હવે આપણે વિચારવાનું એ છે કે હું કોણ છું, મારે શું જોવું જોઈએ અને શું ન જોવું જોઈએ, મારે ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ?
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
વિજ્ઞાનની હરણફાળને લીધે આજે આખું વિશ્વ જાણે આપણા ખિસ્સામાં આવી ગયું છે અને એનું નામ છે મોબાઇલ. ત્રેતાયુગમાં એક રાવણ હતો જે લંકામાં રહેતો હતો અને ભગવાન રામને હેરાન કરતો હતો. આજે એક રાવણ આપણા ખિસ્સામાં રહે છે જે આપણા આરામને હેરાન કરે છે.
સોશ્યલ મીડિયા જાણે અત્યારે આપણું અભિન્ન અંગ થઈ ગયું છે. મોબાઇલ અને સોશ્યલ મીડિયાનું ઍડિક્શન તથા રેડિયેશન માનવના શરીરને અને માનવના મનને વિચિત્ર રીતે હેરાન કરી રહ્યું છે. આપણે સૌ કનેક્ટ તો છીએ, પણ જ્યાં હોવું જોઈએ ત્યાં કનેક્ટર નથી અને જ્યાં ન હોવું જોઈએ ત્યાં કનેક્ટ થઈને બેઠા છીએ. ઘરના સભ્યો સાથે કનેક્ટ હોવું જોઈએ ત્યારે આપણે ઘરના સભ્યો સાથે ડિસકનેક્ટ છીએ અને દૂર બેસેલા કોઈ આપણા સોશ્યલ મીડિયાના ફ્રેન્ડ સાથે કનેક્ટ છીએ. આપણે આપણા હૃદયની વાતો જે આપણા પરિવારને નથી કરતા એ બીજાને કરી દઈએ છીએ તો નથી લાગતું કે ઍક્ચ્યુઅલી આપણે ડિસકનેક્ટ છીએ. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર અત્યારે માણસ જમવાનું મગાવે, ઑનલાઇન શૉપિંગ કરે. કેટકેટલી વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે અને પાછો તે જમવાનું મગાવે એમાં રિવ્યુ આપે, હોટેલમાં માણસ જમવા જાય તો ત્યાં કૉમ્પ્લિમેન્ટ્સ લખતો આવે. તમે ક્યારેય આપણા ઘરમાં જે રસોઈ બનાવે છે તે મમ્મી કે પત્નીને રિવ્યુ આપ્યો છે? આ વિચારવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આપણી સારી-નબળી બધી જ પરિસ્થિતિમાં જે પરિવાર આપણી સાથે ઊભો છે એ પરિવારથી આપણે ડિસકનેક્ટ છીએ અને જગતની સાથે કનેક્ટ છીએ. મને તો એમ લાગે છે કે હવેના સમયમાં ઉપવાસનો અર્થ બદલવો પડશે. હવે ઉપવાસ અન્નનો કરવા કરતાં એકાદશીના દિવસે હું મોબાઇલને હાથ નહીં લગાવું એવો મોબાઇલનો ઉપવાસ કે દર સોમવારે હું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક નહીં જોઉં એનો ઉપવાસ જરૂરી છે. જો આમ જ આપણો ઉપયોગ અને ઉપભોગ વધતો રહ્યો તો ભારતમાં ભવિષ્યમાં ૩૦ કે ૫૦ વર્ષ પછી પ્રત્યેક ઘરમાં મંદબુદ્ધિ લોકો હશે.
ADVERTISEMENT
મોબાઇલમાં અત્યારે ભદ્ર અને અભદ્ર, સારી અને ખરાબ, સંસ્કૃતિ અને વિકૃતિ બધી જ વાતો સહજમાં ઉપલબ્ધ છે. હવે આપણે વિચારવાનું એ છે કે હું કોણ છું, મારે શું જોવું જોઈએ અને શું ન જોવું જોઈએ, મારે ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ? આ વિવેક અત્યારના યુગમાં બહુ જરૂરી છે અને એ વિવેક માત્ર ને માત્ર સત્સંગથી આવશે. સત્સંગનો અર્થ છે સારાના સંગમાં રહેવું. મારી આપ સૌને પ્રાર્થના છે કે જગત સાથે કનેક્ટ થવા કરતાં જગદીશ સાથે કનેક્ટ થઈએ તો શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ સહજમાં પ્રાપ્ત થઈ જશે. માણસ કૉર્ડલેસ થાય એ ચાલશે, ગૉડલેસ ન થવો જોઈએ.
- આશિષ વ્યાસ