગીતસંધ્યા માટે જૅકેટને બદલે ટ્રેડિશનલ ઝભ્ભા પર હેવી વર્ક કરેલું શ્રગ પહેરવાનું પ્રિફર કરે છે
પ્રતીકાત્મક તસવીર
બ્રાઇડ આઉટફિટ ખરીદવામાં જેટલો રસ લે છે એટલો જ રસ ગ્રૂમ લેવા લાગ્યા છે. ગ્રૂમ પણ એવું ઇચ્છે છે કે તેઓ તેમના સ્પેશ્યલ ડે માટે એવાં આઉટફિટ ચૂઝ કરે જેમાં તેમની પર્સનાલિટી બહાર આવે અને ફૅશનેબલ દેખાય. એટલે વેડિંગ આઉટફિટના મામલે ગ્રૂમ બ્રાઇડને બરાબરની ટક્કર આપી રહ્યા છે. આ વેડિંગ સીઝનમાં ગ્રૂમ આઉટફિટમાં શું ટ્રેન્ડિંગ છે એ જાણીએ.
આ વિશે વાત કરતાં ભાનુ ડિઝાઇનરના ફૅશન-ડિઝાઇનર સંજય ભાનુશાલી કહે છે, ‘આમ તો વેડિંગમાં ગ્રૂમ શેરવાની, સૂટ અને ઇન્ડો-વેસ્ટર્ન પહેરતા હોય છે. જોકે અત્યારે શેરવાનીનું ચલણ ઓછું છે. એને બદલે ગ્રૂમ ઇન્ડો-વેસ્ટર્ન અને સૂટ પહેરવાનું પસંદ કરે છે. ઇન્ડો-વેસ્ટર્નમાં પણ શેડેડ કલર પૅટર્ન ટ્રેન્ડમાં છે, જેમાં જે કલર હોય એ ઉપરથી લાઇટ હોય અને નીચે આવતાં-આવતાં ડાર્ક થતો જાય. કલરની વાત કરીએ તો વાઇટ, ઑફ વાઇટ અને ક્રીમ કલર ટ્રેન્ડમાં છે. એ પછી એના પર જે ડિઝાઇન હોય એ પાર્ટનરના ડ્રેસ સાથે મૅચિંગ થતી હોય એવી હોય. વર્કની વાત કરીએ તો એમાં જરદોસી વર્ક વધુ ચાલે છે, પણ આરી વર્ક, ઝરી વર્ક, રેશમ વર્ક, મિરર વર્ક, સીક્વન્સિસ વર્ક પણ હોય છે. એ જ રીતે ફૅબ્રિકની વાત કરીએ તો એમાં સિલ્ક ટ્રેન્ડમાં છે; પણ વેલ્વેટ, અશૅર્ગેન્ઝા ફૅબ્રિકમાં પણ ઇન્ડો-વેસ્ટર્ન આવે. સૂટની વાત કરીએ તો એમાં ટકસિડો, જોધપુરી ટ્રેન્ડમાં છે. ખાસ કરીને અરમાની ફૅબ્રિકના સૂટ. આ સૂટને એલિગન્ટ લુક આપવા માટે એના પર એમ્બ્રૉઇડરી વર્ક કરવામાં આવે છે.’
સંગીતસંધ્યાની વાત કરીએ તો આ વખતે કુર્તા પર જૅકેટ પહેરવાને બદલે શ્રગ પહેરવાનો ટ્રેન્ડ વધુ છે. શ્રગ હોય એ જૅકેટ કરતાં સાઇઝમાં લાંબાં હોય છે. બીજું, કુર્તામાં પણ ઘણી બધી વરાઇટી આવે છે; જેમ કે સ્ટ્રેઇટ કુર્તા, ક્રૉસ કુર્તા, સેન્ટર ઓપન કુર્તા, પ્લીટેડ ક્રાઉલ કુર્તા. આ કુર્તામાં પણ ડિફરન્ટ ટાઇપની ડિઝાઇન આવે છે. બીજું, સાફાની વાત કરીએ તો એમાં પ્લેન સિલ્ક, લહેરિયા, બાંધણી સાફાની વરાઇટી આવે છે, પણ હાલમાં લખનવી અને વેલ્વેટ સાફા ટ્રેન્ડમાં છે.
ADVERTISEMENT
ઇન્ડો-વેસ્ટર્નમાં પણ શેડેડ કલર પૅટર્ન ટ્રેન્ડમાં છે, જેમાં જે કલર હોય એ ઉપરથી લાઇટ હોય અને નીચે આવતાં-આવતાં ડાર્ક થતો જાય. એમાંય વાઇટ, ઑફ વાઇટ અને ક્રીમ કલર ટ્રેન્ડમાં છે.
- સંજય ભાનુશાલી, ફૅશન ડિઝાઇનર


