જાતજાતનાં મેકઅપ બ્રશિસ ક્યારે વાપરવાં એ સમજાતું ન હોવાથી રૂટીન મેકઅપમાં બહેનો ફાઉન્ડેશન લગાવવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરતી થઈ ગઈ છે, પણ સમજવા જેવું એ છે કે જો એને સાચી રીતે વાપરવામાં ન આવે તો સ્કિનને નુકસાન પણ થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
ઘરની બહાર નીકળે એટલે કલર કરેક્શન કરે એવો હળવો મેકઅપ કરવાનું હવે લગભગ દરેક મહિલા પ્રિફર કરે છે. એમાંય વર્કિંગ વુમન હોય તો-તો રોજ હળવો મેકઅપ ઇઝ મસ્ટ. ફાઉન્ડેશન, કલર કરેક્ટિવ મેકઅપ, લિપસ્ટિક, આઇલાઇનર જેવી બેસિક ચીજો તો હોય જ. આ માટે હવે માર્કેટમાં રંગબેરંગી બ્યુટી બ્લેન્ડર સ્પન્જ મળવા લાગ્યાં છે. સનસ્ક્રીન લગાવવાથી લઈને બીબી, સીસી, ડીડી ક્રીમ લગાવવું હોય તો પણ બ્લેન્ડર્સનો ઉપયોગ કરે છે. મેકઅપ બ્રશ કરતાં એ બહુ સરળતાથી મળી રહે છે અને એની કિંમત પણ ઓછી હોય છે એટલે ડેઇલી યુઝમાં બ્લેન્ડર્સનો વપરાશ કરવાનું સરળ લાગે છે. જોકે મેકઅપની પ્રોડક્ટ્સને ચહેરાની ત્વચા પર ઇવનલી ફેલાવવા માટે મેકઅપ બ્રશ વાપરવાં વધુ યોગ્ય છે કે બ્યુટી બ્લેન્ડર્સ? લગભગ ૮૫૦૦ લોકોને મેકઅપની ટ્રેઇનિંગ આપી ચૂકેલાં ઘાટકોપરની રૂપ હેર ઍન્ડ મેકઅપ ઇન્સ્ટિટ્યૂટના પ્રણેતા રીટા મારુ કહે છે, ‘બ્યુટી બ્લેન્ડર અને મેકઅપ બ્રશ આ બેમાંથી જો બેસ્ટ મેકઅપ ટૂલની પસંદગી કરવાની હોય તો એ છે બ્રશ. જોકે બ્રશ વાપરતાં શીખવું પડે. પ્રોફેશનલી સ્ટ્રોક્સ શીખવા પડે. ચહેરાના કૉન્ટૂરને ધ્યાનમાં રાખીને શું ઇફેક્ટ આપવી છે એ સમજીને કયું બ્રશ વાપરવું અને કઈ પ્રોડક્ટથી ચોક્કસ સ્ટ્રોક મારતાં શીખવું એ જરૂરી છે નહીંતર તમને જોઈતું પરિણામ નહીં મળે. ચહેરાની ખામીઓ છુપાવવાને બદલે એ વધુ ભદ્દી બનીને બહાર આવે એવુંયે બને. બ્રશને જો ખોટી રીતે ફેરવો તો ત્વચા પર સ્પ્રેડ થયેલી પ્રોડક્ટ ઊખડી જાય એવું પણ બને. જો તમને ઈઝી ટુ યુઝ ચીજ જોઈતી હોય તો એ છે બ્યુટી બ્લેન્ડર્સ. એનાથી મેકઅપ પ્રોડક્ટને સરળતાથી સ્પ્રેડ કરી શકો છો.’
લિમિટેશન્સ શું?
દેખીતી રીતે વાપરવામાં સહેલાં લાગતાં બ્યુટી બ્લેન્ડર્સ હકીકતમાં વાપરવાનું સહેલું નથી. એની હાઇજીન કૅર બહુ જ ચીવટવાળી રાખવી પડે એમ છે એની વાત કરતાં રીટા મારુ કહે છે, ‘બ્યુટી બ્લેન્ડર વાપરતી વખતે મોટા ભાગે બહેનો ભૂલ કરે છે કે એકનું એક બ્લેન્ડર વારંવાર વાપર્યા જ કરે છે. બ્લેન્ડર સ્પન્જ એક વાર વાપર્યા પછી એને ધોવું મસ્ટ છે. વળી એ પૂરેપૂરું સુકાય નહીં ત્યાં સુધી એને ફરી વાપરવું ન જોઈએ. બ્લેન્ડરને સુકાતાં લગભગ એક દિવસ થઈ જાય છે. એટલે જો તમે બ્લેન્ડર વાપરતા હો તો તમારી પાસે મિનિમમ બેથી ત્રણ બ્લેન્ડર રાખવાં જોઈએ અને એને રોજ ધોઈ, સૂકવીને વારાફરતી વાપરવાં જોઈએ.’
ADVERTISEMENT
ધારો કે ધોઈએ નહીં તો શું થાય? આવો સવાલ શૉર્ટકટ જનરેશનને થાય એ સ્વાભાવિક છે. એ વિશે મેકઅપ આર્ટિસ્ટ રીટાબહેન કહે છે, ‘બ્યુટી બ્લેન્ડર્સમાં તમારી મેકઅપ પ્રોડક્ટ ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે એના સ્પન્જમાં પ્રોડક્ટ શોષાઈ જાય છે. જો ધોવામાં ન આવે તો એના પોરસ ટેક્સ્ચરમાં મેકઅપ પ્રોડક્ટ ભરાયેલી પડી રહે છે જે ફંગલ અને બૅક્ટેરિયલ ગ્રોથનું ઘર બની જાય છે. એવું અસ્વચ્છ સ્પન્જ તમારી ત્વચાને ટેમ્પરરી બહારથી નિખારશે અને લાંબા ગાળે એને નુકસાન કરશે.’
સનસ્ક્રીન કે ક્રીમ બને ત્યાં સુધી આંગળીથી મસાજ કરીને લગાવવી જોઈએ કેમ કે બ્લેન્ડર્સનો વધુપડતો ઉપયોગ ત્વચામાં એન્જિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે. રીટાબહેન કહે છે, ‘સ્કિન પ્રોટેક્શન માટે જે ક્રીમ્સ કે સનસ્ક્રીન લોશન લગાવવાનાં હોય છે એને આંગળીથી જ લગાવવાં જોઈએ. બ્લેન્ડરથી લગાવેલી પ્રોડક્ટ ત્વચાના ઊંડા લેયરમાં સેટ થાય છે. મેકઅપ પ્રોડક્ટ્સ પણ જો બ્લેન્ડરથી લગાવવામાં આવે તો કાં તો ત્વચાના પીએચ બૅલૅન્સને ખોરવે છે. ત્વચાની હેલ્થ માટે એમાં હાઇડ્રેશન પૂરતું હોય અને પીએચ બૅલૅન્સ સારું હોય એ બે ચીજો બહુ મહત્ત્વની છે. બ્યુટી બ્લેન્ડરથી હાઇડ્રેશન ઘટી જાય છે અને ઍસિડિક ગુણમાં પણ અસંતુલન સર્જાય છે. એને કારણે ત્વચામાં લાંબા ગાળે કરચલી અને ઢીલાશ આવી જાય છે. તમે કહેશો કે હું તો છ મહિનાથી વાપરું છું, મને તો કંઈ નથી થયું. તો વાત સાચી છે. આની અસરો તરત નથી દેખાતી. ત્રણ-ચાર વર્ષે એની અસર દેખાય છે અને ત્વચા અકાળે ઘરડી થઈ જાય છે. જ્યારે એ અસર સ્પષ્ટ દેખાવા લાગે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.’
કેવાં બ્લેન્ડર્સ
માર્કેટમાં અને ટ્રેનમાં પણ હવે તો બ્લેન્ડર્સ વેચાય છે જે પચીસ-ત્રીસ રૂપિયામાં મળી રહે છે અને બ્યુટી-શૉપ કે ઑનલાઇન માર્કેટ પર તમને ૫૦૦થી ૭૦૦ રૂપિયાનાં બ્લેન્ડર્સ પણ જોવા મળે છે. આમાં ફરક શું છે એ સમજાવતાં રીટા મારુ કહે છે, ‘જે સસ્તાં બ્લેન્ડર્સ હોય છે એ સિન્થેટિક મટીરિયલનાં હોય છે. એનાથી ત્વચાનું નૅચરલ ઑઇલ સુકાઈ જાય છે. એને બદલે સારી બ્રૅન્ડનું બ્લેન્ડર લો જે નૅચરલ રબરનું હોય. મોંઘું હોય એ જરૂરી નથી, નૅચરલ મટીરિયલનું બ્લેન્ડર હોય એ મહત્ત્વનું છે. તમારી ત્વચા માટે કેવી પ્રોડક્ટ્સ સારી છે એ સમજવા માટે ત્વચાની અને મેકઅપની સમજણ માટે પ્રોફેશનલ હેલ્પ એક વાર લઈ લેવી બહેતર છે.’


