ત્રણ-ત્રણ જીવહાનિથી નારદજી અતિ વ્યાકુળ થયા. તેમણે બ્રહ્મદેવને કહ્યું, તમે જ મને સત્સંગનો મહિમા કહો?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણે ત્યાં એક પૌરાણિક કથા સુપ્રસિદ્ધ છે ઃ દેવર્ષિ નારદે એક વાર બ્રહ્મદેવને સત્સંગનો મહિમા પૂછ્યો. બ્રહ્મદેવે કહ્યું, ‘દેવર્ષિ, હું ખૂબ કામમાં છું એથી તમે એમ કરો પૃથ્વીલોકમાં અમુક સ્થાને અમુક જંગલમાં એક ઝાડ પર એક કાચિંડો બેઠો છે એને જઈને તમારો પ્રશ્ન પૂછો.’ નારદજી બ્રહ્મદેવના આદેશ પ્રમાણે કાચિંડા પાસે આવ્યા અને સત્સંગનો મહિમા સંભળાવવા એને વિનંતી કરી. નારદજીના શબ્દો સાંભળતાં જ કાચિંડો મરી ગયો.
નારદજી પાછા બ્રહ્મદેવ પાસે ગયા. બ્રહ્મદેવે તેમને પોપટ પાસે સત્સંગનો મહિમા સમજવા મોકલ્યા. નારદજીનો પ્રશ્ન સાંભળતાં જ પોપટ પણ તરત મૃત્યુ પામ્યો. નારદજીને અતિ આશ્ચર્ય થયું. વળી તેઓ બ્રહ્મદેવ પાસે પહોંચ્યા. હવે બ્રહ્મદેવે તેમને એક ગામમાં ખેડૂતની ગાયને જન્મેલા વાછરડાને આ વાત પૂછવાનો આદેશ આપ્યો. નારદજી વાછરડા પાસે પહોંચ્યા અને ત્યાં પણ નારદજીના શબ્દો કાને પડતાં જ વાછરડો ઢળી પડ્યો.
ADVERTISEMENT
ત્રણ-ત્રણ જીવહાનિથી નારદજી અતિ વ્યાકુળ થયા. તેમણે બ્રહ્મદેવને કહ્યું, તમે જ મને સત્સંગનો મહિમા કહો? બ્રહ્મદેવે કહ્યું, ‘મને એ શક્ય નથી, પણ તમે પાછા પૃથ્વી પર જાઓ, ત્યાં એક નગરના રાજાની રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો છે એ નવજાત શિશુને તમે સત્સંગનો મહિમા પૂછશો તો કહેશે.’ નારદજીની હિંમત ચાલતી નહોતી, પણ બ્રહ્માજીના આદેશ સામે લાચાર હતા. તેમણે નવજાત રાજકુંવરને સત્સંગનો મહિમા પૂછ્યો. પ્રશ્ન સાંભળતાં જ રાજકુંવર હસવા લાગ્યો. રાજકુમાર મર્યો નહીં એથી દેવર્ષિને શાંતિ થઈ. તેમણે રાજકુંવરને કહ્યું કે ‘તું હસે છે કેમ?’
રાજકુંવરે કહ્યું, ‘દેવર્ષિ, તમે જ સાચા સંત છો, તમારો મહિમા અનુપમ છે. તમારા સંગથી મને કેટલો મોટો લાભ થયો છે. હું જ્યારે કાચિંડાની યોનિમાં હતો ત્યાં તમારું સાંનિધ્ય મળતાં મને એમાંથી છુટકારો મળ્યો અને પોપટની યોનિ પ્રાપ્ત થઈ ત્યાં પણ તમારો સંગ પ્રાપ્ત થયો અને પરિણામે હું વાછરડાના રૂપમાં જન્મ્યો. તમારું આગમન ત્યાં પણ થયું અને એ સત્સંગના લાભે આજે હું મનુષ્યયોનિમાં રાજકુંવરનો જન્મ પામ્યો છું. તમારા જેવા સંતના સંગથી ઉત્તરોત્તર મારી પ્રગતિ થતી ગઈ. આવા સત્સંગનો મહિમા તો જેટલો ગાઈએ એટલો ઓછો છે.’
ઉપરોક્ત કથા ખૂબ જ માર્મિક છે. ચાર અવતાર દ્વારા આ કથામાં માનવીની ચાર અવસ્થાઓ બતાવવામાં આવી છે. પ્રત્યેક માનવ શરૂઆતમાં કાચિંડાની જેમ રોજ નવા રંગ બદલતો હોય છે, કારણ કે તે માયાના આવરણ નીચે દબાયેલો છે. ગંગા ગએ ગંગાદાસ અને જમના ગએ જમનાદાસ એવા મિર્ઝાપુરી લોટા જેવા લોકોના જીવનમાં સ્થિરતા હોતી નથી.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે.)

